Get The App

વિજય-તમન્ના: હમ સાથ સાથ હૈં...

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
વિજય-તમન્ના: હમ સાથ સાથ હૈં... 1 - image


- 'તમન્ના ઘણી બધી બાબતો મારા કરતાં વધારે સારી રીતે જાણે છે, સમજે છે અને એટલે જ એ કદાચ ઘણી વસ્તુઓને જુદી દ્રષ્ટિએ જોઈ શકે છે. તેથી જ અમારી વચ્ચેનું સમીકરણ ઇન્ટરેસ્ટિંગ છે.'

ત મન્ના ભાટિયા અને વિજય વર્મા એકબીજાને ડેટિંગ કરી રહ્યા હોવાની વાત આવી ત્યારે ઘણાએ એને અફવા ગણાવી હતી. એના મહિનાઓ પછી હવે જ્યારે એમની વચ્ચેના લવઅફેરને સત્તાવાર પુષ્ટિ મળી રહી છે ત્યારે લોકો ભારે આશ્ચર્ય અનુભવી રહ્યા છે. એટલા માટે કે તમન્ના અને વિજય એકબીજાથી સાવ જુદા પ્રકારના સિનેમામાં અભિનય કરીને પોપ્યુલર થયાં છે. આ સંજોગોમાં એમની વચ્ચે કોમન શું હોઈ શકે એવો પ્રશ્ન ઘણાને થાય છે. બન્નેએ સાથે 'લસ્ટ સ્ટોરીઝ' પાર્ટ-ટુની એક શોર્ટ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. 

તમન્ના બોલિવુડ અને સાઉથની કમર્શિયલ ફિલ્મોમાં ગ્લેમરસ પાત્રો કરવા માટે જાણીતી છે. આપણે એને 'બાહુબલિ' સિરીઝથી ઓળખીએ છીએ. જ્યારે વિજયે છેલ્લા થોડા અરસામાં 'ગલી બોય' અને 'ડાર્લિંગ્સ' જેવી ફિલ્મોમાં રોલ કરીને પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં એક ઈવેન્ટમાં આ સંદર્ભમાં વાત કરતા વિજય કહે છે, 'મને લાગે છે કે મારે તમન્ના પાસેથી ઘણું બધુ શીખવાનું છે. મને ખબર છે કે એ ઘણી બધી બાબતો મારા કરતાં વધારે સારી રીતે જાણે છે, સમજે છે અને એટલે જ એ કદાચ ઘણી વસ્તુઓને જુદી દ્રષ્ટિએ જોઈ શકે છે. તેથી જ અમારી વચ્ચેનું સમીકરણ ઇન્ટરેસ્ટિંગ છે. બે ભિન્ન અલગ અલગ દુનિયાનો મિલાપ લોકો માટે નવો અને શોકિંગ છે. મજાની વાત એ છે કે માણસ તરીકે એકબીજાને બહુ મળતાં આવીએ છીએ. અમારાં મૂલ્યો અને માન્યતાઓ સમાન છે અને એ જ સૌથી વધુ મહત્ત્વનું છે.'

વિજયને એક સ્વાભાવિક સવાલ કરાયો કે તમે બન્ને સાથે હો ત્યારે ફિલ્મો વિશે ચર્ચા કરો છો ખરા? વિજય મૂળ પ્રશ્નનો જવાબ ચાતરી જઈને કહે છે, 'અમે બંને બહુ હાર્ડ-વર્કિંગ એકટર્સ છીએ. એક્ટર તરીકે તમે જ્યારે દરેક રોલ પૂરેપૂરા જોમ અને ઉત્સાહ સાથે સાકાર કરતાં હો ત્યારે એમાં મળેલી સફળતા પણ સાથે માણવાનું પસંદ કરો છો. મારી લાઈફમાં હું એવી વ્યક્તિ મેળવીને ખુશ છે જેની સાથે હું મારો આનંદ શેર કરી શકું છું.'

પોતાના પર્ફોર્મન્સથી લોકોને પ્રભાવિત કરી દઈ પોતાનું આગવું ફેન-ફોલોઈંગ ઊભું કરનાર વિજયને પોતાની પ્રતિભા પર પૂરેપૂરો ભરોસો છે, પણ સાથે સાથે એ પણ જાણે છે કે એણે હજુ લાંબી મજલ કાપવાની છે. 'મને નથી લાગતું કે હજુ હું મોટો સ્ટાર બની ગયો હોઉં, પરંતુ જ્યાં આજે છું ત્યાં પહોંચવા મેં બહુ મહેનત કરી છે. મારે જ્યાં હોઉં જોઈતું હતું ત્યાં છું એનો મને સંતોષ છે. અત્યારે તો હું મારી સફરની વચ્ચોવચ્ચ છું અને હજુ મારે માઇલો લાંબો પથ કાપવાનો છે. ઘણું બધું અચીવ કરવાનું હજુ બાકી છે. આ તો એક નિરંતર ચાલતો પ્રોસેસ છે અને હું એનો આનંદ માણું છું. મારી અભિનય યાત્રામાં મને કેટલાંક અતુલનીય લોકો, ફિલ્મમેકરો અને એક્ટરો મળ્યા, જેમની સાથે કામ કરવાનું મને સૌભાગ્ય મળ્યું. 'ડાર્લિંગ્સ' અને 'દહાડ' જેવા પ્રોજેક્ટ કરીને હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું.'

જોઈએ, વિજય વર્મા અને તમન્નાની પ્રેમકહાણીમાં આગળ કેવા વળાંક આવે છે.


Google NewsGoogle News