ઈલિયાના ડી ક્રુઝ કારકિર્દીમાં ઉતાર ચઢાવ અનિવાર્ય છે

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
ઈલિયાના ડી ક્રુઝ કારકિર્દીમાં ઉતાર ચઢાવ અનિવાર્ય છે 1 - image


ડેબ્યુ ફિલ્મ 'બરફી' જેવી ફિલ્મમાં પોતાના પ્રભાવશાળી પરફોર્મન્સ માટે પ્રસિદ્ધ ઈલિયાના ડી ક્રુઝે તાજેતરમાં માતૃત્વ, બાળ જન્મ પછી ઘેરી લેતી હતાશા અને પતિ માઈકલ ડોલન વિશે નિખાલસતાથી વાત કરી હતી.

ઈલિયાના માને છે કે કારકિર્દીમાં સફળતા અને નિષ્ફળતા અનિવાર્ય છે, તે કોઈપણ વ્યવસાયનો અંતર્ગત હિસ્સો છે. ખાસ કરીને તમને કોઈ ફિલ્મ વિશે અમુક પૂર્વધારણા હોય અને પરિણામ વિપરીત આવે ત્યારે દુખ થાય છે. પણ હું મારી પસંદગી વિશે મક્કમ રહું છું. 

ઈલિયાના માટે અભિનય પ્રત્યેની તેની લાગણી જ તેનું પ્રેરક બળ છે. ઈલિયાના કહે છે કે તેને એક કલાકાર તરીકે ઓળખાવવાની હોંશ છે. ગમે તેટલો થાક હોય, પણ સેટ પર તેમજ કેમેરાની સામે આવતા જ તેનામાં ઊર્જાનો સંચાર થાય છે. 

ડેબ્યુ ફિલ્મ બરફીમાં મળેલી સફળતાને યાદ કરતા ઈલિયાના કહે છે કે તેણે જીવનમાં પ્રથમ વાર આટલી સફળતાનો અનુભવ કર્યો હતો પણ તેને સમજી નહોતી શકી. આ ફિલ્મે મારા જીવનનો પ્રવાહ બદલી નાખ્યો. 

ઈલિયાના માતૃત્વને એવા મહત્ત્વના સીમાચિહ્ન તરીકે વર્ણવે છે જેણે તેનામાં  ધરમૂળથી પરિવર્તન આણ્યુ છે. ઈલિયાના સ્પષ્ટતા કરે છે કે હું મારા સંતાન સાથે સતત વ્યસ્ત રહું છું. હું અનેક રીતે એકદમ અલગ જ વ્યક્તિ બની ગઈ છું. હું વધુ શાંત બની છું. માતા બનવા સાથે જ અનેક બાબતોમાં ફેરફાર થઈ જાય છે. બાળઉછેરની જવાબદારી અને ખુશીએ જીવનમાં નવાં પરિમાણોનો ઉમેરો કર્યો છે. 

ઈલિયાના ખાસ બાળ જન્મ પછી મહિલાને ઘેરી વળતી હતાશા વિશે વાત કરતા સલાહ આપે છે કે આવા સમયે પ્રિયજનોનો સાથ બહુ મહત્વનો પૂરવાર થાય છે. એથી જ  જ્યારે પણ માતા બાળકને લઈને ડોક્ટર પાસે જાય ત્યારે બાળકની સાથે માતાની પણ ચકાસણી થતી હોય છે. તેઓ માતાની માનસિક સ્થિતિની તપાસ કરે છે. માતાએ આવા સમયે સતત સંપર્ક બનાવી રાખવો જોઈએ અને જરૂર પડે તો મદદ લેતા અચકાવું ન જોઈએ. બાળજન્મ પછી થતી હતાશા વિશે વધુ ચર્ચા ન થતી હોવાથી સ્ત્રીને એકલતાની લાગણી થતી હોય છે. માઈકલ ડોલનને જીવન સાથી તરીકે મેળવીને ઈલિયાના પોતાને ભાગ્યશાળી માને છે. ઈલિયાના કહે છે કે અમારી પ્રેમ કહાની દંતકથા જેવી છે જેમાં પ્રેમી તમારી ખામીઓને પણ પ્રેમ કરે છે. માઈકલનું સતત સમર્થન, ખાસ કરીને હતાશાના સમયે ઈલિયાના માટે શક્તિનો સ્રોત બની ગયું. 

માતૃત્વ અને માઈકલ સાથેના સંબંધે ઈલિયાના માટે પ્રેમની વ્યાખ્યા જ બદલી નાખી છે. ઈલિયાના પણ હવે માને છે કે જે વ્યક્તિ ખુદને પ્રેમ કરે તે જ અન્યોને પ્રેમ કરી શકે છે. માઈકલના પ્રેમે ઈલિયાનાને પોતાની વધુ કાળજી લેતી કરી છે જે ખરા પ્રેમ અને સમર્થનની પરિવર્તનકારી શક્તિનો પરિચય આપે છે.

ઈલિયાના છેલ્લે 'દો ઔર દો પ્યાર'માં દેખાઈ. એ  તેને વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવાની તક પણ જતી નહોતી કરવી. 

વફાદારી વિશે ચર્ચા કરતા ઈલિયાનાએ તેેને વ્યક્તિલગત અને જટિલ બાબત ગણાવી હતી. ઈલિયાના માને છે કે બેવફાઈ હોય ત્યારે સંબંધ ટકી નથી શકતો. છતાં ઈલિયાનાના મતે કોઈપણ અંતિમ નિર્ણય લેવા અગાઉ બેવફાઈનાં કારણો વિશે પૂરતી સ્પષ્ટતા મેળવી લેવી જોઈએ. 


Google NewsGoogle News