ઉર્મિલા માતોંડકર હવે કેમેરા સામે આવવા ઉતાવળી થઈ છે
- 'જીવનમાં જ્યારે જે થવાનું હોય તે થઈને જ રહે છે. દરેક વસ્તુનો સમય નિર્ધારિત હોય છે અને સમય આવ્યે તે અચૂકપણે થઈને જ રહે છે. મને લાગે છે કે ફરીથી ફિલ્મોમાં કે ઓટીટી પર કામ કરવાનો મારો સમય પાકી ગયો છે.'
'રંગીલા' ગર્લ તરીકે જાણીતી બનેલી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે છેલ્લે ઇરફાન ખાનને ચમકાવતી ફિલ્મ 'બ્લેકમેલ' (૨૦૧૮)માં 'બેવફા બ્યુટી...' સ્પેશ્યલ નંબર પરફોર્મ કર્યું હતું. ત્યાર બાદ વર્ષ ૨૦૨૨ના અંતમાં તેણે ટચૂકડા પડદે આવતા રીઆલિટી શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુપર મૉમ્સ-સીઝન ૩'માં નિર્ણાયકની ખુરશી શોભાવી. પરંતુ એક વખત ઝાકઝમાળની દુનિયામાં કદમ માંડનારા કલાકારો ચાહે તો પણ લાંબા સમય સુધી તેનાથી દૂર નથી રહી શકતા. ઉર્મિલા પણ તેમાંથી બાકાત નથી. અદાકારા હવે ફરીથી કેમેરાનો સામનો કરવા ઉતાવળી થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્મિલા માતોંડકરે 'સત્યા', 'રંગીલા', 'ભૂત', 'કૌન', 'એક હસીના થી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે કહે છે કે મારું સામાજિક અને રાજકીય કામ જોતાં મોટાભાગના લોકોએ એમ ધારી લીધું છે કે હવે હું અભિનય ક્ષેત્રે કામ નહીં કરું. જ્યારે હકીકતમાં અભિનય સિવાય હું જે કરું છું તે મારા જીવનનો એક ભાગ માત્ર છે. હું એક્ટિંગ કરવાનું ક્યારેય નહીં થોડું. ખરૃં કહું તો હું જ્યારે અભિનય કે નૃત્ય કરતી હોઉં છું ત્યારે સૌથી વધુ ખુશ હોઉં છું. હું ફિલ્મ સર્જકો અને પટકથા લેખકોને કહેવા માગું છું કે ચાલો આપણે બધાં ભેગાં મળીને કામ શરૂ કરીએ.
તાજેતરમાં એક વેબ શોનું શૂટિંગ આટોપનાર ઉર્મિલા કહે છે કે તે બીજા ઘણાં કામ કરે છે આમ છતાં તેને કેમેરાનો સામનો કરવાનું સર્વાધિક પ્રિય છે. મને વહેલી તકે ૭૦ એમએમના અથવા ત્રીજા પડદે આવવું છે. મને લાગે છે કે ફરીથી ફિલ્મોમાં કે ઓટીટી પર કામ કરવાનો સમય પાકી ગયો છે. મને એવા પ્રોજેક્ટ્સ હાથ ધરવા છે જેમાં મારી મહેનત લેખે લાગે, મારો સમય નાહકનો વેડફાઈ ન જાય. અભિનેત્રી વધુમાં કહે છે કે જીવનમાં જ્યારે જે થવાનું હોય તે થઈને જ રહે છે. દરેક વસ્તુનો સમય નિર્ધારિત હોય છે. અને સમય આવ્યે તે અચૂક થાય છે.
ઉર્મિલા પોતાનો સમય સંભારતા કહે છે કે તે વખતમાં પણ ઘણાં કલાકારો ૧૦થી ૧૫ ફિલ્મો કરતાં હતાં ત્યારે હું પસંદગીની ફિલ્મો જ હાથ ધરતી હતી. હું એકી વખતે ત્રણ-ચારથી વધુ ફિલ્મો નહોતી કરતી. અને હવે મને ફરીથી ફિલ્મોમાં કામ કરવું છે.