નેગેટિવ રોલ્સ કરીને ધરાઈ ગઈ છે ઉર્વશી ધોળકિયા

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
નેગેટિવ રોલ્સ કરીને ધરાઈ ગઈ છે ઉર્વશી ધોળકિયા 1 - image


ટી વી સીરિયલ હોય, વેબ શૉ હોય કે ફિલ્મ, એક્ટરના કોઈ રોલ દર્શકોમાં ખૂબ લોકપ્રિય થયા બાદ એને એક નુકસાન થાય છે. પ્રોડયુસર-ડિરેક્ટર એને એવા જ રોલમાં કાસ્ટ કરવાનું પસંદ કરે છે. આવું ટાઇપકાસ્ટિંગ મોટાભાગે એક્ટરોને ગમતું નથી. એમને ઉડતા પંખીને પાંજરામાં પુરાઈ જવા જેવો અનુભવ થાય છે. ઉર્વશી ધોળકિયાનું જ ઉદાહરણ લઈએ. એ સ્મોલ સ્ક્રીન પરની પોતાની કરીઅરથી ખુશ છે, પણ સાથોસાથ અભિનેત્રીને એવી ફરિયાદ છે કે મેકર્સ એને ટીવી સીરિયલ 'કસૌટી ઝિન્દગી કી'ની ખલનાયિકા  કોમોલિકાથી આગળ વિચારી જ નથી શકતા. 

'મારું એકાદ પાત્ર એકદમ પાવરફૂલ બનીને ઊભર્યું એટલે એનો અર્થ એવો નથી કે હું બીજી કોઈ ભૂમિકા ભજવી જ ન શકું. એવું વિચારવું સદંતર ખોટું છે. મારા વિશે એક જ રોલ સિવાય વિચારી જ ન શકતા પ્રોડયુસરો અને ડિરેક્ટરોની ક્રિયેટિવિટી ક્યાં ચાલી જાય છે?' એવો તીખો તમતમતો સવાલ ઊર્વશી ઉઠાવે છે. આ રીતે ટાઇપકાસ્ટ થઈ જવાથી છેલ્લા ઘણાં વરસોથી ધોળકિયા જે કામ કરે છે એની ભાગ્યે જ નોંધ લેવાય છે.

અત્રે નોંધવું ઘટે કે એકટ્રેસે તાજેતરના વરસોમાં 'ચન્દ્રકાંતા', 'ઈશ્ક મેં મરજાવા', 'તૂ આશિકી' અને 'નાગિન-૬' જેવા પોપ્યુલર ટીવી શૉઝ કર્યા છે અને છતાં ફેન્સની એવી ફરિયાદ છે કે એ હવે સ્મોલ સ્ક્રીન પર બહુ ઓછી દેખાય છે. 'હું સીરિયલોમાં આવજા કર્યા કરું છું. મને સુપર એક્સસાઇટિંગ કહી શકાય એવી કોઈ ભૂમિકા મળી નથી. હું આવું એકધારું કામ ફરીફરીને કરી ન શકું. મને કેટલી બધી ટાઈપકાસ્ટ કરી દેવાઈ છે. આ તો એમ કહેવા બરાબર છે કે રેખાને 'ઉમરાવ જાન' (૧૯૮૧) કર લી, બસ હો ગયા. એના કરીઅરની ટોચ આવી ગઈ. ના, એવું નથી. એક્ટરનું કરીઅર એક રોલથી અટકી નથી જતું,' ઊર્વશી કહે છે.

કોમોલિકાની ઈમેજની પીછો છોડાવવા ધોળકિયાએ ટીવી શૉ 'કૉમેડી સર્કસ' શો કર્યો, પણ એમાં એને ધારી સકસેસ ન મળી. 'આજે પણ લોકો કોમોલિકાના મિમ્સ અને રીલ્સ શેર કરે છે એ બદલ એમની આભારી છું, પરંતુ હું એવું ઇચ્છું છું કે લોકો મને બીજા રોલ્સ માટે પણ ઓળખે અને વખાણે. ઠીક છે, પરંતુ એક વાત પાકી છે કે હવે હું કોઈ નેગેટિવ રોલ સ્વીકારીશ નહીં,' ઊર્વશી ઊંચા અવાજે ઘોષણા કરે છે.

એક્ટરે હાલ ટીવી શૉ 'પુષ્પા ઇમ્પોસિબલ'માં વકિલની ભૂમિકામાં જોવા મળે છે. 'મને ખુશી છે કે સીરિયલના મેકર્સે મારા વિશે જુદી રીતે વિચાર્યું અને મને આઉટ એન્ડ પોઝિટિવ કેરેક્ટર ભજવવા મળ્યું. જાણું છું કે રાતોરાત ચમત્કાર થવાનો નથી, પણ આ એક નવી શરૂઆત છે. એટલું ચોક્કસ કહી શકું,' એમ કહી ઊર્વશી પોતાની વાત પૂરી કરે છે. 


Google NewsGoogle News