સ્ત્રી-પુરૂષના પ્રેમ કરતાં વધુ જટિલ બીજું કશું નથી : પ્રતીક ગાંધી
- ગાંધીજી સાથે પ્રતીકનો વિશેષ સંબંધ છે. એણે 'મોહનનો મસાલો' નામનું નાટક તો કર્યું જ છે - જે હિન્દી તથા અંગ્રેજીમાં પણ ભજવાય છે - અને હવે એ ગાંધીજી પર બની રહેલી આખેઆખી વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે.
- 'મેં 'મડગાંવ એક્સપ્રેસ'ના દિગ્દર્શક કુનાલ ખેમુને વિનંતી એ હતી કે પ્લીઝ, કોમેડી કરવા માટે આપણે હિન્દી શબ્દોના વિકૃત ગુજરાતી ઉચ્ચારો નહીં કરીએ, અને ગુજરાતીઓની કથિત લાક્ષાણિકતાઓ પર જોક નહીં મારીએ. બધા ગુજરાતીઓ કંઈ વિચિત્ર રીતે હિન્દી બોલતા નથી. અમારા ડાઈનિંગ ટેબલ પર કંઈ રોજેરોજ ખાખરા અને ઢોકળા હોતા નથી!'
'વિ શ્વને અત્યારે જો કોઈ મહાપુરૂષની સૌથી વધારે જરૂર હોય તો તે છે, મહાત્મા ગાંધી...'
પ્રતીક ગાંધી જ્યારે આવું નિવેદન આપે ત્યારે એને ગંભીરતાથી લેવાનું મન થાય, કારણ કે ગાંઘીજી સાથે પ્રતીકનો વિશેષ સંબંધ છે. એણે 'મોહનનો મસાલો' નામનું ગુજરાતી નાટક તો કર્યું જ છે (જે હિન્દી અને અંગ્રેજીમાં પણ ભજવાય છે), પણ હવે એ ગાંધીજી પર બની રહેલી આખેઆખી વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે. નજીકના ભવિષ્યમાં અમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થનારા આ બિગ બજેટ ઇન્ટરનેશનલ શોના ડિરેક્ટર છે, હંસલ મહેતા. પ્રતીક અને હંસલ મહેતાની જોડી અગાઉ 'સ્કેમ ૧૯૯૨' જેવો સુપરહિટ શો આપી ચૂક્યા છે. હવે તેઓ સાથે મળીને ગાંધીને ડિજિટલ સ્ક્રીન પર પેશ કરવાના છે. પ્રતીક ગાંધીને ગાંધીજી જેટલા ફળ્યા છે એટલા એની પેઢીના બીજા કોઈ એક્ટરને નથી ફળ્યા!
પ્રતીક આજકાલ એની ફિલ્મો માટે વિશેષપણે ન્યુઝમાં છે. એની બે હિન્દી ફિલ્મો તાજેતરમાં બેક-ટુ-બેક રિલીઝ થઈ - 'મડગાંવ એક્સપ્રેસ' અને 'દો ઔર દો પ્યાર'. પહેલી આઉટ-એન્ડ-આઉટ કોમેડી છે, જ્યારે બીજી લગ્નબાહ્ય સંબંધો જેવા ગંભીર મુદ્દાની વાત કરતી રોમેન્ટિક કોમેડી છે. 'દો ઔર દો પ્યાર'માં પ્રતીક 'ધ વિદ્યા બાલન'નો હીરો બન્યો છે. ફિલ્મના પ્રમોશન માટે બન્નેએ સાથે મળીને ઢગલાબંધ ઇન્ટરવ્યુ આપ્યા હતાં. ફિલ્મ બોક્સઓફિસ પર ધમાલ ભલે મચાવી ન શકી, પણ પ્રતીકના અભિનયના ભરપૂર વખાણ થયા છે. 'મડગાંવ એક્સપ્રેસ'ની વાત કરીએ તો, ઘણાના મતે આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ જ પ્રતીક ગાંધી છે.
રંગભૂમિને વરેલા પ્રતીક ગાંધી માટે ઘણું ખૂબ ઝડપથી બદલાઈ ગયું છે. એ મુંબઈમાં કાંદિવલીનું ઘર ખાલી કરીને હવે જુહુ રહેવા ગયો છે. તેનું એપાર્ટમેન્ટ અમિતાભ બચ્ચનના બંગલાથી થોડુંક જ દૂર છે. એના પર ફિલ્મો અને શોઝની ઓફરનો વરસાદ વરસી રહ્યો છે. 'સાચું કહું, મારે હજુ કમસે કમ પચ્ચીસ જેટલી સ્ક્રિપ્ટ્સ વાચંવાની બાકી છે,' પ્રતીક કહે છે, 'મારું કેલેન્ડર શૂટિંગ, શોઝ અને જુદી જુદી ઇવેન્ટ્સથી ચક્કાજામ છે. આમ છતાંય રંગભૂમિ મારો પહેલો પ્રેમ છે, અને મનોજ શાહે ડિરેક્ટ કરેલાં નાટકો માટે હું કોઈ પણ રીતે સમય સમય ચોરી જ લઉં છું. થિયેટર મને શાંત રાખે છે, મને સંતોષ આપે છે. રંગભૂમિને કારણે મારા પગ જમીન પર જડાયેલા રહે છે. મારા માટે સ્ટેજ પર હોવું હંમેશા એક થેરાપી સમાન રહ્યું છે.'
કોઈ પણ કલાકાર માટે વિષયની પસંદગી હમંશા ચાવીરૂપ બની રહે છે. પ્રતીક કહે છે, 'હું બાક્સ આફિસના ગણિતમાં પડતો જ નથી. આ પ્રયોગોનો વ્યવસાય છે અને આ પ્રયોગો પ્રામાણિકપણે જ કરવા પડે. 'મડગાંવ એક્સપ્રેસ'માં કામેડીનું લાઉડ વર્ઝન છે. આમ છતાંય મેં એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે એક એક્ટર તરીકે હું લાઉડ ન બની જાઉં. દિગ્દર્શક કૃણાલ ખેમુને મેં વિનંતી એ હતી કે પ્લીઝ, કોમેડી કરવા માટે આપણે હિન્દી શબ્દોના વિકૃત ગુજરાતી ઉચ્ચારો નહીં કરીએ કે ગુજરાતીઓની કથિત લાક્ષાણિકતાઓ પર જોક નહીં મારીએ. બધા ગુજરાતીઓ કંઈ હિન્દી શબ્દોના વિચિત્ર ઉચ્ચારો કરતા નથી. અમારા ડાઈનિંગ ટેબલ પર કંઈ રોજેરોજ ખાખરા અને ઢોકળા હોતા નથી!'
'દો ઔર દો પ્યાર'માં પણ ભરપૂર કોમેડી છે, પણ તેનું સ્વરૂપ અલગ છે. પ્રતીક કહે છે, 'આ ફિલ્મ તમને હસાવે પણ છે અને ઇમોશનલ પણ બનાવી દે છે. સાચ્ચે, ી-પુરૂષના પ્રેમ કરતાં વધુ જટિલ બીજું કશું નથી.'
પ્રતીકના ચાહકોને હવે 'ગાંધી' વેબ શોની પ્રતીક્ષા છે. એની આગામી ફિલ્મો પણ કંઈક હટકે હોવાની એવી આશા પણ હંમેશા રહે છે.