Get The App

ટુ સર... વિથ લવ: જયદીપ અહલાવત

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
ટુ સર... વિથ લવ: જયદીપ અહલાવત 1 - image


- 'અરવિંદ સર મેરે ફેવરિટ થે ઔર મૈં ઉનકા ફેવરિટ સ્ટુડન્ટ થા. અરવિંદ સર અમારા લોજિકને સમજવાનો પ્રયાસ કરતા. એમણે જ અમને સમજાવ્યું કે ગુડ એક્ટિંગ કે બેડ એક્ટિંગ જેવું કશું હોતું નથી'

બ હુ ગણ્યાંગાંઠયા એકટર્સ પોઝિટિવ રોલમાં હોય કે નેગેટિવ, દર્શકોને એકસરખા સ્પર્શી જાય છે. તેઓ સ્ક્રીન પર એક્ટર મટીને પાત્ર બની જાય છે અને એટલે જ ઓડિયન્સ પર અમીટ છાપ છોડી શકે છે. જયદીપ અહલાવતનું કામકાજ આવું જ છે. 'રાઝી', 'પાતાલ લોક', 'જાનેજાં' અને 'મહારાજ' જયદીપની એક્ટિંગ રેન્જની અને અભિનયકળા પરના એના કમાન્ડની ગવાહી આપે છે.

 હરિયાણાના રોહતક શહેરના આ વતનીએ પૂણેની પ્રતિષ્ઠિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)માં એક્ટિંગની તાલિમ લીધી છે. ઇન્સ્ટિટયૂટમાં રાજકુમાર રાવ અને વિજય વર્મા એના બેચમેટ્સ હતા.

પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે અહલાવતે પોતાની લાઈફ અને કરીઅરમાં મહત્ત્વનો રોલ ભજવનાર બે ટીચર્સને બહુ પ્રેમ અને આદર સાથે યાદ કર્યા. 'બે વ્યક્તિ છે જેમણે મારું ઘડતર કર્યું. એમણે મારા જીવનમાં પોઝિટિવ પ્રભાવ પાડયો. મારી એક્ટિંગ કરીઅરની વાત કરું તો મારે મારા પ્રથમ ગુરુ સુનીલ ચિત્કારનો ઉલ્લેખ કરવો ઘટે. મારી જેમ તેઓ પણ હરિયાણાથી આવે છે અને હવે દિલ્હી રહે છે. સુનીલ સરે મને થિયેટરનો પરિચય કરાવ્યો અને સ્ટેજ ઉપર કઈ રીતે ચાલવું એ શીખવ્યું. શુરુઆત કા જો અભિનય મૈંને શીખા વો ઉન્હીં સે. હું એફટીઆઇઆઇમાં ગયો એ પહેલાં મને એક્ટિંગનાં બેઝિક્સ શીખવનાર તેઓ હતા,' આ કહેતી વખતે જયદીપના અવાજમાં ભીનાશ આવી જાય છે.

ફિલ્મ ઇન્સ્ટિટયૂટમાં વિવિધ વર્કશોપ્સ અને ગિફ્ટેડ આર્ટિસ્ટો સાથેના મેલ-મિલાપથી જયદીપની ટેલેન્ટમાં નિખાર આવ્યો. એમાંથી એક નામ એની સ્મૃતિમાં આજે પણ અંકાયેલું છે. 'મારા પર એફટીઆઈઆઈમાં જબરદસ્ત પ્રભાવ પાડનાર કોઈ ટીચર હોય તો એ હતા અરવિંદ પાંડે સર. તેઓ પોતાના સ્ટુડન્ટ્સને અભિનયના મૂળભૂત પાઠ પર ફોકસ કરવા પ્રેરતા, જે એક્ટર માટે સૌથી અગત્યની બાબત છે. અભિનયમાં ફેન્સી ગિમિક્સ ઉમેર્યા પહેલાં તમારે તમારા ફન્ડા મજબૂત બનાવવા પડે. અરવિંદ સરે અમને જુદાં જુદાં કેરેકટર્સને કઈ રીતે આકાર આપવો, સીન કઈ રીતે બિલ્ડ કરવો અને ટીમવર્ક કેટલું મહત્ત્વનું છે એ શીખવ્યું. તેઓ કહેતા કે આર્ટિસ્ટે પોતાના કેરેકટર્સ બિલ્ડ કરવામાં અને એના બેકગ્રાઉન્ડની ઝલક દેખાડવા પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરવો પડે. આ બધી વાતો કદાચ સ્ક્રિપ્ટમાં ન પણ હોય, પરંતુ તમારે એ ઉમેરવી પડે. સ્ટોરીને વધુ તર્કસંગત બનાવવા એ જરૂરી છે. અરવિંદ સર મેરે ફેવરિટ થે ઔર મૈં ઉનકા ફેવરિટ સ્ટુડન્ટ થા. પછીથી અમે શશાંક ખૈતાનની 'અજીબ દાસ્તાન્સ'માં સાથે કામ કર્યું હતું,' જયદીપ ભાવપૂર્વક કહે છે.

એક્ટિંગ ઉપરાંત જયદીપને અરવિન્દ પાંડે પાસેથી એક બીજો બોધપાઠ પણ શીખવા મળ્યા. એ હતો સામી વ્યક્તિના દ્રષ્ટિકોણને સાંભળવો અને સમજવો. એ લાઈફ લેસનને ડિટેલમાં સમજાવતા એક્ટર કહે છે, 'મેં સરને કદી ગુસ્સે થતાં જોયા નહોતા. તેઓ એક એવા અનોખા એક્ટિંગ ટીચર હતા જે પોતાના સ્ટુડન્ટ્સના કોઈ પાત્રને કઈ રીતે આત્મસાત કરવું એ વિશેના મંતવ્યો અને વિચારોને કદી ફગાવી નહોતા દેતા. તેઓ તમારી ચોઇસ અને લોજિકને સમજવાનો પ્રયાસ કરતા તેમણે મને એ સમજાવ્યું કે ગુડ એક્ટિંગ કે બેડ એક્ટિંગ જેવું કશું હોતું નથી.'  

જયદીપ બોલિવુડમાં ઢગલામોઢે સફળતા મેળવ્યા બાદ પણ પોતાની માતૃસંસ્થાને ભૂલ્યો નથી. એ એક્ટર બનવા ઇચ્છતા યંગસ્ટર્સનો જુસ્સો વધારવા અવારનવાર એફટીઆઇઆઇની મુલાકાત લેતો રહે છે. એ તાલિમાર્થીઓને એક જ વાત કહે છે, 'ગલતીયાં કરને સે મત ડરો. તમને પર્ફોર્મ કરતાં કોણ જોઈ રહ્યું છે એ વિશે સભાન ન રહો. ફિલ્મ ઇન્સ્ટિટયૂટમાંનો તમારો સમય તમને શક્ય એટલી ભૂલો કરવાની અમૂલ્ય તક આપે છે. કામ કરવાનું શરૂ કર્યા પછી તમને લાઈફમાં ફરી આવી તક મળવાની નથી એટલું યાદ રાખો.' 


Google NewsGoogle News