વિદ્યા બાલનની નારાજગી .
- દિલ બાગબાગ થઇ જાય તેવી લવ સ્ટોરી ક્યાં અદ્રશ્ય થઇ ગઇ?
- 'મને તો ક્રાઇમ ફિલ્મો જરાય ગમતી નથી. એક અભિનેત્રી તરીકે પણ નહીં અને એક દર્શક તરીકે પણ નહીં.'
આજે સારી,મજેદાર, માણવાલાયક, ગીત-સંગીતસભર, પ્રણયસભર ફિલ્મોનું નિર્માણ લગભગ અટકી ગયું છે. એટલે કે બોલિવુડમાં લવ સ્ટોરી અદ્રશ્ય થઇ ગઇ છે. ૬૦થી ૭૦ ના સમયગાળામાં બરસાત, ચોરી ચોરી, મુઘલ-એ-આઝમ, ગાઇડ, જંગલી, તેરે ઘર કે સામને, કશ્મીર કી કલી, સંગમ, આરાધના, આપ કી કસમ થી લઇને બોબી, ચાંદની, કભી કભી વગેરે ફિલ્મોમાં પ્રેમ, શૃંગારના સુંદર, મનભાવન, મન-હૃદય બે ઘડી બાગબાગ થઇ જાય તેવા રંગો છે. આ બધી ફિલ્મોનાં મીઠાં-મધુરાં ગીત-સંગીતથી દર્શકો રીતસર નાચી ઉઠતા. આજે ૫૦ વર્ષ બાદ પણ આ બધી ફિલ્મોનાં કર્ણપ્રિય ગીતો સાંભળવાં આપણને ગમે છે. અમે કહો કે રિક્ષાચાલકો, ટ્રક ડ્રાઇવરો, ફેરિયા, દુકાનદારો, સરકારી ઓફિસના કે ખાનગી કંપનીઓના કર્મચારીઓથી લઇને એમના માલિકો અને દાદા-દાદીઓ સુધીના સૌ તે પ્રેમથી ગણગણે છે. એક કદમ આગળ વધીને કહીએ તો ટેલિવિઝન પર રજૂ થતા તમામ મ્યુઝિક રિયાલિટી શોના સ્પર્ધકો પણ ૬૦-૭૦ના દાયકાનાં મધુરા અને અર્થસભર ગીતો ગાય છે.
'સાચી વાત છે,' હિન્દી ફિલ્મોની આલા દરજ્જાની અને દેખાવમાં સીધી, સાદી, સરળ અને નારીશક્તિનો મહિમા વધારતી ફિલ્મોની અભિનેત્રી વિદ્યા બાલન ભારપૂર્વક કહે છે, 'આજે બોલીવુડમાં શા માટે સરસ મજાની લવ સ્ટોરીવાળી અને સપરિવાર જોઇ શકાય તેવી કોમેડી ફિલ્મો નથી બનતી તે જ મને નથી સમજાતું કે નથી ગમતું. આજના ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકો કયાં કારણોસર રોમેન્ટિક અને કોમેડી ફિલ્મો બનાવવાનું બંધ કરી દીધું છે તે ખરેખર જાણવા- સમજવા જેવું છે.'
વિદ્યા કહે છે, 'મેં આજની ફિલ્મો અને ઓટીટી પર રજૂ થતી વેબ સિરીઝ વગેરે પર એક નજર કરી તો જાણવા મળ્યું કે તેમાં તો નરી મારઘાડ, ગોળીબાર, ગાળાગાળી, રક્તપાત, દ્વિઅર્થી અને સાંભળવા જ ન ગમે તેવા સંવાદોે, હીરો-હીરોઇનનાં અતિ કામુક દ્રશ્યો વગેરેનો રાફડો ફાટયો છે.'
'ડર્ટી પિક્ચર' (૨૦૧૧) માટે નેશનલ એવોર્ડ અને સાત ફિલ્મ ફેર એવોડ્ઝનું સન્માન મેળવનારી વિદ્યા બાલન સાફ શબ્દોમાં કહે છે, 'જુઓ, મને તો આવી ક્રાઇમ ફિલ્મો જરાય નથી ગમતી. એક અભિનેત્રી તરીકે અને એક દર્શક તરીકે પણ નહીં. ફિલ્મોનું નિર્માણ કયા હેતુથી થાય છે? મનોરંજન સાથે એક ચોક્કસ પ્રકારનો સામાજિક સંદેશો આપવા માટે. દર્શકો પૈસા ખર્ચીને થિયેટરમાં ફિલ્મ જોવા શા માટે જાય છે? પોતાના રોજબરોજના જીવનની સમસ્યાથી અળગા થઇને મજેદાર વાર્તા, અભિનયની જુગલબંદી, ગીત-સંગીતનો બેઘડી આનંદ કરવા જ તો. દર્શકો રોમેન્ટિક કે કોમેડી ફિલ્મનો આનંદ માણીને તન-મનથી તાજામાજા થઇને પોતાના ઘરે જાય છે. તેઓ રિચાર્જ થઈ જાય છે. તેમને જીવન જીવવાનો ઓક્સિજન મળે છે.'
મુંબઇના તમિળભાષી પરિવારમાં જન્મેલી અને ઉછરેલી વિદ્યા બાલન ભારોભાર નારાજગી વ્યક્ત કરતાં કહે છે, 'મેં લાંબા સમયગાળા બાદ 'દો ઔર દો પ્યાર' ફિલ્મમાં કામ કરવાનું પસંદ કર્યું છે. કારણ એક જ કે 'દો ઔર દો પ્યાર' ફિલ્મમાં પ્રણયના રંગોના તાણાવાણા ગુંથાયેલા છે. વળી, અહીં પ્રેમ અને હાસ્યનો જબરો સુમેળ થયો છે. આ રોમેન્ટિક કોમેડી છે. જરા જુદી અને સરસ મજાની વાર્તા છે. આ ફિલ્મની કથા લગ્નબાહ્ય સંબંધ પર આધારિત છે. વળી, હળવો આંચકો લાગે તેવી બાબત એ પણ છે કે ફિલ્મમાં પ્રેમી જોડીઓ એકબીજાં સાથે દગાખોરીની રમત મે છે. કોણ કોને ખરા અર્થમાં વફાદાર છે તેના સવાલ દર્શકોનાં મનમાં ફૂટતા રહે છે.'
આ ફિલ્મ બોક્સ ઓફિસ તો ખાસ ન ચાલી, પણ અમેઝોન પ્રાઇમ વીડિયો પર સરસ જોવાઈ રહી છે.