રહેમાન જૈસા કોઈ નહીં! .
- સિનેમા એક્સપ્રેસ - શિશિર રામાવત
- એ.આર. રહેમાન
આ ૬ જાન્યુઆરીએ આખા ભારતના ફેવરિટ મ્યુઝિક કંપોઝર અલ્લા રખા રહેમાન, જેમને આપણે એ.આર. રહેમાન તરીકે ઓળખીએ છીએ (મૂળ નામ: એ.એસ. દિલીપકુમાર), તેઓ ૫૮ વર્ષ પૂરાં કરી ૫૯મા વર્ષમાં પ્રવેશ્યા. બે ઓસ્કર અવોર્ડ, બે ગ્રેમી અવોર્ડ અને છ-છ નેશનલ અવોર્ડ જીતીને બેઠેલા રહેમાન આ ઉંમરે એમની કારકિર્દીના શિખર પર છે. આગલાં વીસ વર્ષ સુધી તેઓ ધીમા કે ઢીલા પડવાના નથી. રહેમાનની કારકિર્દીની શરૂઆત થઈ મણિ રત્નમની ફિલ્મ 'રોજા' (૧૯૯૨)થી. આજે ૩૩ વર્ષ પછી પણ આપણે 'રોજા'નાં ગીતોના પ્રેમમાં છીએ. આવો, એ.આર. રહેમાનને પોતાની કારકિર્દીની સૌથી પહેલી ફિલ્મ 'રોજા' કેવી રીતે મળી અને આ ફિલ્મ કેવી રીતે બની તે વિશે વિગતે વાત કરીએ.
'રોજા'નું બજેટ પાંખું હતું. હીરો અરવિંદ સ્વામીની આ બીજી જ ફિલ્મ. હિરોઈન મધુ 'ફૂલ ઔર કાંટે'સહિત અલગ અલગ ભાષાઓની પાંચેક જેટલી ફિલ્મો કરી ચુકી હતી.
મણિ રત્નમે ખરો માસ્ટર સ્ટ્રોક ફ્ટકાર્યો સંગીતકારની પસંદગીમાં. એમની અગાઉની બઘી ફિલ્મો માટે દક્ષિણમાં બહુ મોટું નામ ધરાવતા અને પોતાના કઝિન એવા ઇલિયારાજાએ સંગીત આપ્યું હતું, પણ 'રોજા' માટે મણિસરને અલગ પ્રકારના સાઉન્ડ્સ જોઈતા હતા. એમનો ભેટો એ. આર. રહેમાન નામના છવ્વીસ વર્ષના અજાણ્યા છોકરા સાથે થયો, જે તે વખતે ટીવીની જાહેરાતો માટે જિંગલ્સ ઉપરાંત ડોકયુમેન્ટરી માટે સંગીત કમ્પોઝ કરતો હતો. ફિલ્મો માટે સંગીત તૈયાર કરવાનો એને સહેજ પણ અનુભવ નહોતો. પોતાનાં કામની નાનકડી ઝલક આપતી એક ડેમોન્સ્ટ્રેશન ટેપ રહેમાને મણિસરને મોકલી આપેલી. તે મ્યુઝિકલ પીસની પહેલી જ નોટ સાંભળતા મણિ રત્નમ ટટ્ટાર થઈ ગયા. તેઓ રહેમાનના મ્યુઝિક સ્ટુડિયો પર પહોંચી ગયા. રહેમાને થોડાં વધારે કમ્પોઝિશન્સ સંભળાવ્યાં, જે એમણે ખરેખર તો જુદી જુદી એડ્સ માટે કે બીજા કલાયન્ટ્સ માટે તૈયાર કર્યાં હતાં. મણિ રત્નમને ખાતરી થઈ ગઈ કે આ છોકરાના સંગીતમાં કંઈક અલગ જ જાદુ છે. એમણે નક્કી કરી નાખ્યું: રહેમાન ભલે સાવ નવો નિશાળીયો રહૃાો, પણ 'રોજા'માં સંગીત તો એ જ પીરસશે!
'આ છોકરો આગળ જતાં બહુ મોટી હસ્તી બનશે કે એવા કશા જ વિચારો હું તે વખતે કરતો નહોતો,' મણિ રત્નમ એક ઇન્ટરવ્યુમાં કહે છે, 'મને બસ એક જ વસ્તુ સાથે મતલબ હતો અને તે એ કે 'રોજા' માટે એ કેવું સંગીત કમ્પોઝ કરે છે. મેં જોયું કે ચીલાચાલુ ઢાંચાની બહાર આવીને કામ કરવા માટે એ તૈયાર છે. એને કશુંક અલગ કરવું હતું. હું લકી કહેવાઉં કે મને કરેકટ ટાઈમે કરેક્ટ માણસ મળી ગયો.'
મણિ રત્નમ પર હવે આક્ષેપ થાય છે કે તેઓ પોતાની ફ્લ્મિોમાં એ.આર. રહેમાનને જ રિપીટ કર્યા કરે છે. આના જવાબમાં મણિ રત્નમ કહે છે, 'રહેમાન એવો સંગીતકાર છે, જે તમારી અપેક્ષા કરતાંય વધારે આઉટપુટ આપશે. રહેમાન સાથે વારે વારે કામ કરવાનું કારણ અમારું કર્મ્ફ્ટ ઝોન નથી. જે રીતે ફ્લ્મિનો એક નિશ્ચિત સૂર નક્કી કરવો પડે તેમ ફિલ્મના સંગીતનો પણ એક ટોન પકડવો પડે. અમે બન્ને એકબીજાની ક્રિયેટિવિટીને તીક્ષ્ણ બનાવી શકીએ છીએ, એકમેકને વધારે સારું પરફોર્મ કરવા માટે પુશ કરીએ છીએ. રહેમાન સાથેનું મારું અસોસિયેશન ખૂબ ફળદાયી રહૃાું છે.'
'રોજા' માટે સિનેમેટોગ્રાફી કરવાનું કામ સુપર ટેલેન્ટેડ સંતોષ સિવનને સોંપવામાં આવ્યું. મણિ રત્નમ કહે છે, 'ફ્લ્મિ બનાવતી વખતે ડિરેક્ટરનો સૌથી નિકટનો કોઈ સાથી જો કોઈ હોય તો એ સિનેમેટોગ્રાફર છે. એ કંઈ માત્ર લાઈટિંગ અને કેમેરા એંગલ જ સંભાળતો નથી, આખેઆખી ફ્લ્મિ બરાબર બની રહી છે કે કેમ તે સુનિશ્ચિત કરવામાં પણ એ મને મદદ કરે છે. મારે કોઈને કશુંક પૂછવું હોય કે કોઈનો અભિપ્રાય જાણવો હોય તો સૌથી પહેલાં હું સિનેમેટોગ્રાફરને પૂછું છું. એકટરોનો અભિનય સૂરમાં છે કે કેમ તેની ચર્ચા પણ હું સિનેમેટોગ્રાફ્ર સાથે કરું છું. જેમ ફિલ્મ બનાવતી વખતે સૌથી નિકટનો સાથી સિનેમેટોગ્રાફર છે તેમ ફ્લ્મિ બની ગયા પછી સૌથી નિકટ એડિટર હોય છે. મને એવા સાથીદારોની જરૂર હોય છે જે મારા કરતાં કશુંક અલગ વિચારી શકતા હોય, જે મારી વસ્તુમાં નવું ઉમેરી શકતા હોય. અમે બધા એકમેકને પૂરક હોવા જોઈએ.'
આ ફિલ્મ તો અસહ્ય છે!
મજા જુઓ. 'રોજા'માં કાશ્મીરના આતંકવાદની વાત છે, પણ ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં થયું નથી. એ વખતે ત્રાસવાદીઓએ એવો ઉપાડો લીધો હતો કે મણિ રત્નમની ઇચ્છા હોવા છતાં નછૂટકે શૂટિંગ કુનૂર, ઉટી, મનાલી વગેરે સ્થળોએ કરવું પડયું. એક સાચુકલા એન્જિનીયરને કાશ્મીરી આતંકવાદીઓ ઉઠાવી ગયા હતા અને એની પત્નીએ ટેરરિસ્ટોને ઉદ્દેશીને ખુલ્લો પત્ર લખ્યો હતો તે ઘટનામાંથી મણિ રત્નમને 'રોજા'નું વિચારબીજ સાંપડયું હતું તે સાચું, પણ ફિલ્મ લખતી વખતે એમના મનમાં સત્યવાન-સાવિત્રીની વાર્તા રમતી હતી. 'રોજા' એ આધુનિક સાવિત્રી જ છેને! પૌરાણિક કથાની સાવિત્રી યમદેવ પાસેથી પોતાના પતિને પાછો લઈ આવે છે, જ્યારે અહીં મધુ જમ જેવા આતંકવાદીઓની ચુંગાલમાંથી અરવિંદ સ્વામીને છોડાવી લાવે છે.
તમિલ ભાષામાં બનેલી આ ફ્લ્મિ હિન્દીમાં ડબ થઈ એમાં એક મોટી ગરબડ થઈ ગઈ. મૂળ ફિલ્મમાં ભાષાભેદનો અને કમ્યુનિકેશન ગેપનો મુદ્દો ખૂબ સરસ રીતે ઊપસ્યો છે. મધુને તમિલ સિવાય કોઈ ભાષા આવડતી ન હોવાથી એ કાશ્મીરમાં મિલિટરીના સાહેબોને અને અન્ય લાગતાવળગતા હિંદીભાષી લોકો સાથે સીધો સંવાદ કરી શકતી નથી. ફિલ્મની હિન્દીમાં ડબ થઈ એટલે મધુ સહિત તમામ પાત્રોના સંવાદો હિન્દીમાં રૂપાંતરિત થઈ ગયા અને કમ્યુનિકેશન પ્રોબ્લેમવાળા આખા મુદ્દાનો છેદ ઊડી ગયો. આથી હિન્દી 'રોજા'માં અમુક દશ્યો વિચિત્ર લાગે છે. આમ છતાં આખી ફિલ્મ એટલી પાવરફુલ છે કે આપણને આ ક્ષતિ નડતી નથી.
'રોજા' બની. રિલીઝ થઈ. મણિ રત્નમને સૌથી પહેલો ફોન ગુરૂ-કમ-પ્રોડયુસર કે. બાલાચંદરનો આવ્યો. સાહેબ ધૂંઆફૂંઆ થતા બોલ્યા: મણિ, મેં થિયેટરમાં ઓડિયન્સનાં રિએકશન જોયાં. દેશભકિતવાળા સીનમાં લોકો સીટ પરથી ઊભા કેમ થતા નથી? થવા જોઈએ! ઊભા થઈને તાળીઓ પાડવી જોઈએ. આનો મતલબ એ કે તારી ફિલ્મ કાચી રહી ગઈ છે!
બીજું રિએકશન મણિ રત્નમના ફિલ્મમેકર ફ્રેન્ડ રામગોપાલ વર્માનું આવ્યું. કહે: મણિ, તારી ફ્લ્મિ તો અસહૃા છે. હું તે અધૂરી છોડીને થિયેટરની બહાર ભાગી ગયો. શા માટે? કદાચ વર્માજીને લાગ્યું કે મણિ રત્નમે ફિલ્મમાં લાઉડ દેશભકિતનો અતિરેક કરી નાખ્યો છે. આ હતા મણિ રત્નમને મળેલા 'રોજા'ના સૌથી પહેલા બે પ્રતિભાવ! એ વખતે કે. બાલાચંદર કે રામગોપલ વર્મા તો શું, મણિ રત્નમે પણ સપને નહીં વિચાર્યું હોય કે 'રોજા' ભારતની પહેલી પેન ઇન્ડિયન ફિલ્મ બનીને દેશભરમાં તરખાટ મચાવીને ઓલટાઈમ કલાસિક બની જવાની છે... અને એમાં સંગીત પીરસનાર એ.આર. રહેમાન નામનો પેલો છોકરડો ભવિષ્યમાં વર્લ્ડક્લાસ મ્યુઝિશિયન બની જવાનો છે! આવનારા મહિનાઓમાં આપણે વિકી કૌશલવાળી 'છાવા', રાજકુમાર સંતોષીની 'લાહોર ૧૯૪૭', મણિ રત્નમની 'ઠગ લાઇફ', નીતિશ તિવારીની 'રામાયણ' અને આનંદ એલ. રાયની 'તેરે ઈશ્ક મેં'જેવી ફિલ્મોમાં રહેમાનનું સંગીત માણીશું. જલસો જ જલસો!