વિશાલ દાદલાની : બધા કલાકારો પોતાની પ્રતિભાનું યોગ્ય માર્કેટિંગ કરી શકતા નથી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
વિશાલ દાદલાની :  બધા કલાકારો પોતાની પ્રતિભાનું યોગ્ય માર્કેટિંગ કરી શકતા નથી 1 - image


- સમયના પ્રવાહ સાથે ફિલ્મ મ્યુઝિકમાં પણ પરિવર્તન થાય છે

હિન્દી ફિલ્મ જગતમાં સમયના પ્રવાહ સાથે પરિવર્તન થાય છે. ખાસ કરીને હિન્દી ફિલ્મના સંગીતમાં નોંધપાત્ર ફેરફાર થતા રહ્યા છે. એક તરફ ૬૦ -૭૦ ના દાયકાનાં મીઠાંમધુરાં અને અર્થપૂણ  ગીતો આજે પણ એટલાં જ તાજાં અને સૂરીલાં રહ્યાં છે. તો બીજીબાજુ નવી પેઢીનાં સંગીત નિર્દેશકોનો પણ ઉદય થયો છે.

મ્યુઝિક ડાયરેક્ટરોની નવી પેઢીમાં વિશાલ --શેખરની જોડી પણ છે. વિશાલ-- શેખરની જોડીમાંના વિશાલ દાદલાની આજકાલ ટેલિવિઝન રિયાલિટી શો  ઇન્ડિયન આઇડોલ અને સા.રે.ગ.મ.પ સંગીત સ્પર્ધાના નિર્ણાયક (જજ) તરીકે બહુ સક્રિય છે. થોડા સમય પહેલાં પૂરા થયેલા  ઇન્ડિયન આઇડોલના જજ  તરીકે  વિશાલ દાદલાનીએ સેવા આપી હતી.હવે વિશાલ  દાદલાની હમણાં રજૂ થતા  સા.રે.ગ.મ.પ. ટીવી શોના જજ  તરીકે છે.

આમ તો આવી સંગીત સ્પર્ધા ઘણા સમયથી યોજાય છે.આવી સંગીત હરીફાઇમાં  ભારતભરમાંથી પસંદ પામેલાં  યુવક -યુવતીઓ હિસ્સો લે છે. સ્પર્ધાના જુદા જુદા રાઉન્ડ દરમિયાન સ્પર્ધકો આગળ વધે છે.છેલ્લે ફાઇનલ યોજાય અને તેમાં  અંતિમ વિજેતાની પસંદગી થાય. વિજેતાને આકર્ષક ઇનામ, ટ્રોફી વગેરે મળે. સાથોસાથ પેલા મ્યુઝિક ડાયરેક્ટર સાથે રહીને એકાદ ગીત ગાવાની સોનેરી તક પણ મળે. 

આમ છતાં મહત્વનો  મુદ્દો એ છે ક  આવા મ્યુઝિકલ રિયાલિટી શા નાં પ્રતિભાશાળી ગાયક--ગાયિકાઓનું ભવિષ્ય શું હોય છે ?  મ્યુઝિક શો પૂરો થાય ત્યારબાદ તેઓ શું કરે છે ? 

મુંબઇમાં સિંધી -હિન્દુ પરિવારમાં જન્મેલા, ઉછરેલા અને ભણેલા વિશાલ દાદલાની તેના અનુભવના આધારે કહે છે, આવી સંગીત સ્પર્ધાનો હેતુ હિન્દી ફિલ્મ જગતને પ્રતિભાશાળી અને સૂરીલો કંઠ ધરાવતાં નવાં  ગાયક -ગાયિકાઓ મળે તેવો છે. ખાસ કરીને સ્પર્ધાના જજ તરીકે સેવા આપતા મ્યુઝિક ડાયરેક્ટરો પણ તેમની  નવી ફિલ્મમાં કે  મ્યુઝિક આલ્બમમાં  પેલાં ગાયક -ગાયિકાઓને તક આપી શકે. સંગીત સ્પર્ધામાં ગીત ગાવું અને ફિલ્મનું ગીત ગાવું તે બંને વચ્ચે  ટેકનિકલી ઘણો તફાવત છે.વળી, તે ગાયક કે ગાયિકા જે ફિલ્મ માટે ગીત ગાય તે ફિલ્મને અને ગીતને દર્શકોનો કેવો-કેટલો પ્રતિસાદ મળે છે તેના પર પણ ઘણો આધાર છે. પેલા નવા ગાયક કે ગાયિકાનું ગીત લોકપ્રિય થાય તો તેને બીજા મ્યુઝિક ડાયરેક્ટર પણ તક આપશે.આમ તે ગાયક --ગાયિકાની  કારકિર્દી ફિલ્મ જગતમાં આગળ વધી શકે. 

ઓમ શાંતિ ઓમ  ફિલ્મથી  બોલીવુડમાં  વિશાલ-શેખરની  સંગીત નિર્દેશક  જોડી તરીકે  કારકિર્દી શરૂ કરનારા  વિશાલ દાદલાની નવા જમાનાના પ્રવાહનું  ઉદાહરણ આપતાં કહે છે, જુઓ, આજની નવી પેઢીનાં ઘણાં યુવક-યુવતીઓ શાસ્ત્રીય સંગીતની  સઘન તાલીમ પામેલાં હોય છે. તેઓ મીઠી મધુરી હલક સાથે મજેદાર ગીતો ગાઇ શકે છે.  સાથોસાથ,  અમુક ગાયક - ગાયિકાઓ તો સંગીતની ધૂન પણ તૈયાર કરવાની અને ગીત સુદ્ધાં  લખવાની પ્રતિભા પણ ધરાવતાં હોય છે.આવી ઉજળી પ્રતિભાવાળાં ગાયક-ગાયિકાઓ પાસે ઇન્ડિયન આઇડોલ અને સા.રે.ગ.મ.પ જેવા  લોકપ્રિય મ્યુઝિકલ રિયાલિટી શો નું પ્લેટફોર્મ  અને અનુભવ હોવાથી  તેમને ફિલ્મ જગતમાં અને બહાર સારો આવકાર મળી શકે છે. આવાં ગાયક -ગાયિકાઓ  તેમનાં સાથી મિત્રો સાથે રહીને  તેમનાં કમ્પોઝ કરેલાં ગીતો યુ ટયુબ પર  રજૂ કરી શકે છે. ઉપરાંત, તેઓ પોતાનાં મ્યુઝિક આલ્બમ્સ પણ તૈયાર કરી શકે છે. આજની નવી પેઢીેને આવાં મ્યુઝિક આલ્બમ્સ અને યુ ટયુબ પરતાં કર્ણપ્રિય ગીતો સાંભળવાં ગમે છે. 

અંજાના અંજાની,દોસ્તાના, આઇ હોટ લવ સ્ટોરી, સુલતાન, બેન્ગ બેન્ગ, સ્ટુડન્ટ ઓફ ધ યર,બેફીક્રે,વોર વગેરે ફિલ્મોમાં મજેદાર સંગીત આપનારી વિશાલ --શેખરની જોડીમાંના વિશાલ દાદલાની બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, મ્યુઝિકલ રિયાલિટી શો માં હિસ્સો લેતાં ગાયક-ગાયિકાઓએ તેમની પ્રતિભાનો પરિચય  આખા ભારતને પણ આપવાનો હોય છે. અમુક ગાયક -ગાયિકાઓ એટલાં હોશિયાર હોય છે કે તેઓ તેમના ભવિષ્યનું સચોટ આયોજન કરી શકે છે. ફોડ પાડીને કહીએ તો તેઓ પોતાની પ્રતિભાનું યોગ્ય માર્કેટિંગ કરી શકે છે.  મ્યુઝિકલ સર્કલમાંની અનુભવી વ્યક્તિઓનો પરિચય કેળવીને  પોતાની કારકિર્દી ઘડે છે. આગળ વધે છે. 

ન માની શકાય  તેવી બાબત તો એ હોય છે કે આવાં ગાયક -ગાયિકાઓ સ્પર્ધાનાં વિજેતા કે  રનર --અપ પણ નથી હોતાં. આમ છતાં તેઓ પોતાની  કારકિર્દી ઘડવામાં આગળ  વધી જાય  છે. ગમે  તે કહો પણ,  કોઇપણ ગાયક-ગાયિકા, સંગીતકાર, ચિત્રકાર, જનતાના કે ચાહકોના પ્રેમ અને સ્વીકાર વગર સફળ ન થઇ શકે.  કહેવાનો અર્થ એ છે કે નવી પેઢીનાં ગાયક -ગાયિકાઓને  સમાજમાં બહોળો આવકાર મળે તો તેઓ જરૂર સફળ થઇ શકે. 

અમુક હિન્દી ફિલ્મોમાં  ગીતકાર તરીકે પણ યોગદાન આપનારા વિશાલ દાદલાની આજના નવા યુગના પ્રવાહ વિશે કહે છે, જુઓ, આજે   મ્યુઝિક ફિલ્ડમાં સ્પેશિયાલિટીનું મહત્વ વધુ છે. એટલે કે આજનાં ગાયક -ગાયિકાઓએ  તેમની પોતાની વિશિષ્ટ સ્ટાઇલ વિકસાવી હોય છે. તેઓ મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબ અને લતાજીની જેમ  અથવા ઉદિત નારાયણ અને કુમાર શાનુની જેમ તમામ પ્રકારનાં ગીતો ગાવાનું પસંદ નથી કરતાં. આવા નવા પરિવર્તનને કારણે આજે ફિલ્મનાં હીરો -હીરોઇન માટે એક કરતાં વધુ ગાયક -ગાયિકાઓ હોય છે. એક હીરો કે હીરોઇન માટે પાંચ-- છ વાઇસ હોય છે.   


Google NewsGoogle News