વિજય રાઝને હીરોને સલામ ન કરવાની આકરી સજા

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
વિજય રાઝને હીરોને સલામ ન કરવાની આકરી સજા 1 - image


- 'હું સેટ પર આવ્યો ત્યારે અજય દેવગણ કોઈક સાથે વાતચીત કરવામાં વ્યસ્ત હતો. મારે એને ડિસ્ટર્બ નહોતો કર્યો એટલે હું એને 'હલો' કહ્યા વગર મારી વેનિટી વેનમાં જતો રહ્યો. અડધી જ કલાકમાં પ્રોડયુસર કુમાર મંગત પાઠક મારી પાસે આવ્યા અને મને ફિલ્મમાંથી કાઢી મૂક્યો...' 

એક્ટર, ડાયરેક્ટર અને નરેટર વિજય રાઝ અનેક ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભાના દર્શન કરાવી ચુક્યો છે. ભોપાલ એક્સપ્રેસમાં ડેબ્યુ કર્યા પછી વિજયએ ૯૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ખાસ કરીને ૨૦૦૧માં 'મોન્સૂન વેડિંગ'માં દુબેજી તરીકેના પાત્રથી વિજય ફિલ્મ ઉદ્યોગમાં મહત્વના કલાકાર તરીકે પ્રસિદ્ધિ મળી. વિજયએ તેની કારકિર્દીમાં અનેક નાનાં પણ અવિસ્મરણીય પાત્રો ભજવ્યા છે. વ્યાવસાયિક સફળતા મળી હોવા છતાં વિજય રાઝ તાજેતરમાં એક વિવાદમાં સપડાયો છે. 'સન ઓફ સરદાર ટુ'માંથી હકાલપટ્ટી બાબતે રાઝના પોતાના નિવેદન તેમજ ફિલ્મના સહ-નિર્માતા કુમાર મંગટ પાઠકના વિરોધાભાસી વૃત્તાંતને કારણે વિવાદ જાગ્યો છે.

'સન ઓફ સરદાર ટુ'ના સેટ પર વિજય રાઝે ગેરવર્તન કર્યું હોવાથી તેને ફિલ્મમાંથી કાઢી મુકાયો હોવાના દાવા સાથે વિવાદ થયો હતો. રાઝ સેટ પર આવ્યા પછી અડધો કલાકમાં જ કાઢી મુકાયો હોવાના દાવા થયા જેને રાઝે ફગાવી દીધા હતા. ફિલ્મના સહ-નિર્માતા કુમાર મંગત પાઠકે દાવો કર્યો કે રાઝ હોટલની વિશાળ રૂમો, વેનિટી વેન અને સ્પોટ બોય માટે વધુ પડતા વળતર જેવી સતત ગેરવાજબી માગણી કરી રહ્યો હતો. મંગતે વધુમાં દાવો કર્યો કે સેટ પર રાઝનો અભિગમ અસહયોગભર્યો હોવાથી વિષયુક્ત વાતાવરણ સર્જાયું હતું.

પ્રોડયુસરોના દાવાથી વિપરીત વિજય રાઝે ઘટનાઓનું અલગ વર્ણન કર્યું. રાજે ગેરવર્તનનો આરોપ ફગાવતા કહ્યું કે તેણે અજય દેવગણને સેટ પર નમસ્તે ન કર્યું હોવાથી કાઢી મુકવામાં આવ્યો હતો. રાઝના દાવા મુજબ તે નિર્ધારીત સમય અગાઉ જ સેટ પર આવ્યો હતો અને તેના સહકલાકારોને મળી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે અજય દેવગણ થોડે દૂર અન્યો સાથે વ્યસ્ત હતો. રાઝે તેમાં દખલ ન કરવાના નિર્ણયથી અન્યો સાથે પોતાની વાતચીત ચાલુ રાખી.

રાઝે વધુમાં એવો પણ દાવો કર્યો કે આ ઘટનાની ત્રીસ મિનિટ પછી જ કુમાર મંગત પાઠક તેની પાસે આવ્યા અને તેને ફિલ્મમાંથી કાઢી મુક્યો હોવાની માહિતી આપી. રાઝના મતે અજય દેવગણને મળ્યો ન હોવાની ઘટનાને અસાધારણ રીતે મોટું સ્વરૂપ અપાયું હતું. રાઝે જણાવ્યું કે ફિલ્મમાંથી તેને કાઢી મુકવા માટે આ એકમાત્ર ખુલાસો હતો કારણ કે તેને સેટ પરના અન્ય ક્રુ સભ્યોને મળવાની તક પણ નહોતી મળી, આથી કોઈની સાથે ગરવર્તનનો સવાલ જ ઉપસ્થિત નહોતો થતો.

રાઝે સમગ્ર સ્થિતિ વિશે અવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે મારા તરફથી એક જ ગેરવર્તન હતું અને તે એ કે મેં  અજય દેવગણને સલામ નહોતી કરી. રાઝે ગેરવર્તનના આરોપોને પાયાવિહોણા ગણાવતા ફગાવી દીધા અને જણાવ્યું કે તેની હકાલપટ્ટી પાછળ ફિલ્મ ઉદ્યોગની શક્તિશાળી વ્યક્તિઓનો હાથ હતો. રાઝના નિવેદનોએ તેને ચાહકોની સહાનુભૂતિ અપાવી જેમણે આ સમગ્ર ઘટનાને બોલીવૂડમાં ખેલાતી રાજરમતનું ઉદાહરણ ગણાવી.

વિજય રાઝના દાવાનો પ્રતિસાદ આપતા કુમાર પાઠકે તુરંત જ ફિલ્મમાંથી રાઝની હકાલપટ્ટી માટે અજય દેવગણ જવાબદાર હોવાના અનુમાનને નકારી દીધું. કુમારે સ્પષ્ટતા કરી દેવગણ અન્યો પાસેથી આદરની અપેક્ષા કરે અથવા સેટ પર બધા તેને સલામ કરે તેવો વ્યક્તિ નથી. મંગટના જણાવ્યા મુજબ રાઝની હકાલપટ્ટી માટે અભિનેતાનું અવ્યાવસાયિક વર્તન જ જવાબદાર હતું, જે પ્રોડક્શન ટીમ માટે માથાનો દુ:ખાવો બની ગયું હતું. રાઝને હટાવવાના નિર્ણયથી પ્રોડક્શન કંપનીને લગભગ બે કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તેમણે દલીલ કરી કે આવું ધરખમ પગલું માત્ર ફિલ્મના હીરોને સલામ ન કરવા માટે ન લેવાયું હોય. મંગટના મતે રાઝે સતત વિશાળ રૂમોની તેમજ વધારાના ભથ્થાની માગણી કર્યા કરી હતી ઉપરાંત પ્રોડક્શન ટીમ સાથે તેનું વર્તન પણ અપમાનજનક હતું જેના પરિણામે તેની સાથે કામ કરવું અશક્ય થઈ પડયું હતું.

પ્રોડયુસરે ધ્યાન દોર્યું કે કોઈપણ ફિલ્મનો સેટ એક પરિવારની જેમ કામ કરતો હોય છે જ્યાં આદર અને સહયોગ મહત્વના પરિબળ હોય છે. આથી રાઝે દર્શાવેલા વર્તન માટે કોઈ અવકાશ નથી હોતો.

આ વિવાદથી ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના સભ્યોમાં વિભાજન થયું છે. કેટલાક લોકો રાઝને સમર્થન આપી રહ્યા છે જ્યારે અન્યો નિર્માતાઓનો પક્ષ લઈ રહ્યા છે. હવે આ ઘટનાથી વિજય રાઝની કારકિર્દીને શું અસર થાય છે તે સમય જ કહેશે. 


Google NewsGoogle News