નીના ગુપ્તાની અજબ દાસ્તાનઃ આઇરિશ કોફીથી સ્ટારડમ સુધી

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
નીના ગુપ્તાની અજબ દાસ્તાનઃ આઇરિશ કોફીથી સ્ટારડમ સુધી 1 - image


- ફિલ્મોમાં તમારા કામ પર ક્યારે અને કેટલું એડિટિંગ થઈ જાય તેની જાણ પણ નથી થતી. એનાથી વિપરીત સ્ટેજ પર તમે તમારી મરજી મુજબ અભિનય કરી શકો છો.

ભારતીય સિનેમાની આઈકન નીના ગુપ્તાએ પૃથ્વી થિયેટરની કલાત્મક દીવાલો વચ્ચે પોતાની એક્ટિંગની સફર શરૂ કરી હતી. પૃથ્વી થિયેટરનો મંચ ઊભરતા કલાકારોનું માનીતો મંચ રહ્યો છે. તાજેતરમાં પૃથ્વી ફેસ્ટિવલ ખાતે એક સ્ટેજ ટોક સેશન દરમ્યાન ભૂતકાળની યાદોમાં સરી પડેલી નીના ગુપ્તાએ તેની ઉજળી કારકિર્દી કેવી રીતે શરૂ થઈ તેનાં સંસ્મરણો તાજા કર્યાં.

નીના યાદ કરે છે કે એ સમયે હું એનએસડી (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા)ની ટોળકીનો હિસ્સો હતી અને અમે નાટકો દરમ્યાન ટેલન્ટની શોધમાં આવતા નિર્માતાઓ અને દિગ્દર્શકોનું ધ્યાન ખેંચવાની આશા રાખતા પૃથ્વી થિયેટરમાં આંટા મારતાં. અહીં જ મારી મુલાકાત એડ ફિલ્મોના માસ્ટર ગણાતા પ્રહ્લાદ કક્કર સાથે થઈ. તેઓ કેફેનું પણ સંચાલન કરતા હતા. તેમણે મને એડ ફિલ્મોમાં તક આપી તેમજ તેમની કેફેમાં કામ કરવાની પણ મંજૂરી આપી. અહીં જ હું પ્રખ્યાત આઈરિશ કોફી બનાવતા શીખી, જે એ સમયે ખૂબ જ લોકપ્રિય હતી. એટલું જ નહિ પણ પ્રહ્લાદને પણ મેં મારા બેંગન ભર્તાથી પ્રભાવિત કર્યા જેના પરિણામે મને મફત ડિનરની ઓફર કરાતી. 

પણ નીનાની ફિલ્મી સફર આસાન નહોતી. તેનાં માતાપિતા હિન્દી સિનેમામાં કામ કરવાના વિરોધી હતા. તેમની પ્રાથમિક્તા અંગ્રેજી ફિલ્મો હતી. આમ છતાં ૧૯૮૨માં આવેલી 'આધારશિલા'માં પોતાને મોટા પડદે જોઈને નીનાની ફિલ્મોમાં કામ કરવાની મક્કમતા વધુ પ્રબળ બની. નીના કહે છે કે મને સિનેમા તરફથી ખેંચાણ થતું હતું.

અભિનયની શરૂઆત થિયેટરથી કરનારી નીનાને પોતાની વધુ ઊંચાઈને કારણે હાઈસ્કૂલ દરમ્યાન પુરુષોના રોલ જ આપવામાં આવતા. તેના શરમાળ સ્વભાવને કારણે તે મુખ્ય રોલ માગવાથી દૂર જ રહી, પણ રિહર્સલ કરતી વખતે તેને અહેસાસ થતો કે અન્ય કલાકારો કરતા તે વધુ પ્રભાવશાળી હતી. તેને પ્રથમ મુખ્ય ભૂમિકા 'આધે અધૂરે' નાટકમાં મળી.

નીના ગુપ્તાને થિયેટરનું આકર્ષણ વધુ હતું, કારણ કે અહીં સ્ટેજ પર કલાકારની મરજી ચાલતી. નીના કહે છે કે સ્ટેજ પર હું રાજા હોઉં છું. મારા પરફોર્મન્સ સાથે કોઈ કાપકૂપ નથી કરી શકતા. તમારી સામે જ તમારું આકલન કરવા દર્શકો બેઠા હોય છે. આ વિચાર જ ધૂ્રજારી અપાવનારો છે, પણ આ જ તો એક કલાકારની ખરી કસોટી  છે.

નીના ગુપ્તા માને છે કે ફિલ્મોમાં તમારા કામ પર ક્યારે અને કેટલું એડિટિંગ થઈ જાય તેની જાણ પણ નથી થતી. એનાથી વિપરીત સ્ટેજ પર તમે તમારી મરજી મુજબ અભિનય કરી શકો છો.

નીનાનો પથ પડકારો વિનાનો નહોતો. ૧૯૮૨માં આવેલી ફિલ્મ 'સાથ સાથ'થી તે કોમેડી રોલમાં ટાઈપ થઈ ગઈ. એ જ સમયે ગિરિશ કર્નાડે આ બાબતનું ભવિષ્ય કથન પણ કર્યું હતું જે થોડો વખત માટે ખરું પણ સાબિત થયું. તેને લાંબા સમય સુધી કોમેડી રોલ જ ઓફર થયા હતા. ૨૦૧૮માં આવેલી 'બધાઈ હો'માં તેને બિલકુલ અલગ જ પ્રકારની ભૂમિકા મળી જેમાં દિગ્દર્શક અમિત શર્માએ તેને ખૂબ જ પ્રોત્સાહિત કરી.

વિવિધ ભૂમિકા ભજવવાની ઈચ્છુક નીનાને આજના યુગમાં યુવાન ન હોવાનો અફસોસ થઈ રહ્યો છે. તેના મતે આજે સિનેમાનો વ્યાપ વધુ વિસ્તર્યો છે. નીના કહે છે મારે કોમેડી, રોમેન્ટિક અને એક્શન રોલ પણ કરવા છે. મને ડબલ રોલની પણ ઝંખના છે. હવે તેની કારકિર્દી એવા તબક્કે આવી છે જ્યાં તે અણગણતા રોલ નકારી પણ શકે. આવી સ્વતંત્રતા અગાઉ તેણે નહોતી ભોગવી.

આમ પૃથ્વી થિયેટરમાં જેનાં બીજ રોપાયાં હતાં તેવી નીના ગુપ્તાની અભિનય કારકિર્દી તેની મક્કમતા અને વિવિધ રોલ નિભાવવાની તત્પરતાને કારણે નીરખી છે. કેફેના કિચનથી લઈને વિશાળ સ્ટેજ પર તેની પ્રગતિ મનોરંજનની દુનિયામાં ધગશ અને સાતત્ય કેવા ચમત્કાર સર્જી શકે છે તેનો પુરાવો છે.


Google NewsGoogle News