Get The App

જેમનો આદર કરતાં હોઇએ તેમની અસર એક્ટિંગમાં અનાયાસે આવેે

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
જેમનો આદર કરતાં હોઇએ તેમની અસર એક્ટિંગમાં અનાયાસે આવેે 1 - image


- પંકજ ત્રિપાઠી

- 'એક વાર ટ્રેનમાં મેં કોઈને સ્ટેશન વિશે પૂછ્યું. એ માણસ કહે, તમારો અવાજ તો પંકજ ત્રિપાઠી જેવો છે. મેં કહ્યું, હું જ પંકજ ત્રિપાઠી છું. એને માન્યામાં જ ન આવ્યું!' 

હિન્દી ફિલ્મોમાં  એક્ટર  તરીકે સફળતા મેળવનારી પંકજ ત્રિપાઠી પાકા બિહારી છે પણ તેમને બંગાળી ફિલ્મો અને બંગાળી ભોજન પ્રત્યે વિશેષ પ્રેમ છે. હિન્દી ફિલ્મોમાં આજે એક અભિનેતા તરીકે ખૂબ વ્યસ્ત થઇ ગયેલાં પંકજ ત્રિપાઠીની કારકિર્દી ફિલ્મી કથાથી જરાય ઓછી રોમાંચક નથી.  

પંકજ ત્રિપાઠી પોતાની કારકિર્દીની શરૂઆતની વાત કરતાં કહે છે,  હું જ્યારે અલીબાગથી માંડવા રોરો ફેરીમાં પહેલીવાર મુંબઇ આવતો હતો ત્યારે આ મોટી બોટના છાપરાં પર ઉભો રહીને મુંબઇની સ્કાયલાઇનને જોતો હતો. હું મારી પત્ની તરફ ફરી જોરથી બોલ્યો હતો, આપણે શા માટે આ વિરાટ શહેરમાં આવ્યા? મને શરૂઆતમાં શંકાઓ હતી પણ અમે આ શહેરમાં ગોઠવાઇ શક્યા તે ખરેખર અજબ જેવી વાત છે. ઘણીવાર તો મને પોતાને ખબર પડતી નથી કે આવું કેવી રીતે બન્યું, પણ હું માનું છું કે આ દૈવી આશિર્વાદ વિના ન બને. મુંબઇમાં રોજ અસંખ્ય કળાકારો તેમની તકદીર અજમાવવા આવે છે. આમ છતાં હું માનું છું કે દરેક જણાંના સંજોગો અલગ અલગ હોવા છતાં તેઓ જે રીતે વર્તે છે તેની અસર પણ તેમના ભાવિ પર પડે છે. 

પોતાની ફિલ્મી સફરની માંડીને વાત કરતાં પંકજ ત્રિપાઠી કહે છે, ૨૪ વર્ષ અગાઉ હું જ્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણતો હતો ત્યારે શર્મિલા ટાગોર એક નાટક જોવા આવ્યા હતા. મેં તેમને આ પ્રસંગે આવકાર્યા પણ હતા. હવે આ બાબત તેમને કદાચ યાદ નહીં હોય પણ હવે મેંગો ટ્રીઝ ફિલ્મમાં મારું કામ જોયા બાદ તેઓ જ્યારે એમ કહે કે પંકજ ત્રિપાઠી મારો પ્રિય અભિનેતા છે ત્યારે મને થાય છે કે આ લાગણીનેે કેવી રીતે અભિવ્યક્ત કરી શકાય? શર્મિલાજી એક સિઝન્ડ એક્ટર છે અને તેઓ કળાકારની પ્રતિભાના પારખું છે. તેમને એક્ટિંગનું ઉંડું જ્ઞાાન છે  અને તેમને એક્ટિંગનો બહોળો અનુભવ છે. આમ આવી વ્યક્તિ જ્યારે મારા કામની પ્રશંસા કરે ત્યારે મારે મોટે એ બહું મોટી વાત બની રહે છે. 

મુંબઇમાં પંકજ ત્રિપાઠી ઘણીવાર રિક્ષા કે મેટ્રોમાં પ્રવાસ કરે છે. તેમાં તેમને જાતજાતના અનુભવ થાય છે. તેઓ એક અનુભવ શેર કરતાં જણાવે છે, એકવાર હું મેટ્રોમાં ટીમના સભ્યો અને અન્ય પ્રવાસીઓ સાથે માસ્ક પહેરીને પ્રવાસ કરતો હતો. એ સમયે મેં સાથી પ્રવાસીને મારા સ્ટેશન બાબતે પૂછ્યું ત્યારે તેણે મારો અવાજ સાંભળીને કહ્યું કે, તમારો અવાજ તો પંકજ ત્રિપાઠી જેવો છે. મેં તેને કહ્યું કે હું પોતે પંકજ ત્રિપાઠી છું ત્યારે તેને પહેલાં તો મારા પર વિશ્વાસ જ ન પડયો. પછી તેણે મેટ્રો સ્ટેશનના અંત સુધી મારી પાછળ પાછળ આવી મારી સાથે ફોટો  લેવાનો આગ્રહ રાખ્યો. આખરે એક એકાંત જગ્યા શોધી તેણે અમારી સાથે ફોટા પાડયા તે પછી મારો છુટકારો થયો. 

પંકજ ત્રિપાઠી જરા અલગ કિસ્મના એક્ટર છે. તેઓ મેઇન સ્ટ્રીમ હિન્દી ફિલ્મો જોવાને બદલે જાત જાતની પ્રાદેશિક ફિલ્મો જોવાનું પસંદ કરે છે. ૨૦૨૩માં આવેલી કડકસિંહ ફિલ્મમાં કામ કર્યા બાદ પંકજ ત્રિપાઠી આ ફિલ્મના નિર્દેશક અનિરૂદ્ધ રોય ચૌધરીના ચાહક બની ગયા છે. બંને વચ્ચે ખાસ દોસ્તી જામી ગઇ છે. પંકજ કહે છે, ટોની દા એટલે કે અનિરૂદ્ધ રોય ચૌધરી એક અસામાન્ય ફિલ્મમેકર અને લેખક છે. કડકસિંહના શૂટિંગ દરમ્યાન અમારો સંબંધ બંધાયો હતો.ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં જ અમને બંનેને જબરદસ્ત મજા પડે છે તેના આધારે આ નાતો એવો બંધાયેલો છે કે આજેે પણ અમે એકમેકના સંપર્કમાં છીએ. ટોની દા ઉપરાંત મને બંગાળીમાં કૌશિક ગાંગુલીનું કામ પણ ગમે છે. બંગાળીમાં શિવપ્રસાદ મુકર્જી અને નંદિતા રોયની ૨૦૧૮માં  આવેલી ફિલ્મ હામી પણ મને ગમી હતી. બુદ્ધદેવ દાસગુપ્તા પણ મારા ફેવરિટ નિર્દેશક છે. મને તેમનું કામ ગમે છે. મને લાગે છે કે આગલા જન્મમાં બંગાળ સાથે મારું કોઇ કનેકશન હશે. કેમ કે મને તેમનું ભોજન પણ ખૂબ ગમે છે. એક સાચાં બંગાળીની જેમ મને પણ ફિલ્મ ફેસ્ટિવલ્સ, ત્યાંની સોનેરી ધરતી અને તેમના ભોજનની મોજ માણવાની ગમે છે. દિગ્દર્શક અને અભિનેતાના રસના વિષયો સરખાં હોય ત્યારે તેમની વચ્ચે એક નાતો બંધાય છે. અને તેમાંથી સહજ રીતે વાતો ચાલતી રહે છે. 

પોતે હવે ફિલ્મોની પસંદગી બાબતે સભાન બન્યા છે તેની વાત કરતાં પંકજ ત્રિપાઠી કહે છે, એક સમયે નાણાં સારાં મળતાં હોય તો હું  પ્રમાણમાં નબળાં રોલ પણ સ્વીકારી લેતો હતો. પણ હવે હું ભૂમિકામાં દમ ન હોય તે કરવાની ના પાડી દઉંં છું. આમાં ચાવી એ છે કે તમે કોઇપણ કામને રસપ્રદ બનાવી શકો છો. ભૂમિકામાં દમ ન હોય તો પણ તમે તેમાં તમારી રીતે ઉમેરો કરી તેને રોમાંચક બનાવી શકો છો. આખરે તો ભૂમિકા કેવી રીતે નિભાવવી એ આપણાં પર નિર્ભર હોય છે. પોતાની એક્ટિંગ વિશેની વાત આગળ વધારતાં પંકજ ત્રિપાઠી કહે છે, કોઇની નકલ કરવાથી તમે ક્યાંય પહોંચી શકતાં નથી. લોકો જ્યારે મારી પાસે ધરાર સલાહ માંગે ત્યારે હું તેમને કહેતો હોઉં છું કે મારી કે બીજા કોઇની પણ નકલ ન કરશો પણ તમારી જાતને શોધો. એક્ટિંગમાં આપણે જાણેઅજાણે  જે અભિનેતાઓને આદર આપતાં હોઇએ છીએ તેમની નકલ થઇ જતી હોય છે. મહત્વની બાબત એ છે કે આપણે એ સમજવું જોઇએ કે તેઓ કોણ છે અને તેમણે આ સિદ્ધિઓ કેવી રીતે મેળવી છે. તેઓ તેમના અભિનયથી કેવી રીતે ધારી અસર ઉપજાવે છે તે સમજવું જોઇએ. પછી તમારામાં રહેલી અદ્વિતિય બાબતને શોધી તેને કામમાં સામેલ કરી તેના દ્વારા તમારી પ્રતિભાને નિખારવી જોઇએ. આ બધાંમાં તમારી ઓરિજિનાલિટી સમાયેલી હોય છે. 

પણ પોતે હવે નવોદિતોને શીખ આપતાં નથી તેમ કહી પંકજ ત્રિપાઠી ઉમેરે છે, ભૂતકાળમાં હું દરેક જગ્યાએ સલાહો આપ્યા કરતો હતો પણ હવે કોઇને સલાહ આપતો નથી. તમે માંગો કે ન માંગો સલાહો આજકાલ બંધે સૂર્ય પ્રકાશની જેમે પથરાયેલી જોવા મળે છે. વેલ સેઇડ, પંકજબાબુ!  


Google NewsGoogle News