પત્તો મળ્યો છે... કિરણ રાવનો .
- સિનેમા એક્સપ્રેસ - શિશિર રામાવત
એ ક સાવ સાધારણ ઘરની છોકરી. માતા બંગાળી ને પિતા તેલુગુભાષી. મા કોલકાતામાં એક સ્કૂલમાં ટીચર તરીકે જોબ કરે અને પિતાની કોઈ કંપનીમાં માર્કેટિંગની નોકરી. છોકરી દુબળી-પાતળી ને શ્યામળી. દેખાવમાં જરાય રૂપાળી કે ક્યુટ નહીં. એ છોકરીએ સપનામાં પણ વિચાર્યું હશે ખરું કે એક દિવસ એનાં લગ્ન દેશના સુપરડુપર સ્ટાર આમિર ખાન સાથે થશે? એનાં મમ્મી-પપ્પાએ પણ કલ્પના સુધ્ધાં કરી હશે ખરી કે એક દિવસ 'ધ આમિર ખાન' એમનો જમાઈ બનશે? જિંદગીની ગતિ ખરેખર અકળ અને અણધારી હોય છે.
વાત થઈ રહી છે કિરણ રાવની. આજકાલ એણે ડિરેક્ટ કરેલી ફિલ્મ 'લાપત્તા લેડીઝ' ખાસ્સી ચર્ચામાં છે. ઓડિયન્સ અને ચાંપલા રિવ્યુઅરો બન્નેને આ ફિલ્મ ગમી ગઈ છે. એટલેસ્તો ફિલ્મ રિલીઝ થઈ તે વાતને ત્રણ અઠવાડિયાં વીતી ગયાં પછીય થિયેટરોમાં તે મસ્ત ચાલી રહી છે. સાધારણ બજેટમાં બનેલી અને સાવ અજાણ્યા એક્ટરોવાળી આ ફિલ્મ વર્ડ-ઓફ-માઉથના જોરે સફળ થઈ રહી છે. 'લાપત્તા લેડીઝ' કિરણની બીજી ફિલ્મ. એની પહેલી ફિલ્મ 'ધોબીઘાટ' છેક ૨૦૧૧માં આવી હતી. બન્ને ફિલ્મો પર નજર કરતાં સમજાય છે કે કિરણને નાની, ઇન્ટિમેટ, અંગત અને સીધાંસાદાં પાત્રોવાળી ફિલ્મો બનાવવામાં વધારે ફાવટ અને રસ છે. એ વાત અલગ છે કે એણે 'લગાન', 'સ્વદેસ' જેવી મોટા ગજાની ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તેમજ 'તલાશ', 'દંગલ', 'લાલસિંહ ચઢ્ઢા' જેવી આમિર ખાન પ્રોડક્શન્સની હાઇ પ્રોફાઇલ ફિલ્મોમાં અસોસિયેટ પ્રોડયુસર તરીકે કામ કર્યું છે.
કિરણ એકવીસ વર્ષની થઈ ત્યારે એનો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો હતો. ફૂડ સાયન્સીસમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ એ દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયામાં ફિલ્મમેકિંગનું ભણવા લાગી. ચોવીસ વર્ષની ઉંમરે એણે કરીઅરની શરૂઆત 'લગાન'ની સેકન્ડ કે થર્ડ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી. કિરણ એક ઇન્ટરવ્યુમાં કહે છે, 'મને બરાબર યાદ છે, અમે લોકો શૂટિંગ કરવા માટે મુંબઈથી ટ્રેનમાં પહેલાં ગાંધીધામ ગયા હતા ને ત્યાંથી ભુજ. આખા રસ્તે અમે મસ્ત ગાઠિયાં ને થેપલાં ઝાપટયાં હતા...'
કિરણની આમિર ખાન સાથે સૌથી પહેલી મુલાકાત 'લગાન' (૨૦૦૧)ના સેટ પર જ થઈ હતી. તે વખતે આમિરની પહેલી પત્ની રીના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર તરીકે સક્રિય હતી. આશુતોષ ગોવારીકરના આસિસ્ટન્ટ તરીકે કિરણની જવાબદારી રહેતી, ઢગલોએક કલાકારોને સમયસર કોસ્ચ્યુમ પહેરાવીને મેકઅપ સાથે તૈયાર રાખવાની. 'મારો આખો દિવસ મેકઅપ રૂમમાં જ જતો,' કિરણ કહે છે, 'મને થાય કે હું ફિલ્મમેકિંગનું આટલું બધું ભણી છું ને અહીં મારો બધો સમય મેકઅપરૂમમાં જ પસાર થાય છે. મને શૂટિંગ જોવાનો કે મોનિટર પાસે ઊભા રહેવાનો મોકો પણ મળતો નહોતો. ખેર, 'લગાન'ના અનુભવમાંથી હું ઘણું શીખી.'
૨૦૦૨માં આમિર-રીનાના ડિવોર્સ થયા. એના ત્રણ વર્ષ પછી, ૨૦૦૫માં, આમિરે કિરણ સાથે લગ્ન કર્યાં. બન્ને વચ્ચે સ્વસ્થ દોસ્તી તો હતી જ. લગ્ન કરતાં પહેલાં બન્ને લિવ-ઇન પાર્ટનર્સ તરીકે સાથે રહ્યાં કે જેથી તેઓ એકમેક સાથે ખરેખર કમ્પેટિબલ છે કે કેમ એની ખાતરી થઈ શકે. મિસિસ આમિર ખાન બન્યા પછી છ વર્ષે, ૨૦૧૧માં, કિરણે ડિરેક્ટર તરીકે સ્વતંત્રપણે પોતાની પહેલી ફિલ્મ 'ધોબીઘાટ' બનાવી. કિરણ મુંબઈમાં ભાડાના ઘણાં ઘરોમાં રહી છે. આ શહેરમાં એને ઘાટઘાટના પાણી પીધેલા જાતજાતના લોકો સાથે પનારો પડયો છે. 'ધોબીઘાટ'માં એના આ સઘળા અનુભવોનું પ્રતિબિંબ ઝીલાયું છે. ફિલ્મમાં આમિરે પણ એક રોલ કર્યો છે. 'ધોબીઘાટ' કંઈ મેઇનસ્ટ્રીમ કમર્શિયલ ફિલ્મ નહોતી. જે ઓડિયન્સ માટે તે બનાવવામાં આવી હતી તેના તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો.
અપેક્ષા તો એવી હતી કે 'ધોબીઘાટ' ફિરણની ડિરેક્ટોરિઅલ ગાડી સડસડાટ ચાલી નીકળશે. એવું બન્યું નહીં. કિરણની પહેલી અને બીજી ફિલ્મ વચ્ચે પણ ૧૩ વર્ષનો લાંબો અંતરાલ પસાર થઈ ગયો. આ ગાળામાં, અલબત્ત, એ મમ્મી તરીકેનો અસલી રોલ નિભાવી રહી હતી. ૨૦૧૧માં સરોગસી દ્વારા દીકરાનો જન્મ થયો. એને નામ આપવામાં આવ્યું, આઝાદ. આમિર ખાન પ્રોડક્શન્સની જુદી જુદી ફિલ્મો ઉપરાંત 'સત્યમેવ જયતે' ટીવી શો, 'રુબરુ રોશની' ડોક્યુમેન્ટરી ઉપરાંત પાની ફાઉન્ડેશનના કામકાજમાં કિરણ પતિદેવ સાથે સક્રિયપણે સહભાગી રહી.
પુરૂષોના આધિપત્યની
વિરુદ્ધ સ્થિતિ છે, સમાનતા
'એકચ્યુઅલી, 'લાપત્તા લેડીઝ'નો આઇડિયા મને આમિર તરફથી મળ્યો હતો,' કિરણ કહે છે, 'બન્યું એવું કે આમિર એક સ્ક્રિપ્ટરાઇટિંગ કોમ્પિટીશનમાં જજ બનેલો. રાજકુમાર હિરાણી અને અંજુમ રજબ અલી પણ નિર્ણાયકોની પેનલમાં સામેલ હતા. એક દિવસ ઘરે આવીને આમિર કહેઃ શું મસ્ત સ્ટોરી છે... વાહ! એ વિપ્લવ ગોસ્વામી નામના લેખકે સબમિટ કરેલી સ્ક્રિપ્ટની વાત કરી રહ્યો હતો. એણે મને ટૂંકમાં કથાબીજ કહી સંભળાવ્યું. એક વરરાજો ટ્રેનમાં પોતાની દુલ્હન સાથે જઈ રહ્યો છે. રાત્રે એ ઘુંઘટ ઓઢેલી સ્ત્રીનો હાથ પકડીને ટ્રેનમાંથી ઉતરીને એને પોતાના ઘરે લઈ જાય છે. ઘુંઘટ ઉઠાવીને જુએ છે તો ખબર પડે છે કે દુલ્હન તો બદલાઈ ગઈ છે! તે વખતે ફિલ્મનું ટાઇટલ હતું, 'ટુ બ્રાઇડ્સ'. મને આ કોન્સેપ્ટમાં રસ પડયો ને એ રીતે પ્રોસેસ શરૂ થઈ.'
મૂળ સ્ક્રિપ્ટ પ્રમાણમાં ગંભીર હતી. એમાં પેટ્રિઆકી (પિતૃસત્તાત્મકતા, પુરૂષોના આધિપત્યવાળો અભિગમ) ઉપર તીખી ટિપ્પણી થઈ હતી. કિરણને લાગ્યું કે આ વિષયમાં રમૂજ અને વ્યંગ માટે ખાસ્સો અવકાશ છે. આથી ગુજરાતી રંગભૂમિ અને હિન્દી ટેલીવિઝન પર નોંધપાત્ર કામ કરનાર સ્નેહા દેસાઈને સામેલ કરવામાં આવ્યાં. સ્નેહાએ નવેસરથી ડ્રાફ્ટ લખ્યો. એમાં ભોજપુરી ભાષાનો વઘાર કરવા માટે ઓર એક લેખકને લાવવામાં આવ્યા. એમણે પોલીસ ઇન્સપેક્ટરના પાત્રને તદ્દન નવો જ ઓપ આપ્યો. આ રીતે સ્ક્રિપ્ટ તૈયાર થઈ. તદ્ન અજાણ્યા કલાકારોને ઓડિશનની પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવ્યા. પોલીસ અધિકારીના રોલ માટે આમિરનો વિચાર કરવામાં આવ્યો હતો. ઇન ફેક્ટ, આમિરે ઓડિશન પણ આપ્યું હતું ને ઓડિશનમાં એ પાસ પણ થઈ ગયો હતો! પણ કિરણને લાગ્યું કે આમિરનું સ્ટારડમ એટલું વજનદાર છે કે તેેને કારણે આખી ફિલ્મનું સંતુલન તૂટી જાય છે. આથી એણે આમિરને ના પાડીને રવિ કિશનની વરણી કરી. લોકડાઉન દરમિયાન ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું ને આ મહિનાના પ્રારંભમાં ફિલ્મ રિલીઝ પણ થઈ ગઈ. ચારે દિશાઓમાંથી પ્રશંસાના સૂર સંભળાઈ રહ્યા છે એટલે કિરણ ખુશ ખુશ છે.
'લાપત્તા લેડીઝ'નું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન કિરણના અંગત જીવનમાં મોટો વળાંક આવ્યો. ૨૦૨૧માં એણે અને આમિરે ડિવોર્સ લીધા. કાયદેસર રીતે નોખાં પડયાં પછી પણ તેમની વચ્ચે મૈત્રી અને હૂંફ અકબંધ છે. એનું એક કારણ એ પણ છે કે તેમની વચ્ચે આઝાદ નામનો એક મજબૂત સેતુ છે. જોઈએ, કિરણની ત્રીજી ફિલ્મ હવે જલદી આવે છે કે ફરી પાછો એક લાંબો ક્રિયેટિવ ખાલીપો ઊભો થાય છે.