વિકી કૌશલઃ વાઇફ પાસેથી મને ઘણું શીખવાનું મળે છેે
- 'ઓડિશન્સ આપીને હું નિરાશ થઇને ઘરે આવતો ત્યારે મારી મમ્મી મને બહુ સપોર્ટ કરતી. પોતાના અને ઉપરવાળા પર વિશ્વાસ રાખવાનું કહેતી. મારી ધીરજ બંધાવતી...'
સેમ બહાદુર' ફિલ્મમાં વિકી કૌશલે ફીલ્ડ માર્શલ સેમ માણેકશાનું પાત્ર ભજવીને લોકોને ખુશ કરી દીધા છે. એ જ રીતે 'ડન્કી'માં એણે નાનકડી પણ અફલાતૂન ભૂમિકા કરી છે. ઘણા લોકોને તો આ ફિલ્મમાં વિકી જ સૌથી વધારે ગમ્યો છે. આ બન્ને ભૂમિકા વિકી માટેપડકારજનક હતી. તેમે આ રોલ કરવામાં બહુ આનંદ આવ્યો હતો.
વિકી કૌશલ આજે બોલિવુડમાં એ-લિસ્ટ એક્ટર ગણાય છે, પણ કારકિર્દીના શરૂઆતના દિવસોને એ ભૂલ્યો નથી. એ કહે છે, 'મેં અગાઉ ઘણાં રિજેક્શન સહન કર્યાં છે. ઘણી વખત હું નિરાશ થઇને ઘરે આવતો ત્યારે મારી મમ્મી મને સપોર્ટ કરતી હતી. તે મને પોતાના અને ઉપરવાળા પર વિશ્વાસરાખવાની સલાહ આપતી હતી. તે મને ધીરજ બંધાવતી. સંઘર્ષના એ દિવસોમાં મારી પાસે ૧૦-૧૫ હજારની નોકરી પણ નહોતી.
સાવ શરૂઆતની ફિલ્મ 'મસાન'થી વિકીએ સૌનું ધ્યાન ખેંચવાનું શરૂ કરી દીધું હતું. 'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક' ફિલ્મની સફળતા પછી તો એ રીતસર સ્ટાર બની ગયો. વિકી કહે છે, 'ફિલ્મ ઇન્ડસ્ટ્રી મારા માટે નવી નથી. મારા પિતા શ્યામ કૌશલ એકશન ડિરેકટર હતા, પરંતુ અમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઝાકઝમાટથી અંજાઇ ગયા નહોતા. અમે એક સામાન્ય પરિવારની માફક જ રહેતા હતા. આજે પણ મારી મમ્મી અમને એટલે કે હું, કેટરિના કે મારો ભાઇ સની ઘરની બહાર નીકળીએ ત્યારે હાથમાં થોડા પૈસા આપી જ દે છે. '
બોલિવુડની ફિલ્મો વિશે વિકી કહે છે, '૨૦૨૩માં હિન્દી ફિલ્મોએ સારું કલેક્શન કર્યું છે. 'પઠાણ', 'ગદ્દર ટુ', 'જવાન', 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની', 'એનિમલ' ફિલ્મને લોકોએ આવકારી છે.'
વિક્કી શૂટિંગ માટે વિદેશ જાય છે ત્યારે તેને પરિવારને મિસ કર્યા કરતો હોય ેછે. વિકી કહે છે, 'અમે ેપણ ઘણી વખત સામાન્ય લોકો જેવી હરકતો કરી દેતા હોય છે. ઉદાહરણ તરીકે, શેમ્પુની શીશીમાં શેમ્પુ ખલાસ થયેલું જોઇને અમે પણ તેમાં પાણી ભરીને ઉપયોગમાં લેતા અચકાતાં નથી!'
કેટરિના વિશે એ કહે છે, 'કેટરિના લવિંગ અને કેરિંગ વાઇફ છે. તેની પાસેથી મને ઘણું શીખવા મળે છે. લગ્ન પછી હું માણસ તરીકે બહેતર બની રહ્યો છું એવું મને લાગે છે.' વાહ!