ઇરાનિયન એલ્નાઝ નૌરોઝીના કામની નોંધ લેવાઈ ખરી
- 'પહેલાં લોકો મને એક વિદેશી મોડલ તરીકે જ જોતા હતા. લોકો મારી મજાક ઉડાડતા. મારે મહામહેનતે બધાને ખાતરી કરાવવી પડી કે હું હિન્દી બોલી, લખી અને વાંચી શકું છું.'
ઈરાની મૂળની એક્ટ્રેસ એલ્નાઝ નૌરોઝી અત્યાર સુધી પોતાની એક મોડલને છાજે એવી હાઈટ અને બ્યુટી માટે જાણીતી હતી. એ ઇરાનથી એક્ટર બનવા આવી, પણ કોઈ એને ગંભીરતાથી લેતું નહોતું, પણ ડિજિટલ પ્લેટફોર્મ પર ઝોયા અખ્તર એન્ડ પાર્ટી દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ 'મેઈડ ઈન હેવન-૨'નું સ્ટ્રીમિંગ શરૂ થતાં જ ચિત્ર બદલાઈ ગયું છે. આ સિરીઝમાં એલ્નાઝના રોલના ખાસ્સા વખાણ થઈ રહ્યા છે. શૉના એક એપિસોડમાં એલ્નાઝ એક સુપરમોડલ-કમ-હિરોઈન લૈલા બની છે, જેનાં એક ખૂબસૂરત ફ્રેન્ચ ટાપુ પર બોલિવુડ સ્ટાર (પુલકિત સમ્રાટ) સાથે લગ્ન લેવાય છે.
પોતાના કામની પ્રશંસાથી ખુશ ખુશ થઈ ગયેલી મિસ નૌરોઝી કહે છે, 'આથી વધુ હું શું માગી શકું? મારા માટે આ સિરીઝ મોટું શુકન બનીને આવી છે. શોમાં મારો મસ્ત રોલ છે. મારા માટે આ ભૂમિકા એકદમ અનુકૂળ બની ગઈ. 'મેઈડ ઈન હેવન-૨'ની સ્ક્રિપ્ટમાં મારું પાત્ર ઈરાનિયન તરીકે નહોતું લખાયું, પણ મેં એ ભજવ્યા પછી એ ઈરાની કેરેક્ટર બની ગયું. મને એ વાત સૌથી વધુ ગમી. આ રોલ ભજવવા મેં મારી લાઈફના સાચુકલા અનુભવો અને મારા વતનના માહોલને કામે લગાડયો અને મારો એ પ્રયોગ સફળ થઈ ગયો.'
કલાકારને સફળતા મળ્યા પછી પણ એ પોતાના સ્ટ્રગલિંગ પિરિયડના અનુભવો અને લોકોના કટાક્ષ અને કડવા વેણ ભૂલતો નથી. એલ્નાઝ એમાં અપવાદ નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતાં એ કહે છે, 'પહેલાં લોકો મને એક વિદેશી મોડલ તરીકે જ જોતા હતા. લોકો મારી મજાક ઉડાડતા. મારે મહા-મહેનતે બધાને એવી ખાતરી કરાવવી પડી કે હું હિન્દી બોલી, લખી અને વાંચી શકું છું. ત્યાર પછીનાં વરસો એ પૂરવાર કરવામાં ગયા કે હું ફક્ત એક ટૉલ અને બ્યુટિફુલ મોડલ નથી, હું અભિનય પણ કરી જાણું છું. તમે નહીં માનો પણ મુંબઈના પ્રોડયુસર-ડિરેક્ટરો મને મળવા તૈયાર નહોતા. મને મારું નામ બદલીને એને ઈન્ડિયન લાગે એવું બનાવવા પણ કહેવાયું. એ બધા વચ્ચે હું મારી જાતને સમજાવતી રહી કે તું જેવી છો એવી છો. તારે તારી જાત સાથે પ્રામાણિક રહેવાનું છે. બીજાના કહેવાથી બદલાવાનું નથી. એક દિવસ એવી જરૂર આવશે કે લોકો જાણશે કે આ એલ્નાઝ નૌરોઝી કોણ છે.'
પોતાના ભૂતકાળની ભડાસ કાઢ્યા પછી આશાસ્પદ વર્તમાનમાં પાછી ફરી પોતાને 'મેઈડ ઈન હેવન'નો રોલ કઈ રીતે મળ્યો. એ વિશે ઇન્ટરેસ્ટિંગ વાત કરતા મિસ નૌરોઝી કહે છે, 'કોણ માનશે કે મને આ રોલ જર્મનીમાં મારી હૉટલ રૂમમાં મળ્યો હતો. કોરોના અને લોકડાઉનને કારણે હું જર્મનીમાં અટવાઈ હતી. એ જ વખતે 'મેઈડ ઈન હેવન-૨'ની સિઝન માટે ઓડિશન લેવાઈ રહ્યાં હતાં. મેં પણ મારી ટેપ મોકલી. સાચું કહું તો મને રતિભાર આશા નહોતી કે ટેપ સાંભળીને મને કોઈ બોલાવશે. મેં તો આમ જ ટેપ મોકલી દીધી, પણ મારા આશ્ચર્ય વચ્ચે ઝોયાને મારું ઓડિશન ગમ્યું અને મારા નસીબ આડેનું પાંદડું ખસી ગયું.'
એન્લાઝ ઈરાની હોવા છતાં એના અમુક વિચારો ભારતીય સ્ત્રીઓ જેવા જ છે. જેમ કે, એ ઇન્ડિયન વુમનની જેમ માને છે કે પતિ-પત્નીની જોડી સ્વર્ગમાં ભગવાન જ બનાવે છે. શાદી વિશેના પોતાનો ખ્યાલ શેર કરતા એકટ્રેસ કહે છે, 'આય લવ ધ આઇડિયા ઓફ મેરેજ. હું ચોક્કસપણે પરણવા ઇચ્છું છું. હું રિયલ લાઈફ બ્રાઈડ (નવવધૂ) બનવા ધારું છું. મારું પાંચ દિવસનું જલસાદાર ડેસ્ટિનેશન વેડિંગ હશે અને એને બધા વરસો સુધી યાદ કરશે.'