Get The App

વેદાંગ રૈના : શીખી રહ્યો છે લાઈમલાઈટમાં રહેતાં

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
વેદાંગ રૈના : શીખી રહ્યો છે લાઈમલાઈટમાં રહેતાં 1 - image


ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીસ'થી હિન્દી ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કરનાર અભિનેતા વેદાંગ રૈનાને તેની કારકિર્દીની બીજી ફિલ્મ 'જિગરા'માં આલિયા ભટ્ટ જેવી ટોચની અભિનેત્રી સાથે કામ કરવાની તક મળતાં વેદાંગ ફૂલ્યો નથી સમાતો. અભિનેતા કહે છે કે મને 'જિગરા'માં વાસન બાલી જેવા ટોચના સર્જક અને આલિયા ભટ્ટ જેવી લોકપ્રિય અદાકારા સાથે કામ કરવાનો અવસર સાંપડયો એ મારી ખુશનસીબી છે. કારકિર્દીના પ્રારંભિક તબક્કે આલિયા સાથે કામ કરવું એટલે તેના પ્રશંસકોની નજરમાં પણ આવવું. મને હજી પણ જાણે કે આ વાત પર વિશ્વાસ નથી બેસતો. અભિનેતા વધુમાં કહે છે કે 'ધ આર્ચીસ'માં કામ કરવું મારા માટે શમણું સાકાર કરવા સમાન હતું. અને 'જિગરા' મેળવવી એ મારા સપના પર છોગું લાગવા સમાન છે. હું આ ફિલ્મની રજૂઆતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. મારા માટે તો આ સફર શૂન્યથી શરૂ કરીને ૧૦૦૦ અને પછી ૨૦૦૦ સુધી પહોંચવા સમાન છે. હવે હું મારા ખૂબસુરત ભવિષ્ય વિશે વિચાવા લાગ્યો છું.

જોકે વેદાંગ માટે ખ્યાતિ, લાઈમલાઈટ નવાં નવા છે. તે કહે છે કે મારા માટે લાઈમલાઈટમાં રહેવું તદ્દન નવો અનુભવ છે. જો હું સડક પરથી પસાર થઈ રહ્યો હોઉં અને મારા માટે અજાણી હોય એવી વ્યક્તિ મને ઓળખી જાય તો મને આશ્ચર્ય થાય. મેં સ્વપ્નેય એવો વિચાર નહોતો કર્યો કે મને આમ કોઈ ઓળખવા લાગશે. મને આવી બધી બાબતોની ટેવ પાડતાં થોડો સમય લાગશે. પરંતુ સમય સાથે સઘળું બદલાતું રહે છે. આમ છતાં હું એ બાબતની કાળજી ચોક્કસ રાખીશ કે મારો મૂળભૂત સ્વભાવ જેવો છે તેવો જ રહે. તેમાં કોઈ બદલાવ ન આવે. જો તમે પોતાને બદલી નાખો તો તમારી પાસે બચે શું? અભિનેતાને સંગીત પ્રત્યે પણ વિશેષ લગાવ છે. તેણે 'જિગરા'માં 'એક હજારોં મેં મેરી બહના હૈ...' ગાયું છે. વેદાંગ કહે છે કે હું સંગીતનો સંગાથ પણ જારી રાખવા માગું છું. જો મને સમય મળશે તો હું રસપ્રદ સંગીતની રચના કરીને લોકો સમક્ષ જવાનું પસંદ કરીશ. વેદાંગ તેની 'આર્ચીસ'ની સહકલાકાર ખુશી કપૂરને ડેટ કરે છે. પરંતુ અભિનેતા પોતાના મોઢે આ વાત કબૂલ કરવા નથી માગતો. જો કોઈ તેને તેની ડેટ લાઈફ વિશે પૂછે તો વેદાંગ ગોળ ગોળ જવાબ આપતાં કહે છે કે હમણાં મારું સઘળું ધ્યાન મારી કારકિર્દી પર છે. આમ છતાં તાજેતરમાં એક ફેશન શોમાં ખુશી કપૂર અને વેદાંગ રૈના શો સ્ટોપર બન્યાં હતાં ત્યારે અભિનેતાની નજર ખુશી કપૂરથી દૂર નહોતી ખસી રહી. તાજેતરમાં વેદાંગે પોતાનો સંગીત પ્રત્યેનો પ્રેમ દર્શાવવા સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. 

વેદાંગે નાનપણથી લઈને અત્યાર સુધીની સિંગિંગ જર્ની રજૂ કરી હતી. તે અલગ અલગ ઇવેન્ટ્સમાં મોજથી ગાતો જોવા મળી રહ્યો હતો. અને તેની આ પોસ્ટ જોઈને ખુશી કપૂર ભાવુક થઈ ગઈ હતી. તેણે અભિનેતાની પોસ્ટના લખ્યું હતું કે મારી આંખો હર્ષાશ્રુથી છલકાઈ ઉઠી છે. અભિનેત્રીએ તેની સાથે એક ભાવુક ઈમોજી તથા બીજી દિલની ઈમોજી મૂકી હતી. 


Google NewsGoogle News