Get The App

રશ્મિકા મંદાના સાથે સગાઈની અટકળો વચ્ચે વિજય દેવરાકોન્ડાની સ્પષ્ટતા

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
રશ્મિકા મંદાના સાથે સગાઈની અટકળો વચ્ચે વિજય દેવરાકોન્ડાની સ્પષ્ટતા 1 - image


- વિજય અને રશ્મિકાના રોમાન્સની અફવા છેક 2018માં 'ગીત ગોવિંદમ'ના સેટ પર શરૂ થઈ હતી કે જ્યારે તેઓ પહેલી વાર મળ્યાં હતાં. આ શૂટ દરમિયાન બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. 

બોલિવુડમાં સેલિબ્રિટીઓના વ્યક્તિગત જીવન વિશે ઘણીવાર અફવાઓ અને અટકળો થતી રહે છે. આવી જ એક અફવા દક્ષિણ ભારતીય સુપરસ્ટાર વિજય દેવરાકોન્ડા અને નેશનલ ક્રશ ગણાતી રશ્મિકા મંદાનાના સંબંધો વિશે ફેલાઈ હતી.

તાજેતરમાં જ એક માધ્યમે અહેવાલ વહેતા કર્યા હતા કે બંને જણા વચ્ચે રોમાન્ટિક સંબંધ છે અને તેઓ ફેબુ્રઆરી મહિનાના અંત સુધીમાં સગાઈ કરવાની યોજના બનાવીને પોતાના સંબંધને એક ઉચ્ચ સ્તરે લઈ જવાના ઈચ્છુક છે. જોકે વિજય દેવરાકોન્ડાએ સ્પષ્ટ રીતે આ અફવાઓને ફગાવીને બંને વચ્ચેના સંબંધો પર પ્રકાશ પાડયો છે.

તાજેતરમાં આપેલી એક મુલાકાતમાં 'લાઈગર'ના એક્ટરે પોતાના અંગત જીવન સાથે સતત ફેલાતી અફવાઓ વિશે અણગમો વ્યક્ત કર્યો હતો. વિજયે જણાવ્યું કે મને મારી સગાઈ વિશે દર વર્ષે આવી અફવા સાંભળવા મળે છે. એવું મહેસૂસ થાય છે કે મીડિયા મને પરણાવી દેવા વધુ પડતી ઉત્સુક છે. પત્રકારો સતત મારો પીછો કરતા રહે છે અને મારા લગ્ન નક્કી કરી નાખતા હોય છે. 

જોકે વિજય અને રશ્મિકાએ ભલે તેમના સંબંધ વિશે કોઈ સત્તાવાર પુષ્ટી ન કરી હોય, પણ તેમના રોમાન્સની અટકળો તેમણે આપેલા સંકેતોથી જ ફેલાઈ છે. બંનેએ વારંવાર તેમના ચાહકોની ઉત્સુકતાને પોષી છે. અનકન્ફર્મ્ડ  અહેવાલો મુજબ બંને કલાકારો લીવ-ઈન રિલેશનશીપમાં રહે છે. જો કે આ પણ અફવા જ છે અને બંને જણા પોતાની કારકિર્દીમાં વ્યસ્ત હોવાથી આ સમયે સગાઈના બંધનમાં જોડાવા ન ઈચ્છતા હોવાનું કહેવાય છે. 'ગીત ગોવિંદમ' અને 'ડીયર કોમરેડ' જેવી ફિલ્મોમાં સાથે કામ કરનાર વિજય દેવરાકોન્ડા અને રશ્મિકા મંદાના વિવિધ કાર્યક્રમોમાં સાથે દેખાયા હતા. તાજેતરમાં બંને જણા વેકેશન માણવા પણ સાથે ગયા હતા અને એકમેકના પરિવાર સાથે સમય વીતાવતાં જણાયા હતાં. તેમની સ્ક્રીન પરની કેમિસ્ટ્રી વાસ્તવિક જીવનમાં પણ હિટ સાબિત થઈ રહી છે જેના કારણે તેમની વચ્ચે રોમાન્સની અફવા સતત ચર્ચાતી રહે છે. તાજેતરમાં નેશનલ ટેલિવિઝન પર રશ્મિકાની બ્લોક બસ્ટર ફિલ્મ 'એનિમલ'ના પ્રમોશનના કાર્યક્રમમાં જ્યારે રશ્મિકાને વિજયને બોલાવવા કહેવાયું હતું ત્યારે તે શરમાઈ ગઈ હતી. 'એનિમલ'ના સહકલાકાર રણબીર કપૂર અને  દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાન્ગા દ્વારા તેની ટીખળ થતા બંને વચ્ચે નજીકના સંબંધોની અફવાને વધુ બળ મળ્યું હતું. વિજય અને રશ્મિકા વચ્ચે રોમાન્સની અફવા છેક ૨૦૧૮થી 'ગીત ગોવિંદમ'ના સેટ પરથી જ શરૂ થઈ હતી જ્યારે તેઓ પહેલી વાર મળ્યા હતા અને બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી, જે આખરે પ્રેમમાં પરિણમી હતી. બંનેનો સ્ક્રીન પરનો સહયોગ ૨૦૧૯ની ફિલ્મ 'ડીયર કોમરેડ'માં પણ ચાલુ રહ્યો હતો અને ચાહકોએ તેમની વચ્ચેની આ અદ્ભુત કેમિસ્ટ્રીને બિરદાવી હતી.

હવે જ્યારે રશ્મિકા અને વિજય વચ્ચેના સંબંધોની અટકળો વધુ મજબૂત બની રહી છે ત્યારે બંને જણા પોતાની કારકિર્દીમાં અત્યંત વ્યસ્ત છે. 'એનિમલ'ની સફળતા પછી રશ્મિકા હવે 'પુષ્પા ટુઃ ધી રુલ', 'રેનબો', 'ધી ગર્લફ્રેન્ડ' અને 'ચાવા'ની તૈયારીમાં ઓતપ્રોત છે.  બીજી તરફ છેલ્લે સામંથા પ્રભુ સાથે 'કુશી'માં કામ કરનાર વિજય દેવરાકોન્ડા હવે મૃણાલ ઠાકુર સાથે 'ફેમિલી સ્ટાર'ની તૈયારીમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે શોબિઝની દુનિયામાં સેલિબ્રિટીઓના અંગત જીવન જાહેર અભિગમ સાથે ઓતપ્રોત થઈ જાય છે ત્યારે વિજય દેવરાકોન્ડા અને રશ્મિકા મંદાના ખૂબીપૂર્વક પોતાના સંબંધ જાળવતા અટકળો વચ્ચે પણ પોતાની કારકિર્દીને સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છે. 


Google NewsGoogle News