ટીવી મારો ગઢ છે... હું એની વિરુદ્ધ કંઈ નહીં સાંભળું : જુહી પરમાર
- 'મારા મોમ-ડેડ મારી કરોડરજ્જુ સમાન છે. એમના જોરે જ હું સિંગલ પેરન્ટની જર્ની પાર કરી રહી છું. મા-બાપે મને ક્યારેય એવું લાગવા જ નથી દીધું કે હું એકલી છું.'
ટીવી સીરિયલોના એક્ટરો ખુશ છે. ઓટીટી પ્લેટફોર્મને કારણે તેઓ દુનિયા આખીના દર્શકો સુધી પહોંચી રહ્યા છે. એ ઉપરાંત એમને વેબ-શૉઝમાં તગડા દામ ચુકવાય છે. 'કુમકુમ' જેવી ઘરઘરમાં જાણીતી થયેલી અભિનેત્રી જુહી પરમારે પોતાના કરિયર અને પર્સનલ લાઈફમાં એક લાંબી સ્ટ્રગલ જોઈ છે. હમણાં થોડા અરસા પહેલા જ જુહીની વેબ સીરિઝ 'મેરી ફેમિલી'ની સિઝન-૩ નું એક ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ શરૂ થયું.
ટીવી સીરિયલોમાં રિગ્રેસીવ કન્ટેન્ટ (પછાત દ્રષ્ટિકોણ ધરાવતી સ્ટોરીઝ) જ બતાવાય છે એવા આક્ષેપમાં કેટલી સચ્ચાઈ છે?' એ બાબત તે કહે છે કે, એટલું ખરું કે ટીવી સીરિયલોમાં સ્ટોરી ટેલિંગની ઢબ જુદી હોય છે કારણ કે ટીવીની ટાર્ગેટ ઓડિયન્સ અલગ હોય છે અને એને ધ્યાનમાં રાખીને જ સીરિયલોની સ્ક્રિપ્ટ લખાય છે. મારી સીરિયલ કુમકુમની જ વાત કરું તો એમાં વિધવા પુનર્લગ્નનો વિષય છેડાયો હતો. સીરિયલમાં ૨૧ વરસની યુવાન છોકરીના કપાળનો ચાંદલો ભૂંસાઈ જાય અને એના દિયર સાથે જ એના પુનર્વિવાહ થાય એવું બતાવવું નાનીસૂની વાત નહોતી, પણ અમે સીરિયલમાં એ બતાવ્યું હતું. એ જ રીતે 'મેરે ડેડ કી દુલ્હન' નામની એક સીરિયલ પણ બની જેમાં વયસ્ક વયના સ્ત્રી-પુરુષ એકબીજાના પ્રેમમાં પડે છે. ઈન શોર્ટ ટીવી પર પ્રોગેસિવ શૉઝ પણ આવ્યા છે, પણ લોકોએ રિગ્રેસીવ કન્ટેન્ટ વધુ યાદ રાખી છે. મૈં ટીવી કો ન કમ સમજતી હું ઔર ન રિગ્રેસીવ. ટીવી તો મારું ઘર છે, મારો ગઢ છે અને હું ટીવીની વકીલ છું.'
વેબ-સીરિઝ 'યે મેરી ફેમિલી'ના કેન્દ્રમાં પરિવાર છે. તેના મતે અને અનુભવે આજના દોરમાં પરિવારનું કેટલું મહત્ત્વ છે?' એ વિશે જૂહી કહે છે કે, 'સાચુ પૂછો તો મારા જીવનનો આધાર જ. મારું કુટુંબ છે. હું મારી જિંદગીમાં ઘણાં અનુભવોમાંથી પસાર થઈ છું અને એના પરથી મને એક વાત સમજાઈ ગઈ કે તમારી લાઈફમાં ગમે એટલા લોકો આવે અને તમે ધારો એટલા નવા સંબંધો બનાવી લો, પરંતુ તમે પાછા ફરીને જેમની પાસે આવો છો એ તમારો પરિવાર જ હોય છે. એટલા માટે કે ત્યાં તમારા મૂળિયા છે. કુટુંબ ક્યારેય તમને છોડીને જતુ નથી. બાકી, ફેમિલી વિના તો હું મારી લાઈફની કલ્પના પણ નથી કરી શકતી. મારું સુખ, મારી ખુશી એમની સાથે જ જોડાયેલી છે. મારા પેરેન્ટ્સ, મારો દિયર અને મારી દીકરી મજામાં તો હું પણ મજામાં. કુટુંબ સિવાય કોઈ સંબંધ કાયમી નથી એટલું સમજી લો.'
જુહી પરમાર પોતાના થાઈરોઈડ વિશે જણાવે છે કે,'થાઇરોઈડ એક મુશ્કેલ તબક્કો હતો. છ મહિનામાં મારું વેઇટ ઘણું બધુ વધી ગયું હતું, જે ઉતારતા ધોળે દિવસે તારા દેખાઈ ગયા, પરંતુ મારી લાઈફની સૌથી મુશ્કેલ ઘડી એ હતી જ્યારે મેં ડિવોર્સનો નિર્ણય લીધો. મૈં મારી પુત્રીના સિંગલ પેરેન્ટ બનવાનું પસંદ કર્યું. મનમાં સંકલ્પ કર્યો કે હવે બધો દારોમદાર મારા પર જ છે અને મારે હવે એકલા જ જીવનપથ કાપવાનો છે. મારા માટે એ કોઈ અગ્નિ પરીક્ષાથી કમ કસૈટી નહોતી, પણ એમાં તપીને જ હું એક વધુ સારી અને મજબુત વ્યક્તિ બની શકી છું. આજે મનમાં કોઈ ફરિયાદ કે અફસોસ નથી. પાછળ વળીને ક્યારેક જોઉં છું તો પોતાને શાબાશી આપવાનું મન થાય છે.'
દીકરી સમાયરા હવે ૧૧ વરસની થઈ ગઈ છે. એ વિશે કહે છે કે , મારા મોમ-ડેડ મારી કરોડરજ્જુ પણ છે અને આધાર-સ્થંભ પણ છે. એમના જોરે જ હું સિંગલ પેરન્ટની જર્ની પાર કરી રહી છું. મા-બાપે મને ક્યારેય એવું લાગવા જ નથી દીધું કે હું એકલી છું. ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે મારા જેવા સંજોગોમાંથી પસાર થનાર દરેક સ્ત્રીને એના પરિવારનો પૂરેપૂરો સપોર્ટ મળે. કોઈ વ્યક્તિ પોતાના સંતાનની સિંગલ પેરેન્ટ બનવા નથી ઇચ્છતી, પરંતુ સંજોગો એવો આકાર લે છે કે તમારે એ માર્ગ પસંદ કરવો પડે છે. એમાં જો તમને માતા-પિતાનો સપોર્ટ મળે તો તમારી મુશ્કેલી આસાન બની જાય છે.'
સ્ત્રીઓ સાથે થતા કેવા વ્યવહાર સામે તમને સૌથી વધુ વાંધો છે?' જુહી પરમારનો ઉત્તર શોર્ટ છે, પણ સોલિડ છે, 'મને એક જ વાત સામે સૌથી વધુ વાંધો છે અને એ છે લોકોનું ઇન્સ્ટન્ટ જજમેન્ટ. સ્ત્રીઓ માટે લોકો બહુ જલદી અને સહેલાઈથી એવું જજમેન્ટ લઈ લે છે કે એ રોંગ છે.
કોઈ પણ પરિસ્થિતિમાં એને જ દોષી ગણાવી દેવાય છે. મૈં હમણા વિમેન્સ ડે પર એવી પોસ્ટ મૂકી હતી કે સ્ત્રી જેવી છે એવી જ એને રહેવા દો. એને પડવા દો, બેઠા થવા દો અને આકાશમાં ઊંચે ઊંચે ઉડવા દો.'