વિદ્યા બાલન પ્રેમમાં ગૂંચવાઈ .
- લગ્નજીવનમાં એક તબક્કે સ્થગિતતા આવી જાય પછી શું થાય છે? 'દો ઔર દો પ્યાર' ફિલ્મ કોઈને જજ કરતી નથી. અહીં નૈતિકતાને વચ્ચે લાવ્યા વગર સાડા-સીધા સંબંધો ને પેશ કરવામાં આવ્યા છે
લાં બા અરસા પછી વિદ્યા બાલને મોટા પરદે પુનરાગમન કર્યું છે. તેની રોમાન્ટિક કોમેડી ફિલ્મ 'દો ઔર દો પ્યાર' થોડા દિવસો પહેલાં રિલીઝ થઈ છે.
આ ફિલ્મની સ્ટોરી ખૂબ મજેદાર છે, જેમાં લગ્નસંબંધ અને લગ્નેતર સંબંધમાં પેદા થતા ગૂંચવાડાની વાત છે. વિદ્યા બાલન સાથે પ્રતિક ગાંધીએ જોડી જમાવી છે. સાથે ઈલિયાના ડિ'ક્રુઝ અને સેન્થિલ રામમૂર્તિ જેવાં કલાકારોએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
અવોર્ડવિનિંગ એડફિલ્મમેકર શીર્ષા ગુહા ઠાકુરતાની ફિલ્મ 'દો ઔર દો પ્યાર' ને બનાવી છે. આ ફિલ્મ સાથે તેણે બોલિવુડમાં ડેબ્યુ કર્યું છે.
ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને ચારે તરફ વિદ્યા બાલન ઉપરાંત પ્રતિકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મના પ્રમોશન માટે વિદ્યા-પ્રતિકની જોડીએ કેટલાય જોઇન્ટ ઇન્ટરવ્યુ આપ્યા. આ ઇન્ટરવ્યુઝમાં પણ બન્નેની કેમેસ્ટ્રી ગમી જાય તેવી છે.
ફિલ્મમાં ઈલિયાના એક અભિનેત્રીની ભૂમિકા નીભાવી રહી છે, જ્યારે પ્રતિક બંગાળી બાબુ બન્યો છે. લગ્નજીવનમાં એક તબક્કે સ્થગિતતા આવી જાય પછી શું થાય છે? આ ફિલ્મ કોઈને જજ કરતી નથી. અહીં કોઈ પણ ચૂકાદો તોળ્યા વગર સાડા-સીધા સંબંધો ને પેશ કરવામાં આવ્યા છે.
ફિલ્મમાં ભરપૂર હ્યુમર છે. ગીતો પણ સારાં છે... અને અફ કોર્સ, રોમાન્સ તો ભરપૂર છે. આ ફિલ્મની તુલના જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' સાથે થશે? એ તો માહીદંપતિને જોઈએ એટલે ખબર.
વિદ્યા બાલન બોલિવુડની સૌથી તગડી હિરોઈનોમાંની એક છે. જોકે છેલ્લા થોડા સમયથી એ મોટેભાગે ઓટીટી પર જ નજરે પડી છે. ઓટીટી પર તેણે એક સે બઢકર એક પ્રોજેક્ટ કર્યાં છે, જેમાં 'શેરની', 'જલસા' અને 'શકુંતલા દેવી' જેવી ફિલ્મો સામેલ છે. વિદ્યા બાલન પહેલી વાર મર્ડરમિસ્ટ્રી ફિલ્મ 'નીયત' માં નજરે પડી હતી, જોકે આ ફિલ્મ ધારી અસર ઉપજાવી નહોતી શકી.
તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કૃતિ સેનનને એવું પૂછવામાં આવ્યું કે તે કઈ અભિનેત્રી સાથે ફિલ્મ કરવાની તમન્ના ધરાવે છે? તો તેણે જણાવ્યું હતું કે 'મને વિદ્યા બાલન સાથે કામ કરવાનું બહુ ગમશે. મને વિદ્યા બહુ જ પસંદ છે. એક એક્ટ્રેસ તરીકે પણ અને એક વ્યક્તિ તરીકે પણ. આશા રાખું છું કે કોઈ એવી સ્ક્રિપ્ટ લખે જેમાં મને તેમની સાથે કામ કરવાની તક મળે!'
લાગે છે, કૃતિને હિરોઈનો સાથે કામ કરવાનું ખૂબ ફાવી ગયું છે. 'ક્રૂ'માં એણે કરીના અને તબુ સાથે સરસ કામ કર્યું અને હવે એ વિદ્યા સાથે કામ કરવા માગે છે.
વિદ્યા બાલનની આગામી ફિલ્મોમાં 'ભૂલભૂલૈયા-૩' સામેલ છે, જેમાં તે ફરી એકવાર મંજુલિકાની મજેદાર ભૂમિકા નિભાવતી નજરે પડે છે. ડ્રામા હોય કે કોમેડી હોય કે કોઈ પણ જોનર હોય, વિદ્યાને અભિનય કરતાં જોવી એ એક લહાવો છે.