વિકાસ કુમાર : પાની કાલા, અભિનેતા ઉજળા
- 'અહીં તમને અવિરત કામ મળતું રહે તેની કોઈ ખાતરી નથી હોતી. તમારી પાસે કોઈ કામ ન હોય તે વખતે તમારી પાસે ટકવા માટે આવકનો અન્ય સ્રોત હોવો જરૂરી છે.'
કોઈ કલાકાર જ્યારે ખરા અર્થમાં પોતાનું પાત્ર જીવે ત્યારે તેની સઘળી સંવેદનાઓ-લાગણીઓ તેના હૃદયને સ્પર્શે છે. એ કિરદારની પીડા, દર્દ, કરૂણા, મમતા, સ્નેહ જેવી પ્રત્યેક લાગણી તે પોતે અનુભવે છે. આવું જ કાંઈક અનુભવ્યું છે અભિનેતા વિકાસ કુમારે. 'સીઆઈડી'માં સિનિયર ઇન્સપેક્ટર રજત કુમાર અને 'આર્યા'માં એસીપી ખાનની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લેનારા વિકાસે વેબ સિરીઝ 'કાલા પાની'માં સંતોષ સાવલાની ભૂમિકા ભજવીને વધુ એક વખત દર્શકો પર પોતાના અભિનયનો જાદુ ચલાવ્યો છે.
આ વેબ સીરિઝમાં વિકાસે એક પિતા તરીકે પોતાના પરિવાર માટે સઘળી હદો પાર કરી દેનારી વ્યક્તિની ભૂમિકામાં કેમેરા સામે જે પીડા ઠાલવી છે તે જોતાં સહેજે લાગે કે અભિનેતા સ્વયં આ દર્દમાંથી પસાર થયો છે. વિકાસ કહે છે કે મારું આ પાત્ર સમગ્ર સિરીઝ દરમિયાન તીવ્ર વેદનામાંથી પસાર થાય છે. અને આ સંવેદના જ્યાં સુધી તમે પોતે ન અનુભવો ત્યાં સુધી તે દર્શકોના હૃદયને ન સ્પર્શે. અલબત્ત, દર્શકોના દિલ સુધી પહોંચવાનું અત્યંત કઠિન, થકવી નાખનારું હોય છે. આવાં પાત્રો તમને ભીતરથી હચમચાવી નાખે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સિરીઝમાં વિકાસ સંપૂર્ણ શાકાહારી હોવા છતાં મોત સામે ઝઝૂમવા સાપના ઇંડાં ખાય છે. એક ખાડામાં સપડાઈ ગયા પછી ન તો તેને કાંઈ ખાવા મળે છે કે ન પીવા. છેવટે તે સાપના ઇંડાં ખાઈને પોતાનું જીવન બચાવે છે. તે પોતાની પુત્રી ખાતર એક હત્યા સુધ્ધાં કરે છે. આવું પાત્ર ભજવવું કપરું, હચમચાવી નાખનારું હોવા છતાં વિકાસ દર્શકોના દિલને સ્પર્શવામાં સફળ થયો છે. અભિનેતાના વાસ્તવિક જીવનની વાત કરીએ તો અભિનય જગતમાં પણ ટકી રહેવું અઘરું છે. તો વિકાસ અહીં શી રીતે નભે છે? આના જવાબમાં અદાકાર કહે છે કે અહીં તમને અવિરત કામ મળતું રહે તેની કોઈ ખાતરી નથી હોતી. જે વખતે તમારી પાસે કોઈ કામ ન હોય તે વખતે તમારી પાસે ટકવા માટે આવકનો અન્ય સ્રોત હોવો જરૂરી છે. મારી પાસે જ્યારે અભિનય ક્ષેત્રનું કોઈ કામ ન હોય ત્યારે મારી ડાયલોગ કોચ તરીકેની આવક મારા માટે પૂરતી થઈ પડે છે. અભિનેતા વધુમાં કહે છે કે હું નસીબદાર છું કે મને ડાયલોગ કોચ તરીકે અવિરત કામ મળતું રહે છે. તેની આવક પણ એટલી સારી છે કે મારી પાસે કોઈ શો ન હોય ત્યારે મને ગુજરાન ચલાવવાની ચિંતા નથી રહેતી.
વિકાસ દ્રઢપણે માને છે કે અભિનય ક્ષેત્રે ટકી રહેવા, સારું કામ મેળવવા માત્ર પ્રતિભા ખપ નથી લાગતી. તેને માટે અખૂટ ધીરજ, સખત પરિશ્રમ કરવાની તૈયારી, કામ પ્રત્યેનું સમર્પણ, તમને મળતી ઑફરોમાંથી ચોક્કસ કામ ચૂંટી કાઢવાની સૂઝબૂઝ જેવી ઘણી બાબતો અગત્યની છે. બલ્કે આ સઘળું હોય ત્યારે જ તમને તમારી પ્રતિભા દર્શાવવાની તક મળે. ખરેખર તો કામ મેળવવા માટેના આ બધા પગથિયાં લેખાય.