વિક્રાન્ત મેસ્સીનો મેસેજ: શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ
- આ એક્ટર આજે રાજકુમાર રાવ અને આયુષ્માન ખુરાનાના વિકલ્પ તરીકે જોવાય છે
હિન્દી ફિલ્મોમાં આજે સફળતા જેના કદમ ચૂમે છે તે અભિનેતા વિક્રમ મેસ્સી હટ કે પ્રકારની ફિલ્મોની પસંદગી માટે જાણીતો છે. અલગ પ્રકારની ભૂમિકા ભજવવામાં જે જોખમ લેવું પડે તેમાં વિવિધ પ્રકારના વિવાદનો પણ સમાવેશ થાય છે. 'ટ્વેલ્થ ફેઇલ' અને 'સેક્ટર ૨૬' પછી આજકાલ વિક્રાંત 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ માટે ન્યુઝ છે.
અત્યંત સંવેદનશીલ વિષય ધરાવતી આ ફિલ્મને મિક્સ્ડ રિવ્યુઝ મળી રહ્યા છે. એક વર્ગ જોકે દઢપણે માને છે ભારતના સાંપ્રત ઇતિહાસના એક અતિ વિવાદાસ્પદ પ્રકરણને સ્પર્શતી આ ફિલ્મ બની એ જ મોટી વાત છે. વિક્રાન્ત મેસ્સી કહે છે, 'મારા માટે સાચો બિનસાંપ્રદાયિક વ્યક્તિ એ છે જે ધર્મ, જાતિ કે તેના બેકગ્રાઉન્ડની ચિંતા કર્યા વિના બીજાને ટેકો આપે.' સોશિયલ મિડિયા પર થતાં લેબલિંગને કારણે ફેલાયેલી ગેરસમજ દૂર કરવા વિક્રાન્તે ભારપૂર્વક જણાવે છે, 'મારા માટે બિનસાંપ્રદાયિકતા એટલે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, પોતાની સંસ્કૃતિનું સન્માન કરવું અને અન્ય સંસ્કૃતિને પણ આદર આપવો. બીજાને હીણા ગણવા કે તેમના ભોગે પોતાને મોટા ગણાવવા એ યોગ્ય નથી. ભારત તો વિવિધતામાં એકતાનો દેશ છે.'
કોમનમેનનું પાત્ર ભજવવાની જેની પાસે હથોટી આવી ગઇ છે તે વિક્રાન્ત મેસ્સીને હિન્દી ફિલ્મોમાં મનગમતી ભૂમિકાઓ મેળવવા માટે સંઘર્ષ કરવો પડયો છે, પણ તેનો સંઘર્ષ અને સફળતા સામાન્ય અભિનેતાઓથી અલગ એ રીતે પડે છે કે વિક્રાન્ત મૂળ મુંબઇગરો છે. તે કોઇ નાના શહેરમાંથી મુંબઇમાં તકદીર અજમાવવા આવ્યો નથી. એ મુંબઇમાં જ મોટો થયો છે અને સંઘર્ષ કરીને સફળ અભિનેતા બન્યો છે.
ભારતના સામાન્ય માણસના સંઘર્ષથી વિક્રાન્ત સુપેરે વાકેફ છે. 'ડેથ ઇન ધ ગંજ' અને 'છપાક'માં સામાન્ય માણસની ભૂમિકા સહજ રીતે અદા કરનાર વિક્રાન્ત કહે છે, 'સિનેમા એ એક પ્રચલિત પણ માન્યામાં ન આવે તેવી જબરદસ્ત તાકાત ધરાવતું માધ્યમ છે. તે સાથે તેની જવાબદારીઓ પણ એટલી જ વિરાટ છે. મને 'સેક્ટર ૩૬' અને 'ટ્વેલ્થ ફેઇલ' એમ બંને ફિલ્મો ન કરવાની સલાહ અપાઇ હતી. લોકો મને સવાલ કરતા હતા કે 'ટ્વેલ્થ ફેઇલ'ની કથા તો ભારતના દરેક ઘરની કથા છે, તેમાં અસામાન્ય શું છે? મેં તેમને જણાવ્યું હતું કે આ જ કારણે આ ફિલ્મ બનાવવાની જરૂર છે. આવી ફિલ્મો બનાવવા માટે એક અનોખા પ્રકારની હિંમતની જરૂર પડે છે. તમારી પાસે તમારી જેમ વિચારતા લોકોની ફોજ હોવી જોઇએ. તમારો લેખક, નિર્દેશક અને તમારી ફિલ્મનું નિર્માણ કરતા સ્ટુડિયોમાં પણ આ પ્રકારના પ્રોજેક્ટને હાથ ધરવાની હિંમત હોવી જોઇએ. ઘણાએ મને કહ્યું કે મારે કમર્શિયલ સફળતા અપાવે તેવા પ્રોજેક્ટ્સને જ વળગી રહેવું જોઇએ, પણ એક કળાકાર તરીકે મારામાં એવી જવાબદારીની ભાવના છે કે મારે મારા વિશેષાધિકારનો ઉપયોગ સામાન્ય લોકો અને તેમની ભાવનાઓને વ્યક્ત કરવા માટે કરવો જોઇએ. સિનેમા આ રીતે એક જબરદસ્ત વગદાર માધ્યમ છે. જો આપણે સામાન્ય માણસના અવાજને વાચા આપે તેવી સ્ટોરીઓ રજૂ કરવામાં તેનો ઉપયોગ ન કરીએ તો તેને અન્યાય કરવા સમાન ગણાય. હું મારા વિશેષાધિકારનો ઉપયોગ સામાન્ય લોકોના અવાજને વાચા આપવા માટે કરવા માંગું છું.'
વિક્રાન્ત મેસ્સી કહે છે, 'સફળતા, પછી તે બોક્સ ઓફિસની હોય કે અન્ય પ્રકારની, પણ તે જરૂરી છે. સાથે સાથે એ પણ યાદ રાખવું જોઇએ કે જે લોકોએ તમને ટેકો આપ્યો છે, તેમનો અવાજ બનવાની પણ તમારી ફરજ છે. તમારે સફળતા અને તમારી ફરજ વચ્ચે એક સંતુલન જાળવવું જોઇએ. એક અભિનેતા તરીકે સારી રીતે લખવામાં આવેલાં આક્રમક પાત્રો સરળતાથી ભજવવા મળતાં નથી. આપણે જે જીવન જીવીએ છીએ તે જીવનની સંકુલતાઓને દર્શાવતાં પાત્રો ભાગ્યે જ ભજવવા મળે છે. જ્યારે આવી તક મળે ત્યારે તેને ઝડપી લેવી પડે છે. એક અભિનેતા તરીકે સ્ટોરીમાં તમારા દર્શકોને રસ પડવો જોઇએ.'
૩૭ વર્ષનો વિક્રાન્તને ખબર છે કે તેણે હજી ઘણું કામ કરવાનું છે. તે કહે છે, 'જો તમે તમારું કામ જુસ્સા અને પ્રામાણિકતાથી કરો તો લોકો તમારા કામની નોંધ લે છે. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેરીટનું મહત્ત્વ ઘણું છે. એવા ઘણા ફિલ્મ સર્જકો છે જેમની સાથે હું કામ કરવાની ઇચ્છા ધરાવું છું પણ આને માટે તેઓ તો જ સમય ફાળવે જો હું ચોક્કસ બાબતો તેમની સમક્ષ રજૂ કરી શકું. દાખલા તરીકે, મારે બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મો સતત આપવી પડે. મને આશા છે કે હું આમ કરી શકીશ. એ પછી મને મારે જે દિગ્દર્શકો સાથે કામ કરવું છે તેમની સાથે કામ કરવાની તક મળશે. તમને રસ પડે એ રીતે રજૂ કરવાની મારી ફરજ છે. વિવિધ નિર્દેશકો અને સહઅભિનેતાઓની અલગ અલગ રીતને કારણે દરેક ફિલ્મમાં અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરવી પડે છે. આખરે તો દર્શકોમાં ઇચ્છિત લાગણીઓ પેદા કરવાનું જ ધ્યેય હોય છે.'
'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મમાં પોતાની ભૂમિકાની તૈયારી કરવા માટે વિક્રાન્ત મેસ્સીએ ગોધરા રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. ફિલ્મની સ્ટોરીને તેના યથાર્થ રૂપે સમજવા વિક્રાન્તે ર્ંઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્ટોરીમાં તેનું કેટલું મહત્વ છે તે સમજવાનો પ્રયાસ કર્યો હતો. વિકાન્ત રોક્સ!