વિજય વર્માએ ચામડીના રોગ પરથી પડદો હટાવી દીધો
- 'મારી સ્કિન કન્ડિશન વિશે ક્યારેય કોઈ એલફેલ બોલ્યું નથી. બાકી, પહેલાનો જમાનો હોત તો આ વાત ક્યારની ગરમાગરમ ચર્ચાનો વિષય બની ગઈ હોત.'
એક જમાનામાં સિનેસ્ટાર્સ પોતાની માનસિક કે શારીરિક વ્યાધિઓની વાત પબ્લિકથી છુપાવી શકતા. એમની બિમારીઓને કારણે ફિલ્મોના શુટિંગ્સ મોકુફ રહેતા, પ્રોડયુસરોના માથે એમણે લીધેલા કરજનું વ્યાજ ચડતું છતાં એક્ટરોના રોગ વિશે કોઈને કાનોકાન ખબર નહોતી પડતી. આજે એ શક્ય નથી. સોશિયલ મીડિયા, પાપરાઝીઓ અને સેલફોન્સને લીધે એક્ટરોએ પોતાની શારીરિક અને માનસિક તકલીફો વિશે વહેલા-મોડે વાત કરવી જ પડે છે. તાજો દાખલો વિજય વર્માનો છે. બોલિવુડમાં ૧૨ વરસ કાઢ્યા પછી વિજયે ઘટસ્ફોટ કર્યો છે કે મને વિટિલિગો નામની સ્કિન કન્ડિશન છે. વિટિલિગો ચામડીનો એક રોગ છે જેમાં વ્યક્તિની સ્કિનના અમુક ભાગનો કલર ઊડી જાય છે.
વિજય વર્માએ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજના પ્રતિષ્ઠિત મલ્હાર ફેસ્ટિવલમાં આ વાત કહી હતી ત્યારથી મીડિયા 'દહાડ' અને 'જાનેજાન' ફેઇમ એક્ટરની ત્વચાની બિમારી વિશે વધુ જાણવા ઉત્સુક હતા એટલે વર્માએ એક ઈવેન્ટમાં એ વિશે માંડીને વાત કરી. એને મીડિયામાંથી પૂછાયું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર માટે એનો શારીરિક દેખાવ બહુ અગત્યનો છે ત્યારે તમે આવી સહેલાઈથી નજરે પડે એવી ડિસિઝનો સામનો કઈ રીતે કર્યો?- એના જવાબમાં વર્માજી શાંત ચિતે કહે છે, 'યુ સી, મેં એને કદી મોટો મુદ્દો બનાવ્યો નથી. એ માત્ર એક કોસ્મેટિક કન્ડિશન છે, એ કોઈ એવી વાત નથી જે તમારી લાઈફ બદલી નાખે. લોકો એને મોટુ સ્વરૂપ આપતા હોય છે કારણ કે એ કોમન કન્ડિશન નથી. એના વિશે બધા જાણતા નથી, પણ મારા કેસમાં એવું નથી.'
પત્રકારોએ આટલેથી પીછો ન છોડતા વિજયને બીજો પ્રશ્ન કર્યો, 'તમે આટલા વરસોથી ઇન્ડસ્ટ્રીમાં છો. એ દરમિયાન તમને આવી સ્કિન કન્ડિશનને કારણે કરિયરમાં કોઈ પ્રકારની અડચણ આવી છે ખરી?' વર્મા થોડો ખુલીને ઉત્તર આપે છે, 'ઇન ફેક્ટ, હું જ્યારે કામ વગરનો બેકાર એક્ટર હતો ત્યારે મને એની ચિંતા થતી હતી. મને મનમાં થતું કે આ વ્યાધિ મારા માટે એક વિઘ્ન તો નહીં બની જાયને, પરંતુ મને ફિલ્મો મળતી થઈ અને ઘણી બધી સકસેસ મારા ભાગે આવ્યા પછી મને એની ફિકર નથી સતાવતી.'
પછી, મીડિયાની પૃચ્છા વગર વર્સેટાઈલ એક્ટર વિટિલિગો વિશે વધુ વાતો શૅર કરે છે, 'હું કેમેરા સામે હોઉં ત્યારે જ ચામડીનો એ ભાગ કવર કરી રાખું છું. એટલા માટે કે ફિલ્મ જોનાર દર્શકોનું એ જોઈ ધ્યાન વિચલિત થાય એવું નથી ઇચ્છતો. પ્રેક્ષકો હું એમને પડદા પર જે દેખાડવા માગું છું એટલું જ જુએ એ પૂરતું છે. આ કારણસર શુટિંગ વખતે હું મારી સ્કિન છુપાવું છું. આટલા વરસોમાં જાહેરમાં એ કવર કરવાનો મેં કદી પ્રયાસ નથી કર્યો. આજની નવી પેઢી બહુ સમજુ છે. મારી સ્કિન કન્ડિશન વિશે ક્યારેય કોઈ એલફેલ બોલ્યું નથી. બાકી, પહેલાનો જમાનો હોત તો આ વાત ક્યારની ગરમાગરમ ચર્ચાનો વિષય બની ગઈ હોત.'