ઉદિત નારાયણે પૂરાં કર્યા ગાયકીનાં 43 ભવ્ય વર્ષ!
- 'મને રિક્રિએશન શબ્દ પ્રત્યે અણગામો છે. ઓરિજિનલ ગીત જ જ્યારે ખૂબ સરસ હોય ત્યારે તમારા ભાગે માત્ર એને જુદી રીતે પ્રેઝન્ટ કરવાની કામગીરી જ આવે છે.'
લ તા મંગેશકર અને આશા ભોસલે પછી ગાયકીમાં સૌથી લાંબી ઈનિંગનો રેકોર્ડ સુરીલા ગાયકોની સૂચિમાં ઉદિત નારાયણનું નામ મૂકવું પડે. હમણાં ઉદિતે ફિલ્મોમાં પ્લેબેક સિંગિગના ૪૩ વરસ પૂરા કયાંર્. તાજેતરમાં એમના કરિયરના આ સીમાચિહ્નની ઉજવણી સની દેઉલની આગામી ફિલ્મ 'ગદર-૨'ના એક ગીત 'ઉડ જા કાલે કૌવા'ના પ્રિવ્યુમાં થઈ. આ પ્રસંગમાં 'ગદર-૨'ના ડિરેક્ટર અનિલ શર્મા અને મ્યુઝિક ડિરેક્ટર મિથુન જોડાયા હતા.
સોંગ પ્રિવ્યૂમાં મિડીયાને સંબોધતા વર્સેટાઈલ સિંગર કહે છે, 'મારા માટે આ એક ઈમોશનલ ક્ષણ છે. ક્યાંક મારાથી રડી ન પડાય તો સારું. એક લાંબી અને સુંદર સંગીત-યાત્રા માટે હું કાયમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મારા પ્રોડયુસરો, ડિરેક્ટરો, મ્યુઝિક ડિરેક્ટરો, ટેકનિશિયનો અને ફિલ્મસ્ટાર્સનો આભારી રહીશ. એ બધાને લીધે હું આજે હું અહીં સુધી પહોંચ્યો છું. ખાસ તો હું સિનેમા પ્રેમીઓને બિગ થેન્કયુ કહીશ, જેમણે મને આટલા વરસો સપોર્ટ કર્યો છે.'
અત્રે નોંધવું ઘટે કે 'ઉડ જા કાલે કૌવા' ગીત 'ગદર'ના પહેલા પાર્ટમાં પણ હતું. 'ગદર-૨'માં નારાયણે આ ગીત ફરી લલકાર્યુ છે એટલે મિડીયામાંથી ઉદિતને એવું પૂછાવું સ્વાભાવિક હતું કે એક સુપરડુપર હીટ ફિલ્મનું આ સોંગ ગાવું તમારા માટે કેટલું ચેલેન્જિંગ હતું? સરળ સ્વભાવના સિંગર જવાબમાં કહે છે, 'સર, હકીકત મેં વો મેરે લિયે ચેલેન્જિંગ થા. ગીતના રેકોર્ડિંગ માટે હું મિથુનને મળ્યો ત્યારે મેં એમને કહ્યું કે તમે આજના ટોપ મ્યુઝિક કમ્પોઝરોમાંના એક છો. 'આશિકી-ટુ'થી હું તમારો ફેન છું. મને હમેશાં મનમાં વિચાર આવતો કે તમારી સાથે કામ કરવાની તક મને ક્યારે મળશે? 'ગદર-ટુ'માં એ અવસર આવ્યો. સાચું કહું તો મને ગીતના રિહર્સલ દરમિયાન થોડી ચિંતા થતી રહી, પરંતુ મિથુનજીએ મને ઘણો સંધિયારો આપ્યો અને ભરોસો કરાવ્યો કે તમે આજના ટ્રેન્ડની જેમ ગાઈ શકશો. ગીતનું મૂળ સત્ત્વ જાળવી રખાયું છે, પણ એની ટ્રીટમેન્ટ મોડર્ન છે. '
સંગીતકાર મિથુનને મૂળ સોંગના રિક્રિએશન વિશે પૂછાતા તેઓ કહે છે, ઈન ફેક્ટ, મને આ રિક્રિએશન શબ્દ પ્રત્યે અણગામો છે કારણ કે મારું માનવું છે કે તમે જ્યારે કંઈક રિક્રિએટ કરો છો ત્યારે એમાંથી કંઈક નવું આકાર લે છે, જન્મે છે, પરંતુ ઓરિજિનલ ગીત જ જ્યારે આટલું સરસ હોય ત્યારે તમારા ભાગે માત્ર એને જુદી રીતે પ્રેઝન્ટ કરવાની કામગીરી આવે છે. આ સોંગ માટે મેં આવો જ અભિગમ અપનાવ્યો હતો. મારી એકમાત્ર જવાબદારી એ હતી કે હું ગીતનો આત્મા, એનું સત્ત્વ જાળવી રાખું અને કોઈ પણ રીતે એની ઓથેન્ટિસિટીને ડિસ્ટર્બ ન કરું.'
'ગદર-૨'ના દિગ્દર્શક અનિલ શર્મા ચર્ચાના સમાપનમાં કહે છે, 'ઉડ જા કાલે કૌવા' એક માત્ર એવું ફિલ્મી ગીત છે જે લોકગીતોમાં સામેલ થઈ ગયું છે. મિથુન અને ઉદિતજી સોંગનો નવા વર્ઝનમાં જે કમાલ કરી છે એ જોઈને મારી ખુશી બમણી થઈ ગઈ છે.'