Get The App

વૈજયંતી માલાઃ દક્ષિણની પ્રથમ બોલિવૂડ સ્ટાર

- બોલીવૂડમાં અર્ધ શાસ્ત્રીય નૃત્યને પ્રવેશ અપાવનારા અદાકારા

Updated: Oct 16th, 2020


Google NewsGoogle News

- દેવદાસમાં ચંદ્રમુખીની ભૂમિકા માટે ફિલ્મફેરનો સપોર્ટિંગ એક્ટ્રેસનો અવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કરી તેમણે બેસ્ટ એક્ટ્રેસ અવોર્ડ માગેલોસંગમ પિક્ચરના પ્રોમોશન માટે રાજ કપૂરે વૈજયંતી માલા સાથે અફેરની અફવા ઉડાવેલી

વૈજયંતી માલાઃ દક્ષિણની પ્રથમ બોલિવૂડ સ્ટાર 1 - image

ભારતીય સિનેમા પહેલેથી પુરુષવાદી રહ્યું છે. અભિનેત્રીઓને હંમેશા બીજા દરજ્જામાં ગણવામાં આવતી રહી છે. અભિનેતાઓ જેટલા તેમને ન તો પૈસા મળે છે, ન સન્માન. પ્રિયંકા ચોપડા, દીપિકા પદુકોણ અને કંગના રનૌતે પરંપરા ધ્વસ્ત કરી નાખી છે, પણ તેને તોડવાની શરૂઆત ૫૦થી ૬૦ના દશકમાં શરૂ થઈ હતી. વૈજયંતી માલા એ ઝૂંબેશના મશાલચી હતાં. ઘણા લોકો મમતા કુલકર્ણીને બોલિવુડનાં પ્રથમ સુપરસ્ટાર માને છે. ઘણા વૈજયંતીને.

૧૯૩૬માં ચેન્નઈમાં તેમનો જન્મ. વઝકાઈ નામની તમિલ ફિલ્મથી તેમની એક્ટિંગ કરિયર શરૂ થઈ. ત્યારે તેમની ઉંમર માત્ર ૧૩ વર્ષ. બોલિવુડમાં તેની રીમેક બનાવાઈ. બંને ભાષામાં ફિલ્મ સફળ નીવડી. તેના માટે વૈજયંતીમાલાના સીલેક્શનનો કિસ્સો રસપ્રદ છે.

એ. વી. એન. પ્રોડક્શન્સના એમ. વી. રમણે વૈજયંતી માલાને ચેન્નઈના ગોખલે હોલમાં ભરતનાટયમનું પરફોર્મન્સ આપતા જોઈ. તેમણે ત્યાં જ નક્કી કરી લીધું. આ છોકરી મારી ફિલ્મની હીરોઇન બનશે. વૈજયંતીમાલાના દાદી તેમને ફિલ્મોમાં મોકલવાના નિર્ણયની વિરુદ્ધ હતા. તેઓ કહેતા કે જો વૈજયંતી અભિનયમાં ધ્યાન આપવા લાગશે તો તેનું ધ્યાન ડાન્સ અને મ્યુઝિક પરથી હટી જશે.

હા, તેઓ ભરતનાટયમ અને કર્ણાટકી સંગીતના અચ્છા જાણકાર હતા. એક્ટિંગ તેમના લોહીમાં હતી એટલે તેના માટે સંગીત અને નૃત્ય ભૂલવાનો સવાલ પેદા થતો નહોતો. તેમનાં માતા વસુંધરા દેવી ૪૦ના દશકમાં તમિલ ફિલ્મોના લીડ એક્ટ્રેસ હતા. વૈજયંતીના માતા તેના કરતા માત્ર ૧૬ વર્ષ મોટા હતાં. 

તેઓ તેમના માતાને તેના નામથી બોલાવતાં અને પપ્પાને અન્ના કહેતાં. ફઈ અને શેરીના બધા તેને અન્ના કહેતા એટલે વૈજયંતી પણ અન્ના કહેતા. અન્નાનો અર્થ થાય છે, મોટા ભાઈ. 

બિમલ રોય નિર્દેશિત અને દિલીપ કુમાર અભિનિત દેવદાસમાં સુચિત્રા સેને પારો અને વૈજયંતી માલાએ ચંદ્રમુખીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મફેરે તેમને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ આપ્યો. તેણે અવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. કહ્યું, જો મને અવોર્ડ આપવો હોય તો બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ આપવો જોઈએ, નહીં તો મારો અવોર્ડ નથી જોઈતો. ૧૯૫૮માં સાધના ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો પણ ખરો. સંગમ માટે બીજો મળ્યો.

વૈજયંતી માલા એ જમાનાની ટોચની અભિનેત્રી હતી. તેમને કોઈ વેશ્યાના રોલ માટે સાઇન કરવાની હિંમત કરી શકે તેમ નહોતું. બિમલ રોય તેમની પાસે આ રોલ લઈને ગયા તો વૈજયંતીએ કહ્યું. ઇફ યુ થિંક ધેટ આઇ કેન ડુ ધેટ. આઇ વિલ ડુ ઇટ. રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. ૧૯૬૪માં સંગમ ફિલ્મમાં રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર અને વૈજયંતી માલા વચ્ચે લવ ટ્રાયેન્ગલ દેખાડવામાં આવ્યો હતો. ફિલ્મ દરમિયાન રાજ કૂપર અને વૈજયંતી માલા વચ્ચે અફેર્સના સમાચાર વહેતા થયા. વૈજયંતી માલાએ સમાચારને રદીયો આપી દીધો, પરંતુ રાજ કપૂર ન તો હા કહેતા હતા ન તો ના. તેનાથી આગને હવા મળી. રાજ કપૂરની પત્ની ક્રિષ્નાએ તેમના પર વૈજયંતી સાથે કામ કરવાનો પ્રતિબંધ ફરમાવી દીધો.

૨૦૦૭માં વૈજયંતી માલાએ તેમની આત્મકથામાં લખ્યું, રાજ કપૂર સાથે અફેર્સની અફવા એક પબ્લિસિટી સ્ટન્ટ હતો. પોતાની ફિલ્મ પ્રમોટ કરવા માટે રાજ કપૂર જાણી જોઈને આવા સમાચાર ફેલાવી રહ્યા હતા. સંગમ આર કે સાથે તેમની બીજી ફિલ્મ હતી. એ પહેલા તેમણે નઝરાનામાં કામ કર્યું હતું.

બી. આર. ચોપડાને એક ફિલ્મ બનાવવી હતી. આ માટે તેમણે દિલીપ કુમારને કાસ્ટ કર્યા હતા, પરંતુ અન્ય કલાકારોની શોધ જારી હતી.  અભિનેત્રી તરીકે તેઓ મધુબાલાને કાસ્ટ કરવા માગતા હતા. મીટિંગ ફિક્સ થઈ. બી. આર. ચોપડા નિશ્ચિત સમયે મધુબાલાના ઘરે પહોંચ્યા અને તેમને સ્ક્રિપ્ટ નેરેટ કરવા માંડયા. નેરેશન દરમિયાન મધુબાલાના પિતા પણ ત્યાં ઉપસ્થિત હતા અને દર બીજા સીનમાં તેઓ ફેરફાર કરવાની માગણી કરતા હતા. બી. આર. ચોપડા ગુસ્સે થઈ ગયા. બંને વચ્ચે ઝઘડો થયો. વાત છેક કોર્ટ સુધી પહોંચી. એ ચલચિત્રમાં બી.આરે. મધુબાલાને પડતી મૂકી વૈજયંતીને લીધી.

૧૯૬૬માં આમ્રપાલી ફિલ્મમાં વૈજયંતી માલાએ વૈશાલીની નગરવધુ આમ્રપાલીની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં તેમની સાથે સુનીલ દત્ત હતા. વૈજયંતીએ આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી હતી. બોક્સ ઑફિસ પર તે પીટાઈ જતા વૈજયંતીને ફિલ્મથી મોહભંગ થઈ ગયો. તેમણે ફિલ્મોથી અંતર બનાવી લીધું. પોલિટિક્સમાં જોડાઈ ગયાં. રાજ્યસભાના સદસ્ય બની ગયાં.

યશ ચોપડા દીવાર બનાવી રહ્યા હતા. તેમાં તેમણે વૈજયંતી માલાને અમિતાભ બચ્ચન અને શશિ કપૂરની માનો રોલ ઑફર કર્યો. વૈજયંતીએ એવું કહીને નકારી દીધો, હીરોઇન છું અને હીરોઇન જ રહીશ. હું ચરિત્ર પાત્રો ભજવીશ નહીં. બાદમાં એ રોલ નિરુપા રોયને ઑફર કરવામાં આવ્યો. રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. 

નાગિનને બોલિવુડમાં તેમની કરિયરની પ્રથમ સુપરહિટ ફિલ્મ માનવામાં આવે છે. આ ઉપરાંત દેવદાસ, સાધના, મધુમતી, ગંગા જમુના, સંગમ અને સંઘર્ષ જેવી યાદગાર પિક્ચર્સ આપી. નઈ દિલ્હી, નયા દૌર અને આશા પણ ઉમેરી શકાય. જ્વેલ થીફ કેમ ન ઉમેરવી? તેમાં તેમના પર ફિલ્મકૃત થયેલું ગીત હોઠો પે ઐસી બાત મેં દબા કે ચલ આઈ આજેય ચાહકોના હોઠથી હેઠું ઊતર્યું નથી. 

સંગમમાં રાજ કપૂર સાથે અફેરની ચર્ચાને લીધે તેમને વગોવણીનો સામનો કરવો પડેલો. તેની અસર તેમના કરિયર પર પણ પડેલી. ફરીથી તેમને દિગ્ગજ અભિનેતા સાથે કામનો ચાન્સ છેક ૧૯૬૭માં દેવ આનંદ સાથે મળ્યો.  મધુમતીમાં તેમણે ત્રણ રોલ કર્યા હતા. તે જોઈને દર્શકો તેમના આશિક થઈ ગયા હતા. એ ફિલ્મ માત્ર બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ જ થઈ શકેલી. 

તેમણે પોતાની કરિયર દરમિયાન દિલીપ કુમાર, રાજ કપૂર, દેવ આનંદ, રાજેન્દ્ર કુમાર, સુનીલ દત્ત જેવા મોટા-મોટા કલાકારો સાથે કમા કર્યું. રાજેન્દ્ર કુમાર સાથે તેમની જોડી સર્વાધિક પસંદ કરવામાં આવી. દિલીપ કુમાર સાથે પણ તેમના અફેરની ચર્ચા ચગેલી. તેને પણ વૈજયંતીમાલાએ રદિયો આપી દીધેલો. 

એક વખત તેઓ બીમાર પડયા ત્યારે ડૉ. ચમનલાલ બાલીએ તેમને ઈલાજ કર્યો. એ જ ડોક્ટર સાથે તેમને પ્રેમ થઈ ગયો. તેમની સાથે લગ્ન કરીને ફિલ્મથી સંન્યાસ લઈ લીધો. જોકે હાથમાં હતી એટલી ફિલ્મો પૂરી કરી. જેમ કે પ્યાર હી પ્યાર, પ્રિન્સ અને ગંવાર.

બોલિવુડમાં સેટ થનારા દક્ષિણ ભારતના તેઓ પ્રથમ અભિનેત્રી હોવાથી અનુગામી અભિનેત્રીઓ માટે તે પ્રેરણા સ્રોત રહ્યા. હેમા માલિની માટે પણ. હેમાને તેમનું નૃત્ય ખૂબ ગમતું. આ વિશે તેમણે અનેક વખત જાહેરમાં લાગણી વ્યક્ત કરી છે. ગત વર્ષે ૮૨ વર્ષની ઉંમરે તેમણે સ્ટેજ ભરતનાટયમનું સ્ટેજ પરફોર્મન્સ આપેલું.


Google NewsGoogle News