વિજય વર્માને રોલ મોડલ બનવામાં જરાય રસ નથી

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
વિજય વર્માને રોલ મોડલ બનવામાં જરાય રસ નથી 1 - image


- 'દુનિયાને કઈ રીતે જોવી એ ફિલ્મના ડિરેક્ટરનો વિશેષાધિકાર છે. હું દરેક પાત્રની નૈતિકતા સામે સવાલ ઊભા કરવા માંડુ તો મને નથી લાગતું કે હું કોઈ ફિલ્મમાં કામ કરી શક્યો હોત.'

લાંબી સ્ટ્રગલ કરીને આગળ આવેલી વ્યક્તિ બહુ બોલતી નથી, પણ બોલે છે ત્યારે એમાંથી મૌલિકતા ટપકે છે. એટલા માટે કે એણે દુનિયાને બહુ નજીકથી અને વાસ્તવિક સ્વરૂપમાં જોઈ હોય છે. અભિનેતા વિજય વર્માએ તાજેતરના એક મીડિયા ઈન્ટરવ્યૂમાં એનો પુરાવો આપ્યો છે. દાખલા તરીકે એને પૂછાયું કે તમારી એક્ટિંગ કરિયરને વેગ આપવામાં તમે ભજવેલા નેગેટીવ કેરેકટર્સ (પાત્રો)નો સારો એવો ફાળો છે. આવા નેગેટીવ શેડ્સના રોલ સ્વીકારવામાં તમે કોઈ પ્રકારનો ભય નથી અનુભવ્યો? વર્મા એ વિશે ખુલાસો કરતા કહે છે, 'મેં તમામ પ્રકારના પુરુષોની ભૂમિકાઓ કરી છે. અંદરથી સાવ ભાંગી ગયેલા, દુષ્ટ, ત્રસ્ત અને બીજાને ટોર્ચર કરતા. ..બધા જ પ્રકારના માટીડાઓ. તમે કદાચ એક વાત નોંધી હશે કે મેં જે ફિલ્મો કરી છે એમાં ક્યારેય આવા પુરુષોને ગ્લોરિફાઇ નથી કરાયા. ફિલ્મનો ડિરેક્ટર દુનિયાને કઈ રીતે જુએ છે એના પર એ વાતનો આધાર છે. એ એનો વિશેષાધિકાર છે. હું  દરેક પાત્રની નૈતિકતા સામે સવાલ ઊભા કરવા માંડું તો મને નથી લાગતું કે હું કોઈ ફિલ્મમાં કામ કરી શક્યો હોત. જો મને એક સીરિયલ કિલર (દહાડ) કે પત્નીની મારઝુડ કરતા નિર્દય પતિ (ડાર્લિંગ્સ)નો રોલ કરવામાં બીક લાગી હોત તો માનવીની છુપી માનસિકતાને ખુલ્લી પાડવાની તક ન મળી હોત. આજે આવા નેગેટીવ કેરેકટર્સ ઘણાં એકટરો માટે ડ્રીમ રોલ બની ગયા છે.'

વિજય વર્મા ભાગ્યે જ મુલાકાત આપે છે અને આપે છે ત્યારે દિલ ખોલીને બોલે છે. એ જાણતા પત્રકારે એક્ટરને બીજો પેચીદો પ્રશ્ન કર્યો, 'આપણી ફિલ્મોમાં હીરોની વ્યાખ્યા વધુ વિસ્તરી છે, વ્યાપક બની છે. એનો તમને સારો એવો લાભ મળ્યો છે એ વાત  સાથે તમે સંમત થાવ છો ખરા?' એનો એક્ટર ઊંડાણથી ઉત્તર આપે છે, 'અમે એક્ટિંગ સ્કૂલમાં જોડાયા ત્યારે અમને ઘોડેસવારી, એક્શન વગેરે શીખવવા ખાસ માણસો રખાયા હતા. એટલા માટે કે હીરો બનવા માટે એ બધુ શીખવું જરૂરી હતું. એની પહેલા એક્ટિંગની ટ્રેનિંગમાં વોઇસ અને સ્પીચ પર ફોકસ કરાતું. આજે એમ કહેવાય છે કે એક્ટર બનના હૈ તો બેટા, જિમ જા. બોડી બનાવો અને ઉઘાડી છાતી બતાવો. જો તમને જિમ જવાનું ગમતું હોય તો જરૂર જાવ, પણ જો તમને એમ લાગતું હોય કે એક્ટિંગના જોબ માટેની એ મુખ્ય જરૂરિયાત નથી તો તમારે જિમ જવાની જરૂર નથી. મારી એવી ઇચ્છા છે કે પાપારાઝીઓ અમુક એકટર્સના એક્ટિંગ ક્લાસની બહાર ફોટા ક્લિક કરે. એક્ટિંગ સ્કૂલની બહાર પોઝ આપવાની ફેશન શરૂ થવી જોઈએ.'

વર્માના સ્ટ્રગલના દિવસોની વાત નીકળી એટલે એનો પૂછાયું કે ઝોયા અખ્તરની 'ગલી બોય' (રણવીર સિંહ, આલિયા ભટ્ટ) તારા માટે ગેમ ચેન્જર બની. ઈન્ડસ્ટ્રીમાં લોકોનું એટેન્શન મેળવતા તમને વરસો લાગ્યા. એ વિચારીને હવે કેવું લાગે છે? ફટાક દઈને એનો ઉત્તર આપતા એક્ટર કહે છે, 'ઐસા લગતા હૈ કિ મેરે સાથ ઇન્સાફ હુઆ હૈ. આજે પણ બ્રિલિયન્ટ એકટર્સને સ્પોટલાઇટમાં જોઈને મને બહુ આનંદ થાય છે. તમારી ટેલેન્ટનો સ્વીકાર થયા બાદ આગળ વધવાનું તમારા હાથમાં છે. સપોર્ટિંગ એક્ટરથી લિડિંગ મેન બનવા સુધીનો લાંબો પ્રવાસ મેં ખેડયો છે અને મારો કરિયર ગ્રાફ કોમન નથી. સદ્ગત ઇરફાન ખાન મારા મોટા પ્રેરણાસ્રોત હતા કારણ કે એમની જર્ની પણ ટફ હતી. મારા જેવા લોકો માટે તેઓ રોલ મોડલ હતા. એક્ટરે હમેશાં બહાર જ જોયા કરવાની જરૂર નથી. તમારી અંદર કામ કરવાની એક અતૃપ્ત ઝંખના હોવી જોઈએ, જે મારામાં આજે પણ છે. એક્ટરના ગમે તેટલા વખાણ એની વધુને વધુ કામ કરવાની લગનમાં વિઘ્નરૂપ ન બનવી જોઈએ.'

વિજયનો જવાબ સાંભળ્યા બાદ એને એક પૂરક પૃચ્છા થાય છે, 'શું તમે પણ કોઈના રોલ મોડલ બનવાનું પસંદ કરશો?' એક્ટર નકારમાં માથું ધુણાવતા કહે છે, 'નો, નો. આય વૉન્ટ ટુ એક્ટ. મારે રોલ મોડલ નથી બનવું કારણ કે એમાં મારા ખભા પર ઘણો બધો ભાર આવી જાય. હું કોઈ લિડર નથી અને લોકોના જીવતર બદલવાની પણ મારી ઇચ્છા નથી. મારે પોતાની જિંદગી મસ્તીથી સરસ રીતે જીવવી છે. આ બાબતમાં હું બહુ સ્પષ્ટ છું. મારે રોલ મોડલ બનવાનો ભાર ઉપાડીને ફરવું નથી.'

વર્માએ બોલીવૂડમાં નેમ એન્ડ ફેમ મેળવ્યા પહેલા ઘણી ઉપેક્ષા સહન કરી છે. એ વિશે પોતાના મનમાં રહેલી કડવાશ ઠાલવતા અભિનેતા કહે છે, 'ગલી બોય' આવ્યા પહેલા મને લોકો દ્વારા મારી અવગણનાની જાણે આદત પડી ગઈ હતી. આ એક ફિલ્મે મારી કરિયરની દિશા બદલી નાખી. આ પહેલા તો જાણે કોઈને મારો ફેસ જોવાની કે મારું નામ જાણવાની ઇચ્છા જ નહોતી. કાસ્ટિંગ ડિરેક્ટરોને ફિલ્મમેકરોને ફક્ત મારા નામની ભલામણ કરતા કરવામાં મને એક દાયકો લાગી ગયો.'

વિજય વર્મા એક સવાલના જવાબમાં કહે છે, 'મેં 'પિન્ક' (અમિતાભ બચ્ચન, તાપસી પન્નુ) નામની એક ફિલ્મ કરી હતી. એ ફિલ્મે સેક્સમાં સ્ત્રીની સંમતિ વિશે ચર્ચા છેડી હતી. ઘરઘરમાં એના વિશે વાતચીત થઈ. ફિલ્મનો એક ડાયલોગ 'નો મિન્સ નો' બહુ જાણીતો થયો હતો. એના પરથી કહી શકાય કે સિનેમા પ્રભાવ પાડી શકે છે.'

સત્ય વચન.  


Google NewsGoogle News