વિક્રાંત મેસી : 'ટ્વેલ્થ ફેલ'નો કલાકાર અભિનય શાળાનો ટોપર

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
વિક્રાંત મેસી : 'ટ્વેલ્થ ફેલ'નો કલાકાર અભિનય શાળાનો ટોપર 1 - image


- બોલિવુડના ટોપ સ્ટાર્સ ટીવી પરથી ફિલ્મોમાં આવેલા કલાકારોની સરાહના  કરતાં પહેલાં સો વખત વિચાર કરે છે, પરંતુ 'ટ્વેલ્થ ફેઇલ'ના  વિક્રાંતના  અભિનયની  આલિયા ભટ્ટ,  દીપિકા  પાદુકોણ અને એક વખત  વિકાંતને 'કોક્રોચ' કહેનાર કંગના રણૌત પણ બે મોઢે પ્રશંસા કરી છે.

વિક્રાંત મેસીની 'ટ્વેલ્થ ફેઇલ'   ફિલ્મે દર્શકો અને  વિવેચકોના દિલ જીતી લીધાં  છે. ૨૦૨૩ની ્શ્રેષ્ઠ ભારતીય  ફિલ્મોમાં  સ્થાન પામેલી આ મૂવી પછી લોકો આ અભિનેતા પાસેથી તેનાથી પણ  વધુ સારી  ફિલ્મની અપેક્ષા  રાખે તે સ્વાભાવિક  છે. વિક્રાંતની ઓર એક મહત્ત્વપૂર્ણ ફિલ્મ આવી રહી છે. તે છે, એકતા કપૂરની  'સાબરમતી રિપોર્ટ'. 

આ  ફિલ્મ વર્ષ ૨૦૦૨માં  સાબરમતી એક્સપ્રેસમાં  લગાવવામાં આવેલી  આગની સત્ય ઘટના  પર આધારિત  છે. ૨૭મી ફેબુ્રઆરી  ૨૦૦૨ના  દિવસે સાબરમતી  એક્સપ્રેસના ચાર ડબ્બા આગને હવાલે  કરી દેવામાં આવ્યાં હતાં, જેમાં અયોધ્યાથી  પરત ફરી રહેલા ૫૯ કારસેવકો જીવતા ભુંજાઈ ગયા હતા. ગુજરાતના ગોધરા  રેલવે સ્ટેશન ખાતે આ નિર્મમ હત્યાકાંડને અંજામ  આપવામાં આવ્યો ત્યાર પછી ગુજરાતમાં કોમી રમખાણો  ફાટી નીકળ્યાં હતાં. જોકે આ  ફિલ્મમાં  ગુજરાતના આ કોમી  દંગલો દેખાડવામાં નહીં આવે.  નિર્માત્રી એકતા કપૂર અને દિગ્દર્શક રંજન ચાંદેલ આ ફિલ્મની  સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને  આગળ  વધવા માગે છે.

વિક્રાંત  મેસી અને રાશિ ખન્ના 'સાબરમતી એક્સપ્રેસ'માં ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ્સની ભૂમિકામાં જોવા મળશે,  જ્યારે રિદ્ધિ  ડોગરા નેગેટિવ રોલમાં દેખાશે. ફિલ્મના શૂટિંગ માટે  મુંબઇના મઢ આઈલેન્ડ ખાતે ગોધરા  રેલવે સ્ટેશનનો આબેહૂબ સેટ બનાવવામાં આવ્યો હતો. 

એવું   નથી  કે વિક્રાંત મેસીએ  માત્ર 'ટ્વેલ્થ ફેઇલ'માં જ શ્રેષ્ઠ  અભિનય  કરીને લોકોની  સરાહના  મેળવી છે.  અભિનેતાએ 'લૂટેરા'થી બોલિવુડમાં   ડગ માંડયા હતા.  પછી તેણે 'દિલ ધડકને દો', 'અ ડેથ ઈન ધ ગુંજ', 'હાફ ગર્લફ્રેન્ડ'  જેવી  ફિલ્મો  ઉપરાંત 'મિર્ઝાપુર', 'મેડ ઈન હેવન', 'ક્રિમિનલ જસ્ટિસ' જેવી  વેબ સીરિઝોમાં  કામ કર્યું હતું.

સામાન્ય રીતે  એમ માનવામાં આવે  છે કે ટચૂકડા પડદાના કલાકારો  ૭૦ એમએમના  પડદા પર  ઝટ કામ નથી મેળવી શકતા. તેમને  ફિલ્મોમાં  કામ કરવાની તક મળે તોય બહુ ઓછા કલાકારો અપ્રતિમ લોકપ્રિયતા મેળવી શકે છે.  વિક્રાંત આવા કલાકારોમાંનો એક છે.  આ અભિનેતાએ  પોતાની અભિનય  કારકિર્દીનો આરંભ ટચૂકડા  પડદેથી કર્યો હતો.  તેણે 'ધૂમ મચાઓ ધૂમ', 'બાલિકા વધૂ', 'બાબા  ઐસો વર ઢૂંઢો', 'ધરમ વીર', 'ગુમરાહ', 'એન્ડ ઓફ ઈનોસન્સ', 'કબૂલ હૈ' જેવી સંખ્યાબંધ  ધારાવાહિકોમાં  કામ કર્યુ ંહતું. આ કલાકાર અચ્છો  જાઝ ડાન્સર પણ છે.

બોલિવુડના  ટોપ સ્ટાર્સ ટીવી પરથી   ફિલ્મોમાં  આવેલા  કલાકારોની સરાહના  કરતાં પહેલાં સો વખત વિચાર કરે છે, પરંતુ 'ટ્વેલ્થ ફેઇલ'ના  વિક્રાંતના  અભિનયની   આલિયા ભટ્ટ,  દીપિકા  પાદુકોણ અને એક વખત  વિક્રાંતને 'કોક્રોચ' કહેનાર કંગના રણૌત પણ બેમોઢે   પ્રશંસા કરી છે.  'ટ્વેલ્થ  ફેઇલ'નો આ કલાકાર  અભિનયની શાળાનો  ટોપર બની  ગયો છે. 


Google NewsGoogle News