કાળા આયનાની આરપાર .
- સિનેમા એક્સપ્રેસ- શિશિર રામાવત
- બ્લેક મિરર
- શું ટેકનોલોજીને એટલી છૂટ આપવી જોઈએ કે તે માણસની સ્મૃતિ સાથે, એના દિમાગ સાથે, એના વ્યક્તિત્વ સાથે આડેધડ છેડછાડ કરી શકે?
'બ્લેક મિરર' વેબ શોના ચાહકોને પાછું ગોળનું ગાડું મળી ગયું છે. થોડા દિવસો પહેલાં જ એની નવીનક્કોર સાતમી સિઝન નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ. ઇંગ્લેન્ડના ટીવી પર ૨૦૧૧થી અને નેટફ્લિક્સ પર ૨૦૧૬થી ચાલી રહેલા આ સાયન્સ ફિક્શન શોને એક મોટો દર્શકવર્ગ સર્વકાલીન શ્રેતમ શો ગણાવે છે. ખરેખર, આટફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટજીપીટીના આ જમાનામાં 'બ્લેક મિરર' વેબ શો આજે જેટલો પ્રસ્તુત છે એટલો અગાઉ ક્યારેય નહોતો. 'બ્લેક મિરર'નો કેન્દ્રિય સૂર જ આ છે: સાવધાન થઈ જાઓ, સતર્ક થઈ જાઓ. નહીં તો આ ટેકનોલોજી તમને ક્યાંયના નહીં છોડે. ટેકનોલોજી પર જો અંકુશ નહીં રહે તો માનવજાત સામે કલ્પના પણ ન થઈ ન શકે તેવી સમસ્યાઓ પેદા થઈ જશે.
'બ્લેક મિરર'ની પ્રત્યેક સિઝનના દરેક એપિસોડમાં નવી વાર્તા. એપિસોડ બદલાય એટલે કલાકારો પણ બદલાય ને બધું જ બદલાય. સળંગ ધારાવાહિક ન હોવા છતાં, આ શોનો જાદુ એવો છે કે, તમને બિન્જ વોચ કરવાનું મન થાય. 'બ્લેક મિરર'ના ચાહકોને એક વાતનો ફફડાટ હતો કે સાતમી સિઝન ક્યાંક છઠ્ઠી સિઝન જેવી પૂરવાર થઈ છે. રોમાંચક ફ્યુચરિસ્ટિક વાર્તાઓ કહેતા આ અફલાતૂન સાયન્સ ફિક્શન શોએ છઠ્ઠી સિઝનનમાં અચાનક હોરર અને સુપરનેચરલ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ જરાય મજા ન આવે એવી વાત હતી. થેન્ક ગોડ, સાતમી સિઝનમાં 'બ્લેક મિરર' શો પાછો પોતાના મૂળ ફોર્મમાં આવી ગયો છે.
સાતમી સિઝનના પહેલા જ એપિસોડનું નામ છે, 'કોમન પીપલ'. એક મધ્યમવર્ગીય યુગલ છે. પતિ ફેક્ટરીમાં વેલ્ડિંગનું કામ કરે છે, પત્ની પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છે. બન્ને ભારે મહેનતુ છે. કમાણી પાંખી છે, સંઘર્ષ પૂરેપૂરો છે, પણ બન્નેને એકબીજા પ્રત્યે ભારોભાર પ્રેમ અને આદર હોવાથી નાણાભીડની વચ્ચે પણ તેઓ આનંદથી રહે છે. એક કાળમુખા દિવસે ખબર પડે છે કે પત્નીને બ્રેઇન ટયુમર છે. પતિ પર વિજળી પડે છે. એને રિવરમાઇન્ડ નામના એક મેડિકલ સ્ટાર્ટઅપ તરફથી વિચિત્ર ઓફર મળે છે. પતિને કહેવામાં આવે છે: જુઓ, અમે તમારી વાઇફની સાવ મફતમાં સર્જરી કરાવી આપીશું. એના દિમાગના કેન્સરવાળા હિસ્સાને કાઢી નાખીને એની જગ્યાએ અમે સિન્થેટિક ટિશ્યુ ફિટ કરી દઈશું. આ સિન્થેટિક ટિશ્યુનું કંટ્રોલિંગ ક્લાઉડ કમ્પ્યુટિંગ દ્વારા થશે. તમારે ફક્ત આટલું કરવાનું છે - તમારે દર મહિને ૩૦૦ ડોલરનું સબસ્ક્રિપ્શન ભરી દેવાનું, બસ. તમે દર મહિને આ લવાજમ ભરતા રહેશો એટલે તમારી વાઇફનું દિમાગ હાઇક્લાસ કામ કરતું રહેશે. પતિ કહે, ભલે.
આ નવી ટેકનોલોજીને પ્રતાપે પત્ની સાજી તો થઈ જાય છે, પણ એણે દિવસના બાર-બાર કલાક ઊંઘતા રહેવું પડે છે. વધારાની કમાણી કરવા માટે પતિ બાપડો ફેક્ટરીમાં ઓવરટાઇમ કરવાનું શરુ કરી દે છે. થોડા મહિના પછી પેલા સ્ટાર્ટઅપવાળા કહે છે: અમે તમને નવું પ્રીમિયમ પેકેજ ઓફર કરી રહ્યા છીએ. એની સબસ્ક્રિપ્શન ફી રહેશે, ૫૦૦ ડોલર. પતિ-પત્ની કહે: ના ના, અમારે પ્રીમિયમ પેકેજની કશી જરૂર નથી, જૂનું પેકેજ બરાબર છે.
...પણ કશું બરાબર નથી. અચાનક સ્ત્રીના સ્કૂલવાળાઓને અને હસબન્ડને ભાન થાય છે કે સ્ત્રી અચાનક કંઈક ભળતુંસળતું બોલવા લાગે છે, જાણે એફએમ રેડિયો પર જાહેરાત ન ચાલતી હોય! ક્લાસના છોકરાઓને ભણાવતાં ભણાવતાં અચાનક એ કોઈક સ્ટેશનરી બ્રાન્ડના વખાણ કરવા લાગે, અમુક ધાર્મિક સંગઠનમાં જોડાઈ જવાની ભલામણ કરવા લાગે, પતિ સાથે સેક્સ કરતી હોય ત્યારે કોઈ કોન્ડોમ કે લુબ્રિકન્ટની તારીફ કરવા લાગે! પતિ-પત્ની પેલા સ્ટાર્ટઅપની ઓફિસે દોડે છે: આ શું થઈ રહ્યું છે? સ્ટાર્ટઅપની ચાંપલી રિપ્રેન્ટેટિવ કહે છે: ના ના, એ તો તમારું સબસ્ક્રિપ્શન બેઝિક છેને એટલે વચ્ચે વચ્ચે આવી 'એડ્સ' આવતી રહેશે. જો તમારે એમાંથી છૂટકારો જોતો હોય તો પ્રીમિયર પેકેજ લઈ લો! બાપડા યુગલે નછૂટકે ૫૦૦ ડોલર માસિક ફીવાળું પેકેજ સબસ્ક્રાઇબ કરવું પડે છે.
તો શું હવે પતિ-પત્નીનું જીવન પાછું નોર્મલ થઈ ગયું? ના રે ના. ઊલટાનો મામલો વધારે ને વધારે બગડતો જાય છે. આખરે એવી ભયાનક પરિસ્થિતિ આવીને ઊભી રહે છે કે... આ સ્ટોરીનો હૃદય ભેદી નાખે એવા એન્ડમાં શું થાય છે એ તમારે જાતે જોઈ લેવાનું છે. આ એપિસોડનો સંદેશો આ છે: શું ટેકનોલોજીને એટલી છૂટ આપવી જોઈએ કે તે માણસની સ્મૃતિ સાથે, એના દિમાગ સાથે, એના વ્યક્તિત્વ સાથે મન ફાવે એમ છેડછાડ કરી શકે?
વિસ્મૃતિ અને વિસંવાદ
બીજા એક સુંદર એપિસોડનું ટાઇટલ છે, 'યુલોજી' (શ્રદ્ધાંજલિ). એક દિવસ ફિલિપ નામના એક વૃદ્ધ માણસને ખબર પડે છે કે એની ભૂતપૂર્વ પ્રેમિકા કેરલનું મૃત્યુ થઈ ગયું છે. કેરલના પરિવારજનો એના માનમાં 'ડિજિટલ સ્મૃતિઘર' બનાવી રહ્યા છે. ફિલિપને વિનંતી કરવામાં આવે છે કે જો તમારી પાસે કેરલના જૂના ફોટોગ્રાફ કે એવું કંઈક પડયું હોય તો અમારી સાથે શેર કરો, અમે એને આ ડિજિટલ સ્મૃતિઘરમાં સ્થાન આપીશું. ફિલિપને ચાંદલા જેવી એક ડિવાઇસ પણ મોકલવામાં આવી છે. આ ડિવાઇસની ખૂબી એ છે કે તે લમણા પર ચોંટાડીને તમે કોઈ પર ફોટોગ્રાફ સામે નજર કરો તો તે તસવીર સાથે સંકળાયેલી યાદો સળવળીને જીવતી થઈ જાય અને તમે એ યાદોમાં રીતસર એન્ટર થઈ શકો! ફિલિપ માળિયે ચડીને કેરલના જૂના ફોટોગ્રાફ્સ, ચિઠ્ઠીઓ વગેરે કાઢે છે. બન્ને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું હતું એટલે ફિલિપના મનમાં કેરલ પ્રત્યે ગુસ્સો હતો. અલગ અલગ ફોટોગ્રાફ્સ જોવાતા જાય છે, દાયકાઓ પહેલાંની તે ક્ષણો પાછી જીવંત બનતી જાય છે અને તે સાથે કંઈકેટલીય સ્મૃતિઓ, વ્યક્ત ન થઈ શકેલી લાગણીઓ, નવાં-જૂનાં સત્યો બહાર આવતાં જાય છે. શું સંબંધ તૂટવા પાછળની સચ્ચાઈ ખરેખર એ જ હતી જે ફિલિપ માનતો હતો? કે વાત કંઈક જુદી જ હતી?
સાચ્ચે, એક સે બઢકર એક કહાણીઓ છે. 'હોટલ રેવેરી'માં બ્લેક-એન્ડ-વ્હાઇટ જમાનાની એક જૂની ફિલ્મને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી રિસ્ટોર કરવામાં આવે છે ને તેમાં આજના જમાનાની એક એક્ટ્રેસને મેઇન રોલ આપવામાં આવે છે. ફિલ્મમાં હવે હીરો કોઈ નથી, બે હિરોઇનો છે અને એ બન્ને જણીયું એકમેકના પ્રેમમાં પડે છે. એઆઇની મદદથી આગળ વધતી ફિલ્મની વાર્તા અને તેના પાત્રો ડિરેક્ટરના અંકુશમાથી છટકી જાય તો શું થાય? ઉત્તર મજેદાર છે. આ સિવાય પણ બીજી ત્રણ વાર્તાઓ છે. કુલ છ વાર્તાના છ એપિસોડ્સ. 'બ્લેક મિરર'ની અગાઉની સિઝનની માફક સાતમી સિઝનની વાર્તાઓના મુખ્ય લેખક પણ ચાર્લી બૂ્રકર છે. જો તમને સાયન્સ અને ટેકનોલોજીમાં, માણસની એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસમાં અને ખાસ તો સુંદર રીતે લખાયેલા, ડિરેક્ટ તેમજ અભિનિત થયેલી ઇમોશનલ કહાણીઓમાં રસ હોય તો આ શો ખાસ જોજો. હાઇલી રિકમન્ડેડ.