Get The App

વિકી કૌશલઃ યે સહી હૈ! .

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
વિકી કૌશલઃ યે સહી હૈ!                                    . 1 - image


- 'એ અહેસાસ કે કોઈ તમને પ્રેમ કરે છે, તમારી સંભાળ લે છે, અને બદલામાં તમે પણ એને દિલના ઊંડાણથી પ્રેમ કરો છો અને એની કાળજી લો છો... આ અદભુત ફીલિંગ છે. હું કેટરીનાની સાથે હોઉં ત્યારે લાગણીના સ્તરે, વ્યાવહારિક સ્તરે મને સતત એવું લાગ્યા કરે કે ... યે સહી હૈ!'

વિકી કૌશલ 'બેડ ન્યુઝ'ના ટીઝર, ટ્રેલર અને ગીતોમાં જેટલો હેન્ડસમ લાગી રહ્યો છે એટલો કદાચ અગાઉ ક્યારેય નહોતો લાગ્યો એવું એના સાત પેઢીના દુશ્મનો પણ સ્વીકારે છે! એ વાત અલગ છે કે વિકી એટલો જેન્ટલમેન છે કે એની ડિક્શનરીમાં અને જીવનમાં 'દુશ્મન' જેવો કોઈ શબ્દ નથી. 

વિકીનું ગયું વર્ષ ન બહુ સારૂં ગયું, ન બહુ ખરાબ. એની કેટલીક ફિલ્મો સાવ ધોવાઈ ગઈ, અથવા કહો કે, કોઈએ જોઈ જ નહીં. એક હતી, 'ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે' (આમાં જોકે વિકીનો લીડ રોલ નહોતો) અને 'ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી'. 'સેમ બહાદૂર' સરસ ફિલ્મ હતી ને એમાં વિકીએ અભિનય પણ ફાંકડો કરેલો, પણ 'એનિમલ'ની સાથે રિલીઝ થઈ ને એ સાવ પિટાઈ ગઈ. વિકીની ગયા વર્ષની સફળ ફિલ્મો એટલે આ બે - 'ઝરા હટકે ઝરા બચકે' અને 'ડન્કી'. ઇન ફેક્ટ, 'ડન્કી'માં સૌથી વધારે યાદ રહી જાય એવું કશુંય હોય તો તે વિકીનું પાત્ર જ હતું. આગામી 'બેડ ન્યુઝ' એક અતરંગી વિષય ધરાવતી હલકીફૂલકી ફિલ્મ છે. લેટેસ્ટ નેશનલ ક્રશ ગણાતી તૃપ્તિ ડિમરી વિકીની હિરોઈન છે. પ્રેક્ષકોની પસંદગી અને વર્તાવ એવા અનપ્રિડિક્ટિબલ થઈ ગયા છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલશે કે નહીં એ તો સિનેમાદેવ જ કહી શકે.

વિકીએ જોકે ફિલ્મને પ્રમોટ કરવામાં પોતાના તરફથી કશી કચાશ રાખી નથી. વચ્ચે એ બિગ બોસ ઓટીટી શોમાં મહેમાન બની આવ્યો. શોના હોસ્ટ અનિલ કપૂર અને વિકીનાં શ્રીમતીજી કેટરીના કૈફ ભૂતકાળમાં સાથે કામ કરી ચૂક્યાં છે. અનિલ કપૂરે વિકીને કહ્યુંઃ 'તુઝે ઐસી લડકી મિલી જો મેરી બહોત કરીબી દોસ્ત હૈ, જિનકી મૈં બહોત ઇઝ્ઝત કરતા હૂં. બહોત હી અચ્છી લડકી હૈ, યુ આર સો લકી.' 

વિકી અને કેટરીનાનાં લગ્ન ડિસેમ્બર ૨૦૨૧માં થયા હતા. અઢી વર્ષ પછી પણ બન્ને વચ્ચેની મીઠાસ હનીમૂનના સમયગાળા જેવી જ છે. અથવા કમસે કમ જાહેરમાં તેવું દેખાડે છે. વિકી એક મુલાકાતમાં કહે છે, 'વરસાદ વરસી રહ્યો હોય, મારે શૂટિંગમાં જવાનું ન હોય ને અમે બન્ને ઘરે જ હોઈએ ત્યારે એક ખૂબસૂરત શાંતિ પ્રવર્તતી હોય. કેટરીના મારી સાથે હોય ત્યારે મને ભવિષ્યની કોઈ જ ચિંતા સતાવતી ન હોય, ભૂતકાળનો કોઈ અફસોસ સળવળતો ન હોય. હું ફક્ત વર્તમાનમાં ભરપૂર જીવતો હોઉં. સંતુષ્ટ હોઉં, સુખી હોઉં. મને કોઈ વાતની બેચેની કે રઘવાટ ન હોય. માત્ર અને માત્ર સુકૂનની અનુભૂતિ થતી હોય. સાચ્ચે, દુનિયાની આ બેસ્ટ ફીલિંગ છે.'

આટલું કહીને એ આગળ ઉમેરે છે, 'હું પરણ્યો નહોતો ત્યારે વિચારતો કે જે દિવસે હું એવી સ્ત્રીને મળીશ કે જેની સાથે હું ચુપચાપ કલાકોના કલાકો વીતાવી શકું, અમે બન્ને મૌન હોઈએ, અમારી વચ્ચે શાંતિ ફેલાયેલી હોય અને છતાંય એ શાંતિનો સહેજ પણ ભાર વર્તાતો ન હોય... તો હું સમજી જઈશ કે બસ, આ જ મારા માટે યોગ્ય વ્યક્તિ છે. કેટરીના સાથે મને એક્ઝેક્ટલી આ જ લાગણી થાય છે. એની સાથે મને સ્થિરતાનો અનુભવ થાય છે. અમે ડેટિંગ કરતાં હતાં ત્યારે ભરપૂર રોમાંચનો અનુભવ થતો હતો. આજે લગ્નનાં અઢી વર્ષ પછી પણ તે લાગણી એવીને એવી જ છે. હું વધુ પડતો રોમેન્ટિક માણસ ક્યારેય નહોતો, પણ કેટરીનાએ મને રોમેન્ટિક બનાવી નાખ્યો છે! એ અહેસાસ કે કોઈ તમને પ્રેમ કરે છે, તમારી સંભાળ લે છે, અને બદલામાં તમે પણ એને દિલના ઊંડાણથી પ્રેમ કરો છો અને એની કાળજી લો છો... આ અદભુત હોય છે. હું કેટરીનાની સાથે હોઉં ત્યારે લાગણીના સ્તરે, વ્યાવહારિક સ્તરે મને સતત ફીલ થયા કે ... 

યે સહી હૈ!'

વાહ. 

'ઉડીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક'ના ડિરેક્ટર આદિત્ય ધરે એક વખત કહેલું કે વિકી કૌશલની આંખોમાં મને હંમેશા ઊંડી પીડા દેખાઈ છે, તેથી અમુક પ્રકારના રોલ્સમાં એ ખૂબ જમાવટ કરે છે. કોઈ પણ સંવાદ વગર માત્ર આંખોથી અભિનય કરવો આસાન નથી. વિકી કહે છે, 'તમે તમારા પાત્રમાં જેટલા ઊંડા ઉતરશો એટલો વધારી સારી રીતે આંખોથી લાગણીઓ વ્યક્ત કરી શકો. હું એક્ટિંગ સ્કૂલમાં શીખ્યો છું કે એક્ટિંગ કરતી વખતે તમે જેટલું વધારે સાંભળશો, એટલી વધારે સારો અભિનય તમે કરી શકશો, તમારી આંખો એટલી વધારે બોલકી બનશે. કેમેરા સામે હોઉં ત્યારે હું ખરેખર તો રિએક્ટ કરતો હોઉં છું. એક્ટિંગ કરવા કરતાં હું જે-તે સંવાદને, સિચ્યુએશનને હું શી રીતે રિએક્ટ કરું છું એના પર મારૂં વધારે ધ્યાન હોય છે.'

વિકી કૌશલની હવે પછીની ફિલ્મ છે, લક્ષ્મણ ઉતેકરના ડિરેક્શનમાં બની રહેલી 'છાવા', જેમાં એ છત્રપતિ સંભાજી બન્યો છે. જોઈએ, 'બેડ ન્યુઝ'માં અને ઐતિહાસિક 'છાવા'થી વિકીનો કરીઅર ગ્રાફ કઈ દિશામાં ગતિ કરે છે. 


Google NewsGoogle News