વિક્રાંત મેસીની ઉજળી ભવિષ્યવાણી ભારત મનોરંજન વિશ્વનું કેન્દ્ર બની શકે તેમ છે
- 'આપણી પાસે પ્રતિભાશાળી કલાકારો, આધુનિક ટેકનોલોજી, ઉત્તમ સુવિધાજનક સ્ટુડિયો બધું જ છે. આંતરરાષ્ટ્રીય સ્તરની યાદગાર ફિલ્મોનું સર્જન કરવાની ક્ષમતા પણ છે...'
- 'હાલ ભારતમાં મનોરંજન ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે. મનોરંજનનાં એક કરતાં વધુ માધ્યમો છે. આપણે દર્શકો પર પૂરતો ભરોસો રાખવો જરૂરી છે.'
ટ્વેલ્થ ફેઇલ' ફિલ્મ ફક્ત હિન્દી ફિલ્મ જગત માટે જ નહીં પણ સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે ઝળહળતો સફળ પ્રયોગ બની રહી. ખાસ કરીને વિક્રાંત મેસીના અભિનય માટે તો બોલીવુડ સહિત દર્શકો રાજીનાં રેડ થઇ ગયા.
મૂળ શિમલાનો વતની પણ માતાપિતા મહારાષ્ટ્રના વિદર્ભના નાના શહેર નાગભીડમાં જન્મેલો અને ઉછરેલો વિક્રાંત મેસી ૧૨ ફેઇલ ફિલ્મની ઉજળી સફળતાનો ભરપૂર આનંદ વ્યક્ત કરતાં કહે છે, મારા સુક્ષ્મ નિરીક્ષણ મુજબ કોરોનાની મહામારી બાદ ફક્ત હિન્દી ફિલ્મોમાં જ નહીં પણ પ્રાદેશિક ભાષાની ફિલ્મોના સર્જનમાં બહુ મોટો અને ઉડીને આંખે વળગે એવું હકારાત્મક પરિવર્તન આવ્યું છે. નવી અને વિચારશીલ કથા -પટકથા, જીવંત અને મન-હૃદય સુધી પહોંચે તેવો અભિનય, દર્શકોને પોતાના જીવનસમા લાગતા પ્રસંગો, સરળ અને ગમતીલી ભાષા, પડદા પરથી એક પણ ક્ષણ નજર હટાવવાનું મન ન થાય તેવું દિગ્દર્શનનો જાણે કે પ્રવાહ વહતો થયો છે.
મુંબઇના બાંદ્રાની આર .ડી. નેશનલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલો વિક્રાંત ભરપૂર આશવાદ સાથે કહે છે, હું મારી જાતને નસીબદાર સમજું છું કે બોલીવુડના આ નવા અને પ્રયોગશીલ પરિવર્તનનો હિસ્સો બની શક્યાહું પૂરી નમ્રતા સાથે છતાં ભારપૂર્વક માનું છું કે હવે આપણે સહુએ સંપ --સહકારથી અને હળીમળીને સહિયારું કામ કરવું જોઇએ. બધા નિર્માતોઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ, અભિનેત્રીઓ, સંગીતકારો, ગાયકો સહુએ એકબીજાંને મદદરૂપ થવું જોઇએ. ન હિન્દી કે ન મરાઠી કે ન બંગાળી. બસ, અર્થસભર, ગમતીલી, દર્શકોનાં મન-હૃદય બે ઘડી ખુશખુશાલ થઇ જાય તેવી ફિલ્મોનુ સર્જન થવું જોઇએ. ભારતીય ફિલ્મનો કિર્તીધ્વજ સમગ્ર વિશ્વમાં લહેરાવો જોઇએ.
ધૂમ મચાઓ ધૂમ(૨૦૦૭) નામની ટેલિવિઝન સિરિઝથી અભિનય કારકિર્દી શરૂ કરીને ધરમવીર, બાલીકા વધુ,કુબુલ હૈ વગેરે સિરિયલમાં વિવિધ પાત્રો ભજવનારો વિક્રાંત મેસી બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, આજના વિજ્ઞાાન યુગની આધુનિક ટેકનોલોજીએ તો ફિલ્મ સર્જનની પ્રક્રિયાના જાણે કે રૂપરંગ જ બદલી નાખ્યા છે. સ્પેશિયલ ઇફેક્ટ્સને કારણે ફિલ્મના જુદા જુદા પ્રસંગોની વેધકતા વ્યક્ત થાય છે. આવી ટેકનોલોજીથી પડદા પર અનંત બ્રહ્માંડ, રૂપકડાં-રંગબેરંગી પક્ષીઓ, રમતિયાળ પ્રાણીઓ, સુગંધી પુષ્પોથી લઇને, અફાટ ગગનમાં ઉડતાં વિમાનો અને તેની સનસનીખેજ કવાયત અને યુદ્ધનાં દ્રશ્યો પણ રજૂ કરી શકાય છે.એમ કહો કે ફિલ્મની રસપ્રદ કથાને આધુનિક ટેકનોલોજીનો ઓપ મળતા હોવાથી દર્શકો મોટા પડદા પર ફિલ્મનો ભરપૂર આનંદ માણી શકે છે.
ફક્ત થિયેટર જ નહીં, આજે તો ઓવર ધ ટોપ(ઓટીટી) માધ્યમ પણ જબરું લોકપ્રિય બન્યું છે. ઓટીટી પર રજૂ થતી ફિલ્મોને અને સિરિઝને દર્શકોનો બહેદ આવકાર મળ્યો છે. અનુકુળતા તો એ રહે છે કે કોઇપણ વ્યક્તિ તેની અનુકુળતા મુજબ ઘરના ટેલિવિઝન પર ઓટીટીની ફિલ્મ કે સિરિઝ સપરિવાર જોવાનો આનંદ માણી શકે છે.
આજ ઓટીટીના સ્વરૂપ સામે અણિયાળા સવાલ પણ થઇ રહ્યા છે. ઓટીટી પરની સિરિઝના સંવાદોની ભાષા પ્રદૂષિત, ગંદી,ગોબરી હોવા વિશે ફરિયાદો થઇ હોવાથી સરકાર હવે આ માધ્યમ પર સેન્સરશીપ લાગુ કરવાની હિલચાલ કરી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. જોકે મારા અંગત નમ્ર મત મુજબ આપણે ખરેખર તો હોલીવુડની જેમ ઉંમર સંબંધિત સર્ટિફિકેટનો નિયમ શરૂ કરવો જોઇએ.
મુંબઇની આર.ડી.નેશનલ કોલેજમાંથી સ્નાતક થયેલો અને તાલીમબદ્ધ ડાન્સર વિક્રાંત મેસી એક વિચારકની જેમ કહે છે, હાલ ભારતમાં મનોરંજન ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે. મનોરંજનનાં એક કરતાં વધુ માધ્યમો છે. એટલે મારા મતે તો આપણે દર્શકો પર પૂરતો ભરોસો રાખવો જરૂરી છે. શું જોવું અને શું ન જોવું તેનો નિર્ણય દર્શકોન જ કરવા દો. વળી, આજના સાયન્સ અને ટેકનોલોજીના યુગનાં અને સુશિક્ષિત દર્શકો બહુ બહુ સમજદાર હોવાથી તેઓ સાર -નરસાનો ભેદ પારખી શકે છે.
એક ખાસ બાબત. આજની ઘડીએ આપણી પાસે અત્યાધુનિક ટેકનોલોજી, વિઝ્યુઅલ ઇફેક્ટસ આલા દરજ્જાના ટેકનિશિયન્સ, ઉત્તમ સુવિધાઓ સાથેના ફિલ્મ સ્ટુડિયો વગેરે પણ છે.ખુશી થવા જેવી બાબત તો એ છે કે આજે હોલીવુડ(અમેરિકા) સહિત વિશ્વના ઘણા દેશનો ફિલ્મ ઉદ્યોગ તેમની ફિલ્મનાં વિઝ્યુઅલ ઇફેક્ટસનાં દ્રશ્યો માટે ભારતની મદદ લે છે. આ બધા ઉત્તમ પાસાંને ધ્યાનમાં રાખીને આપણે ભારતીયો વર્લ્ડ સિનેમા અને હોલીવુડના સ્તરની ફિલ્મોનું સર્જન કરી શકીએ એટલા સક્ષમ છીએ. આપણે મનોરંજન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓટી આવક કરી શકીએ તેમ છીએ. બસ, જરૂર છે ઇચ્છાશક્તિની.
બીજીબાજુ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એન.એફ.ડી.સી.) પણ મોટી અને મહત્વનું યોગદાન આપી શકે છે. ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે એન.એફ.ડી.સી.ને પૂરતું નાણાં ભંડોળ નહીંં મળતું હોવાથી આ સંસ્થા તેની શ્રેષ્ઠ કામગીરી નથી કરી શકતી. એન.એફ.ડી.સી.ને તગડું ભંડોળ મળે તો તે મજેદાર -- અર્થસભર ફિલ્મોનું સર્જન કરી શકે. નવાં --પ્રતિભાશાળી કલાકારોનો ઉદય થાય. ભારતીય ફિલ્મ ઉદ્યોગ મનોરંજન વિશ્વનું કેન્દ્ર બની શકે.