નેગેટિવ રોલ્સ માટે જાણીતો વિજય વર્મા નીંદરમાંથી જાગ્યો?
- 'થોડા જ વખતમાં સમજાઈ ગયું કે મારે મારો ટ્રેક બદલવાની જરૂર છે. અન્યથા હું ગ્રે પાત્રો ભજવીને જ રહી જઈશ અને લોકોને મારી ટેલેન્ટના બીજાં પાસાંનો પરિચય નહીં કરાવી શકું.'
સદ્ગત સંજીવકુમાર એક વર્સેટાઈલ એક્ટર હતા. 'નૌ દિન નૌ રાત' નામની એક ફિલ્મમાં એમણે જુદા જુદા નવ પાત્રો ભજવીને પોતાની બહુમુખી પ્રતિભા પુરવાર કરી હતી. હકીકતમાં, ડિરેક્ટર ભીમ સિંહે 'નૌ દિન નૌ રાત' પહેલા દિલીપકુમારને ઑફર કરી હતી, પણ તેમણે કોઈક કારણસર ફિલ્મ સાઈન કરવાની ના પાડી ભીમ સિંહને સંજીવકુમારનું નામ સૂચવ્યું હતું. દિલીપકુમારે મૂળ તમિળ ફિલ્મ હતી જેમાં શિવાજી ગણેશન જેવા મહાન કલાકારે નવ રોલ કર્યા હતા એટલે એમને ગળા સુધીની ખાતરી હતી કે આ ફિલ્મના એકબીજાથી સાવ જુદા પાત્રોને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ન્યાય નહિ આપી શકે. દિલીપસાબ જેવા મહાન એક્ટરનો આવો વિશ્વાસ સંપાદન કરનાર સંજીવ છેલ્લે છેલ્લે વૃદ્ધોના રોલમાં ટાઈપકાસ્ટ થઈને રહી ગયા હતા. તેઓ પોતાના ગાઢ મિત્ર ગુલઝાર સમક્ષ એ વાતનો ઘણીવાર વસવસો વ્યક્ત કરતા.
ઈન શોર્ટ, એક્ટરોને એક જ પ્રકારના રોલમાં ટાઈપકાસ્ટ કરી દેવાનો બોલિવુડમાં બહુ જૂનો ટ્રેન્ડ છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહુ ઝડપથી એક્ટરને સ્ટિરિયોટાઈપ કરી દે છે. વિજય વર્માનો દાખલો તાજો છે. વર્મા 'પિન્ક', 'ડાર્લિંગ્સ' અને 'દહાડ' જેવી ફિલ્મોમાં નેગેટિવ કેરેક્ટર્સ ભજવીને જ એક્ટર તરીકે ઉંચકાયો, પરંતુ એને થોડા જ વખતમાં સમજાઈ ગયું કે મારે મારો ટ્રેક બદલવાની જરૂર છે. અન્યથા હું ગ્રે પાત્રો ભજવીને જ રહી જઈશ અને લોકોને મારી ટેલેન્ટના બીજા પાસાંનો પરિચય નહિ કરાવી શકું. તાજેતરમાં આ સંબંધમાં વિજયને પૂછાયું કે તમારા કરિયરમાં આ ટર્નિંગ પોઇન્ટ ક્યારે આવ્યો? જવાબમાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ સાથેની પોતાની ક્લાસિક ફિલ્મનો ઉલ્લેખ કરતા એક્ટરે કહ્યું, 'મેં જ્યારે 'પિન્ક' ફિલ્મ કરી ત્યારે મને નેગેટિવ રોલના દૂરના પ્રભાવ વિશે બિલકુલ ખ્યાલ નહોતો, પરંતુ પછી મને તરત ધ્યાનમાં આવ્યું કે દરેક જણ મારી પાસે નેગેટિવ રૉલની ઑફર લઈને જ આવે છે. મારી સામે આવી ઑફર્સનો ખડકલો થઈ ગયો અને હું એ જોઈને જાગી ગયો.' ઈન્ડસ્ટ્રી બહુ જલદી એક્ટરને સ્ટિરિયોટાઈપ કરી દે છે એવું કબુલતા વર્મા ઉમેરે છે, 'લોકો તમે જે રોલમાં સિક્કા પાડી દો એ જ રોલમાં તમને જોતા થઈ જાય છે. તમારી ફરતી એક વાડ બંધાઈ જાય છે, પણ મને એની બહુ ચિંતા નહોતી કારણ કે મારી પાસે 'જાને જાન' જેવી ફિલ્મ અને 'કાલકૂટ' જેવી વેબ સીરિઝ હતી. એ સ્ટિરિયોટાઈપની જાળ તોડવા માટે માત્ર એક સારા પરફોર્મન્સની જરૂર હોય છે અને હું જાણતો હતો કે મારામાં એ ટેલેન્ટ છે જ.'