છાયા કદમના બન્ને હાથમાં લાડવા
નાના બજેટની બે ફિલ્મો ૨૦૨૪માં ભારતીય સિનેમા માટે મશાલચી બનીને આવી છે. એક છે પાયલ કાપડિયાની 'ઓલ વીટ ઇમેજિન એઝ લાઇટ' અને બીજી છે કિરણ રાવની 'લાપત્તા લેડીઝ.' આ બન્ને દેશ-વિદેશમાં વખણાયેલી મૂવીઝનું ડિરેક્શન સ્ત્રીઓએ કર્યું છે અને બન્નેના કેન્દ્રમાં સ્ટ્રોંગ મહિલા પાત્રો છે. એ પૈકી ઓલ વી ઇમેજિન એજ લાઇટ (એડબ્લ્યુઆઇએએલ)ને પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સને બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ મોશન પિક્ચર (નોન-ઇંગ્લિશ ફિલ્મ)ના બે નોમિનેશન્સ મળ્યા છે. જ્યારે લાપત્તા લેડીઝ ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે ઓસ્કારમાં પહોંચી છે. આ બન્ને ઠેરઠેર પ્રશંસા પામેલી ફિલ્મોમાં એક વાત કોમન છે. બન્નેમાં છાયા કદમ મહત્ત્વના રોલમાં છે. હાલમાં એક ઇવેન્ટમાં છાયાએ પોતાની બન્ને લેન્ડમાર્ક મૂવીઝ વિશે મિડીયા સાથે અલપઝલપ ગોષ્ઠી કરી. ૨૦૨૪ પોતાના માટે હેપનિંગ યર બની ગયંપ હોવાનું માનતી છાયા કહે છે, '૨૦૨૩ મારા માટે શુકનિયાળ નહોતું, એ વરસે મેં મારી માતાની છત્રછાયા ગુમાવી. મારા માટે આ મોટો આઘાત હતો અને મને મનોમન એવું લાગતું કે મારી લાઇફ કાંઈ સારું નથી બની રહ્યું, પરંતુ ૨૦૨૪ના આગમન સાથે જ બધું બદલાઈ ગયું. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એડબ્લ્યુઆઇએએલને પ્રેસ્ટિજિયસ ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડની નવાજેશ થઈ અને લાપત્તા લેડીઝનું ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે સિલેક્શન થયું અને હવે એડબ્લ્યુઆઇએએલને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં એકને બદલે વગરના બબ્બે નોમિનેશન્સ મળ્યા છે. આ વરસ લિટરલી બોલીવૂડ ફિલ્મ જેવું બની ગયું છે, આવરસ લિટરલી બોલીવૂડ ફિલ્મ જેવું બની ગયું છે, જેમાં દરેક સીનમાં કાંઈકને કાંઈક સારું બનતું જાય છે.'
પોતાના આનંદ અને ઓપિનિયનને વધુ વ્યાપક લેવલ પર લઈ જતા એક્ટ્રેસ ઉમેરે છે, 'મારું એવું માનવું છે કે ભારતીય સિનેમા અને એની સાથે જોડાયેલી સ્ત્રીઓ માટે આ બહુ મહત્ત્વનું વરસ બની રહ્યું છે.
આ બન્ને પ્રશંસનીય ફિલ્મો અને અત્યાર સુધી એમણે મેળવેલી સિદ્ધિઓનો હિસ્સો બનવા બદલ હું ગર્વ અનુભવું છું. હવે ઓસ્કાર કે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ભલે ગમે તે થાય પણ એક વાત નક્કી છે. ભવિષ્યમાં આવી ફિલ્મો બનાવવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે.'
પાયલ કાપડિયાને ગોલ્ડન ગ્લોબમાં બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળે એ માટે દિલથી દુઆ કરતા કદમ કહે છે, 'પાયલ એક અદ્ભુત વ્યક્તિ અને ફિલ્મમેકર છે. ફિલ્મને મળેલા જબરજસ્ત પ્રતિસાદને એ પોતાનું વ્યક્તિગત કીર્તિમાન નથી માનતી. શૂટિંગ દરમિયાન પણ પાયલે બધા સાથે એક સરખો વ્યવહાર કર્યો હતો. કાન્સમાં પણ ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડની ઘોષણા થઈ ત્યારે એ અમને બધાને સાથે લઈને સ્ટેજ પર એવોર્ડ સ્વીકારવા ગઈ હતી. એને લીધે જાણે આખી ટીમનું બહુમાન થયું હોય એવું લાગ્યું.'
વાતચીતને અંતે છાયા બહુ ઓછા લોકો જાણતા હોય એવી વાત શેયર કરતા કહે છે, 'બન્ને ફિલ્મો પોતપોતાની રીતે બ્યુટિફૂલ અને એવોર્ડ્સ મેળવવા માટે હકદાર છે, એથી વધુ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે બન્ને ફિલ્મમેકર્સ એકબીજાને દિલથી સપોર્ટ કરી રહી છે.