1000 કરોડ ક્લબનું સત્ય .
- સિનેમા એક્સપ્રેસ - શિશિર રામાવત
'જ વાન' ફિલ્મે ૧૧૪૮ કરોડનો બિઝનેસ કર્યો. 'એનિમલ' ફિલ્મે ૯૧૭ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું ને 'ગદર'એ ૬૯૨ કરોડનું. સિનેમાની જાહેરાતોમાં ને સમાચારોમાં આ પ્રકારની આંકડાબાજી એટલી હદે ઊછળ્યા કરે છે કે હવે સાધારણ દર્શક પર ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શો જોઈને થિયેટરની બહાર આવ્યા પછી ટાંપીને ઊભેલા કેમેરા ક્રૂ સામે એક્સપર્ટની અદાથી બોલે છે: હિટ ફિલ્મ હૈ. કમસે કમ ચારસો કરોડ કા બિઝનેસ કરેગી!
૪૦૦ કરોડનો બિઝનેસ એટલે ખરખર શું? આમ દર્શક એવું માની લેતો હોય છે કેે આ બધ્ધેબધ્ધા ચારસો કરોડ પ્રોડયુસરના બેન્ક અકાઉન્ટમાં જમા થઈ જતા હશે. એવું નથી. 'ઇકોનોમિક પ્રોબ્લેમ્સ ઓફ રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ: અ કેસ સ્ટડી ઓફ ગુજરાતી ફિલ્મ્સ' વિષય પર પીએચ.ડી. કરનાર કાર્તિકેય ભટ્ટ આખી વાતને સરળ કરીને સમજાવી દે છે. સિનેમાઘરો ટિકિટ વેચીને બોક્સ ઓફિસ પર જે આવક કરે તેના ત્રણ ભાગ પડે. એક ભાગ સરકારને ટેક્સ પેટે જાય, બીજો ભાગ મલ્ટિપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરના માલિકને મળે અને ત્રીજો ભાગ ફિલ્મના નિર્માતાને મળે. ધારો કે ફિલ્મની એક ટિકિટનો ભાવ ૧૧૨ રૂપિયા છે. આમાંથી ૧૨ રૂપિયા સરકાર ટેક્સ પેટે જશે. બાકી બચ્યા ૧૦૦ રૂપિયા. તેમાંથી ૨૦થી ૨૫ રૂપિયા થિયેટરનો માલિક સર્વિસ ચાર્જ રૂપે કાપી લેશે. ૨૦ રૂપિયા સર્વિસ ચાર્જ ગણીએ તો પાછળ બચ્યા ૮૦ રૂપિયા. ફિલ્મના નિર્માતા અને થિયેટરના માલિક વચ્ચે આગોતરું શેરિંગ નક્કી થઈ ચૂક્યું હોય છે. ધારો કે આ શેરિંગ ૫૦-૫૦ ટકા છે. તો પેલા બચેલા ૮૦ રૂપિયામાંથી અડધા પ્રોડયુસર લઈ જશે અને અડધા એક્ઝિબિટર (સિનેમાનો માલિક). આમ, ફિલ્મની ટિકિટ હતી ૧૧૨ રૂપિયાની, પણ એમાંથી નિર્માતાના ભાગે તો ફક્ત ૪૦ રૂપિયા જ આવ્યા.
આજકાલ આ શેરિંગ સામાન્યપણે ૬૦:૪૦ હોય છે. આ થયા પહેલા અઠવાડિયાના ભાગલા. ફિલ્મ સદભાગ્યે ચાલી ગઈ તો ત્રીજા વીકથી નિર્માતાને ૪૫ ટકા મળશે અને પાંચમા વીક પછી તો ફક્ત ૨૫ ટકા જ મળશે. બાકીનો ભાગ (વત્તા પેલો સર્વિસ ચાર્જ) થિયેટરનો માલિક લઈ જશે.
'આજની તારીખે ભારતમાં અંદાજે ૯૬૦૦ જેટલાં થિયેટર છે,' કાર્તિકેય ભટ્ટ કહે છે, 'એમાંથી ૬૫૦૦ મલ્ટિપ્લેક્સ અન ૩૦૦૦ સિંગલ સ્ક્રીન છે. હવે યશરાજ - ધર્મા પ્રોડક્શન જેવાં બોલિવુડના મોટાં નિર્માતાઓની વ્યુહરચના શું હોય છે તે જુઓ. તેઓ ધારો કે શાહરૂખ-સલમાન જેવા સ્ટારની ફિલ્મ એકસાથે ૬૦૦૦ સ્ક્રીન પર રિલીઝ કરે છે. એક સ્ક્રીન પર ચાર શો ગણીએ તો રોજના ટોટલ ૨૪ હજાર શોઝ થયા. સરેરાશ એક સ્ક્રીનમાં દીઠ ધારો કે અઢીસો સીટ છે અને ટિકિટનો સરેરાશ ભાવ ૨૦૦ રૂપિયા છે તો (૨૪૦૦૦ ઠ ૨૫૦ ઠ ૨૦૦ =) ૧૨૦ ંકરોડ રૂપિયા એક દિવસની કમાણી થઈ. એટલે કે ફુલ કેપિસિટીમાં ફિલ્મ જોવાય તો સૈદ્ધાંતિક રીતે તે પહેલા જ દિવસે ૧૨૦ કરોડની કમાણી કરી શકે છે. આપણે છાપામાં વાંચીએ કે પહેલા જ અઠવાડિયામાં ફિલ્મે ૧૦૦ કરોડ કમાઈ લીધા. ખરેખર તો તે ૮૪૦ કરોડ કમાઈ શકી હોત, પણ તેના બદલે ફિલ્મે ૧૦૦ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું એટલે કે ફિલ્મે ફર્સ્ટ વીકમાં ફક્ત ૨૦ ટકા જ કમાણી કરી ગણાય!'
આ ૧૦૦ કરોડમાંથીય નિર્માતાના ખિસ્સામાં કેટલા ઓછા પૈસા આવશે તે આપણે લેખની શરૂઆતમાં જ જોયું. તો આ છે હંડ્રેડ અથવા કહો કે થાઉઝન્ડ કરોડ ક્લબનું સત્ય!
પ્રવાસ: બહારનો અને ભીતરનો
દુનિયાભરમાં આખું વર્ષ નાના મોટા અનેક ફિલ્મ ફેસ્ટિવલો યોજાતા રહે છે. ફિલ્મોત્સવોનો મોટો હિસ્સો ઓછું બજેટ ધરાવતી નોન-કમશયલ, એક્સપેરિમેન્ટલ, ઓફબીટ ફિલ્મો રોકે છે. અલબત્ત, જંગી બજેટ ધરાવતી મેઇન્સ્ટ્રીમ ફિલ્મો પણ ટોચના ફિલ્મોત્સવોનો હિસ્સો નિયમિતપણે બનતી જ હોય છે. નવા નિશાળિયાઓથી લઈને મહાન ફિલ્મમેકર્સ સુધીના સૌને ફિલ્મ ફેસ્ટિવલ્સનું આકર્ષણ હોય છે.
અત્યારે આવી જ એક ફેસ્ટિવલ ફિલ્મોની વાત કરવી છે. ટાઇટલ છે એનું 'પ્રવાસ'. શું છે એ ફિલ્મમાં? નાનકડા નગરના એક ગરીબ ઘરનો છોકરો છે (વિશાલ ઠક્કર). ઉંમર હશે દસ-બાર વર્ષ. માતા-પિતા અને મોટી બહેન સાથે ઝૂંપડા જેવા ઘરમાં એ રહે છે. પિતા (જય પંડયા, જે સહનિર્માતા પણ છે) રોજ ખખડધજ સાયકલ પર મજૂરીકામ કરવા જાય છે. મા (કોમલ પંચાલ) જરૂર પડયે પારકાં કામ કરી લે છે. નાણાભીડને કારણે મોટી બહેન (નિમિશા સોની)ની કોલેજની ફી ભરી શકાય તેમ નથી એટલે બાપડીનું ભણતર છોડાવી દેવામાં આવ્યું છે. સદભાગ્યે છોકરો ખૂબ હોશિયાર અને શાર્પ છે. ક્લાસમાં હંમેશા પહેલો નંબર લાવે છે. રમતિયાળ પણ ઘણો.
એક વાર સ્કૂલમાં અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનું આયોજન થાય છે. છોકરાએ કોઈ દિવસ અમદાવાદ જોયું નથી. એને પ્રવાસમાં જવાની ખૂબ હોંશ છે. સ્કૂલના સાહેબ પણ ઇચ્છે છે કે આવા હોશિયાર છોકરાએ તો પ્રવાસમાં આવવું જ જોઈએ. તકલીફ એક જ છે: પૈસા. પ્રવાસના આઠસો રૂપિયા કાઢવા ક્યાંથી? પહેલો નંબર આવ્યો એટલે પાંચસો રૂપિયાનું જે ઇનામ મળ્યું હતું એ તો ઘરના ભાડામાં ખર્ચાઈ ગયા. છોકરો બરાબર જાણે છે કે ઘરમાં બાર સાંધીએ ત્યાં તેર તૂટે એવા હાલત છે ત્યાં મારાં ગરીબ વધારાના આઠસો રૂપિયાનો મેળ ક્યાંથી કરી શકશે? એ ઘરે પ્રવાસની વાત જ કરતો નથી. પોતે શી રીતે પ્રવાસમાં જવાથી બચી શકાય તે માટે જાતજાતની યુક્તિઓ કર્યા કરે છે. ક્યારેક ઓચિંતા માંદો પડી જાય (કે જેથી પ્રવાસની ફી ભરવાની છેલ્લી તારીખ મિસ થઈ જાય), ક્યારેક બીજા ઉદાસીન દોસ્તારોને પ્રવાસમાં જવા માટે પાનો ચડાવે (કે જેની આખી બસ ફુલ થઈ જાય ને કોઈ વેકેન્સી ન બચે), વગેરે. દરમિયાન એના પપ્પાને કોઈક રીતે પ્રવાસ વિશે જાણકારી મળી જાય છે અને પછી....
વિપુલ શર્મા 'પ્રવાસ' નામની આ ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર છે. વિપુલ શર્મા એ ફિલ્મમેકર છે, જેમણે સાવ સાચા અર્થમાં અર્બન ગુજરાતી સિનેમાનો પાયો નાખ્યો હતો, ૨૦૦૭માં. એમની ફિલ્મનું નામ હતું, 'લવ ઇઝ બ્લાઇન્ડ', જેમાં સોનાલી કુલકર્ણી હિરોઈન હતાં. આશિષ કક્કડની 'બેટર હાફ' અને અભિષેક જૈનની 'કેવી રીતે જઈશ?' આ બન્ને ફિલ્મો 'લવ ઇઝ બ્લાઇન્ડ' પછી આવી. 'પ્રવાસ'નું સ્ક્રીનિંગ ખૂબ બધા ફિલ્મોત્સવમાં થઈ ચૂક્યું છે. માસ્ટર ફિલ્મમેકર ગણાતા ઇરાનિયન સર્જક માજિદ મજિદીના અતિથિપદ હેઠળ ઉજવાયેલા ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં, કે જેમાં ૭૦ દેશની ફિલ્મોએ ભાગ લીધો હતો, તેમાં 'પ્રવાસ' બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ તરીકે પોંખાઈ છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ પછીના દુનિયાના બીજા નંબરના સૌથી જૂના મોસ્કો ઇન્ટનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 'પ્રવાસ'નું તાજું તાજું ઓફિશિયલ સિલેક્શન થયું છે.
એક ફેસ્ટિવલ ફિલ્મમાં જોવા મળે તે લગભગ બધા જ ગુણધર્મો - સારા અને નરસા બન્ને - 'પ્રવાસ'માં છે. ફિલ્મનાં અમુક દ્રશ્યો જાણે કોઈ નાટકનું રિહર્સલ ચાલતું હોય તેવી ફીલ આપે, ક્યારેક કથાપ્રવાહ ધીમો પડી જાય, ક્યારેક નરેટિવ રિપીટીટીવ થવા માંડે... પણ આ સહિત પણ 'પ્રવાસ' સમગ્રપણે ગમી જાય છે, ઇવન હૃદયમાં સ્પંદનો પણ પેદા કરે છે. તેનું કારણ છે ફિલ્મનો મેસેજ, અને ખાસ તો, આપણે ધાર્યો ન હોય તેવો અંત. આ પ્રકારની પ્રાયોગિક ફિલ્મોમાંની ઘણી ખરી થિયેટરો સુધી પહોંચી શકતી નથી. ફિલ્મ ફેસ્ટિવલોથી આ ફિલ્મો અને તેના મેકર્સને મોટિવેશન, પોષણ અને સાર્થકતા આ ત્રણેય તત્ત્વો મળે છે, જે મજાની વાત છે.