તુષાર કપૂર હવે નેગેટીવ રોલ્સ પર હાથ અજમાવશે

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
તુષાર કપૂર હવે નેગેટીવ રોલ્સ પર હાથ અજમાવશે 1 - image


ફિ લ્મો અને વેબ-સિરીઝના કોન્ટેન્ટમાં એટલી વરાઈટી આવી ગઈ છે કે લગભગ દરેક એક્ટરે પોતાનું કરીઅર ટકાવી રાખવા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે છે. દર્શકો હવે એકટ્રોને એકના એક રોલમાં જોવા નથી માગતા એટલે એક્ટરોએ પોતાની રેન્જ લંબાવ્યા વિના છુટતો નથી. એનો તાજો દાખલો તુષાર કપૂર છે. 'ગોલમાલ' ફ્રેન્ચાઈસી અને 'ઢોલ'માં કોમિક રોલ માટે જાણીતો જિતેન્દ્રનો પુત્ર હવે એક ગ્રે શેડવાળા કેરેક્ટરમાં આવી રહ્યો છે. તુષાર પોતાની ડેબ્યુ વેબ ફિલ્મ 'ડન્ક : વન્સ બિટ્ટન ટવાઈસ શાય'માં વકીલના રોલમાં છે, જેમાં ઘણા નેગેટિવ શેડ્સ છે.

અભિષેક જયસ્વાલએ ડિરેક્ટ કરેલી ફિલ્મ વિશે વાત કરતા ૪૭ વરસનો તુષાર કહે છે, 'અમારી આખી ટીમ માટે આ એક પેશન પ્રોજેક્ટ છે. એની સ્ટોરીમાં ડ્રામા, ક્રાઈમ અને એક સારા સોશિયલ મેસેજનું મિશ્રણ છે. મેં ફિલ્મમાં એક યુનિક કરેક્ટર ભજવ્યું છે. એ મારા કમ્ફર્ટ ઝોનની બહાર હોવાથી હું કરવા પ્રેરાયો. વકીલનો રોલ કરવો મારા માટે એક નવી ચેલેન્જ છે. હું આ નવા પ્રદેશમાં ખેડાણ કરવા આતુર છું.'

ચાલીસીમાં પ્રવેશ્યા બાદ વધુ મેચ્યોર બનેલો કપૂર જુદા જુદા કેરેકટર્સ ભજવી પોતાની કોમિકલ રોલની સ્પેશિયાલિટિમાંથી બહાર આવવા થનગની રહ્યો છે. 'હું સભાનપણે એકલા નૉન-કોમિક રોલ્સ જ કરવા ધારું છું એવું પણ નથી, પરંતુ ડન્ક જેવો કોઈ રોલ ઓફર થાય તો હું એ કરવા મારી જાતને એક્ટર તરીકે ચેલેન્જ કરું છું. દાખલા તરીકે, 'ખાકી' (૨૦૦૪), 'શોર ઈન ધ સિટી' (૨૦૧૦) અથવા 'શૂટ આઉટ'ની મારી ભૂમિકા મને મારા કમ્ફર્ટ ઝોનની બહાર લઈ આવી અને લોકોએ નોંધ્યું કે હું કંઈક અલગ કરી શકું છું.'

અલબત્ત, નવું કરવાના જોશ અને ઉત્સાહમાં તુષાર પોતાની વિશ-લિસ્ટમાંથી કોમિક રોલને જાકારો નથી આપવા ઇચ્છતો. 'હું હંમેશા આવા રોલ્સની કદર કરી એમના પ્રત્યે ખાસ પ્રકારની લાગણી રાખીશ, કારણ કે એમણે મને દર્શકોમાં સ્વીકૃતિ અપાવી છે અને મારી ઓળખ  ઊભી કરી છે. મારો આ મત કદાપી બદલાશે નહીં,' એવા શબ્દોમાં અભિનેતા પોતાનું વલણ સ્પષ્ટ કરે છે. 


Google NewsGoogle News