તૃપ્તિનો તરખાટ આગે આગે દેખિયે હોતા હૈ ક્યા...

Updated: May 24th, 2024


Google NewsGoogle News
તૃપ્તિનો તરખાટ આગે આગે દેખિયે હોતા હૈ ક્યા... 1 - image


- મને ઝઘડા કરવાનું ફાવતું નથી, કેમ કે જેવી હું કંઈક બોલવા માટે મોં ખોલું કે મારી આંખોમાંથી આંસુ દદડવા માંડે છે. મને આ સ્થિતિમાં મુકાવું ગમતું નથી. એટલે હું ઉગ્ર થઈને દલીલબાજી કરવાનું ટાળું છું.' 

'એ નિમલ' ફિલ્મમાં રણબીર કપૂરની પ્રેમિકા બનીને રાતોરાત જાણીતી બની ગયેલી તૃપ્તિ ડિમરી બિઝી બિઝી છે. એની ચારથી પાંચ આગામી ફિલ્મો કતારબદ્ધ ઊભી છે. એક છે, વિકી કૌશલ સાથે 'મેરે મહેબૂબ મેરે સનમ' (ડિરેક્ટર આનંદ તિવારી), પછી કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે 'ભૂલભૂલૈયા-થ્રી' (અનીસ બઝમી), ત્યાર બાદ રાજકુમાર રાવ સાથે 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' (રાજ શાંડિલ્ય) અને 'એનિમલ પાર્ક' તો છે જ. 

તૃપ્તિ આજે ભલે એક સફળ બોલિવુડ સ્ટાર તરીકે પોંખાતી હોય, પણ એણે આ સ્તર પર પહોંચતા પહેલાં પુષ્કળ સંઘર્ષ કર્યો છે. ૨૦૧૭માં 'મોમ' ફિલ્મમાં એ શ્રીદેવી અને નવાઝુદ્દીન સિદ્દિકી  સાથે નાનકડી ભૂમિકામાં દેખાઇ હતી. તે પછી 'પોસ્ટર બોય્ઝ'માં શ્રેયસ તળપદેની પ્રેમિકા બની હતી. ત્યાર બાદ તૃપ્તિને એક પછી એક એમ ત્રણ મોટી ફિલ્મો મળી, જેમાં તેની ભૂમિકાઓની સારી એવી નોંધ લેવાઇ. આ ફિલ્મો એટલે ઇમ્તિયાઝ અલીએ લખેલી 'લયલા મજનુ' (૨૦૧૮) અને અન્વિત્તા દત્તે ડિરેક્ટ કરેલી બે ફિલ્મો 'બુલબુલ' (૨૦૨૦) તથા 'કલા' (૨૦૨૨). તૃપ્તિ એક તગડી એક્ટ્રેસ છે એનો પાક્કો પૂરાવો આ ફિલ્મો આપી જ દીધો હતો, પણ રણબીર કપૂરની 'એનિમલ' (૨૦૨૪) ફિલ્મને કારણે આખી વાર્તા જ બદલાઈ ગઈ. મજાની વાત એ છે કે આ ફિલ્મમાં તૃપ્તિ પડદા પર માંડ પંદર મિનિટ જ દેખાય છે, પણ આ પંદર મિનિટની ભૂમિકામાં પણ તેણે એવી કમાલ કરી કે તે રાતોરાત 'નેશનલ ક્રશ' બની ગઈ. 

જોકે ઉત્તરાખંડમાં આવેલા ગઢવાલની વતની તૃપ્તિ કહે છે, 'મને પ્રસિદ્ધિની કશી પડી નથી. મને તો એક અભિનેત્રી તરીકે આદરપાત્ર સ્થાન મેળવવામાં વધારે રસ છે.' 

ગઢવાલની વતની તૃપ્તિ ફિરોઝાબાદ દિલ્હીમાં ભણી છે. ઇગ્લિશ ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા બાદ એણે પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટમાં એક્ટિંગનો કોર્સ કર્યો. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એક અભિનેત્રી તરીકે પોતાનું સ્થાન જમાવી રહેલી તૃપ્તિ ડિમરી કહે છે, 'બાળપણમાં એક તબક્કો એવો હોય છે જ્યારે તમે કશું વ્યક્ત કરી શકતાં નથી. તમને ખબર જ હોતી નથી કે તમારે કેવી રીતે પોતાની જાતને એક્સપ્રેસ કરવી જોઇએ. હું સ્કૂલમાં હતી ત્યારે બધા મારા પર બહું ધોંસ જમાવતા, પણ મેં મારાં મમ્મી-પપ્પાને કશું કહ્યું નહોતું, કેમ કે મને કદી સ્કૂલે જવાનું ગમ્યું જ નહોતું. મને લાગતું હતું કે જો હું આ વાત તેમને કરીશ તો તેઓ એમ માનશે કે હું સ્કૂલમાં ન જવાના બહાનાં કાઢું છું. ભણવાના મામલામાં હું કાચી હતી અને મારા પરિવારમાં તો બધા ટોપર્સ હતા એટલે મારી પર બહુ પ્રેશર આવતું. આ વાતાવરણમાં તમે અમુક ચોક્કસ રીતે વર્તન કરતાં શીખી જાવ છો. લોકો સાથે બહું વાતો કરવાની નહીં, લોકોનું ધ્યાન તમારા ભણી ખેંચવાનું નહીં. હું તો નવા મિત્રો પણ બનાવતી નહોતી. પણ નવમા ધોરણમાં મને મારી એક બેસ્ટ ફ્રેન્ડ મળી અને તેણે મારો મિજાજ જ બદલી નાખ્યો. આજે હું જે સ્થાને છું ત્યાંથી પાછળ નજર નાખું છું તો મને કોઇ અફસોસ થતો નથી. મને લાગે છે કે મારે જે કરવું હતું તે મને એક્ટિંગમાં મળી ગયું છે.' 

જોકે, તૃપ્તિ સફળ અભિનેત્રી બની ગઇ હોવા છતાં એ આજે પણ આ બાબતોની ચર્ચા પરિવારજનો સાથે કરી શકતી નથી. એ કહે છે, 'જો હું તેમને આજે આ વાત કરૃં તો તેઓ કદાચ હસશે. દલીલ કરવાની આવે એટલે હું નાસી જાઉં છું. મને ઝઘડા કરવાનું ફાવતું નથી, કેમ કે જેવી હું કંઈક બોલવા માટે મારું મોં ખોલું કે મારી આંખોમાંથી આંસુ દદડવા માંડે છે. મને આ સ્થિતિમાં મુકાવું ગમતું નથી. એટલે હું ઉગ્ર થઈને દલીલબાજી કરવાનું ટાળું છું.' તૃપ્તિ મુંબઇમાં સંઘર્ષના દિવસો યાદ કરી કહે છે, 'જ્યારે તમે મુંબઇમાં હો ત્યારે તમને હોમસીકનેસ ફીલ થયા કરે. આવા સમયે અવિનાશ (તિવારી, 'લૈલા મજનુ'નો હીરો)ની મમ્મી મને જાત જાતની વસ્તુઓ બનાવી ખવડાવતી. અવિનાશ આ લાઇનમાં ઘણા લાંબા સમયથી હોવાથી તે મને જોતાં જ મારી નર્વસનેસને સમજી જતો. તે પોતાની અભિનયની વાતો કર્યા કરતો અને હું તેની સામે મોં વકાસીને જોયા કરતી. એેણે જ મને એક્ટિંગ વર્કશોપમાં જવાની સલાહ આપી હતી. આ વર્કશોપ કર્યા બાદ અભિનય ભણી જોવાની મારી દૃષ્ટિ જ બદલાઇ ગઇ. અત્યાર સુધી તો હું એમ માનતી હતી કે એક્ટિંગ એટલે કેમેરા સામે ઉભાં રહીને સંવાદો બોલી જઈએ એટલે કામ પતી ગયું. પણ વર્કશોપ કર્યા બાદ મારી ઘણી ચીજો બદલાઇ ગઇ. હવે હું મારી જાતને પાત્રમાં ઢાળતી થઇ, પાત્રના મનોભાવો સમજીને તેને વ્યક્ત કરતાં પણ શીખી.' 

તૃપ્તિ આગળ કહે છે, 'એક્ટિંગ વિશેની મારી સમજ વિકસાવવાનું શ્રેય દિગ્દર્શિકા અન્વિતા દત્તને પણ જાય છે. 'બુલબુલ'માં તેની સાથે કામ કરતાં મને સમજાયું કે કેરેક્ટરની બેક-સ્ટોરી પણ બનાવી શકાય છે. અત્યાર સુધી તો હું  એક પાત્રને સમજી ફિલ્મમાં જ્યાં સીન હોય ત્યાંથી તેને ભજવવાનું શરૂ કરી દેતી હતી, પણ બેકસ્ટોરી બનાવવાની પ્રક્રિયાને કારણે મને મારા પાત્રને તથા મારી જાતને સમજવાની નવી દિશા મળી. આજે દિગ્દર્શક અલગ હોય તો પણ હું આ પ્રોસેસને ફોલો કરૂ છું, જેને કારણે મને પાત્રને સમજવામાં મોટી સહાય મળે છે. કેટલાંક પાત્રો સાથે તમને લગાવ થઇ જાય છે. તેમાંથી બહાર આવતાં તમને સમય લાગે છે. 'બુલબુલ' એ મારું પ્રથમ એકદમ ઇન્ટેન્સ કેરેક્ટર હતું. પેકઅપ થઇ જાય તે પછી પણ હું બુલબુલના ઓરડામાં તેના પલંગ પર બેસી તે પાત્ર વિશે વિચાર્યા કરતી હતી.  શૂટિંગનો છેલ્લો દિવસ હતો ત્યારે હું ખૂબ રડી હતી, કેમ કે દરેક જણ મને બુલબુલ કહીને બોલાવતું હતું અને મને સમજાતું હતું કે કાલથી મને કોઇ હવે આ નામે નહીં બોલાવે. સદભાગ્યે 'કલા'માં પાત્રથી ડિટેચ થવું સરળ બની રહ્યું હતું, કેમ કે મને સમજાઇ ગયું હતું કે તમે તમારા પાત્ર સાથે કાયમ માટે જોડાઇને ન રહી ન શકો.' 

આખરે 'એનિમલ' કેવી રીતે મળી તેની વાત સાથે સમાપન કરતાં તૃપ્તિ કહે છે, 'એક વાર હું એક હેર ઓઇલની એડ માટે શૂંટિંગ કરી રહી હતી ત્યારે આસિસ્ટન્ટે મને કહ્યું કે સંદીપ વાંગા નામના દિગ્દર્શક તમને રણબીર કપૂરની સામે કાસ્ટ કરવા માગે છે. તમારા જીવનમાં સારી બાબતો બનવા માંડે ત્યારે તમે એટલા અચોક્કસ હો છો કે તમને તરત માન્યામાં આવતું નથી. મારા મનમાં અનેક પ્રકારના વિચારો આવ્યા અને મેં મારી જાતને ટપારી કે બહુ ઉત્તેજિત ન થઇશ. હું સતત મારી જાતને કહેતી હતી કે શાંત થા, સ્થિતિ હજી બદલાઇ શકે છે. પણ આખરે જ્યારે મને 'એનિમલ' માટે ખરેખર ફાઇનલાઇઝ કરવામાં આવી ત્યારે સપનું સાચું પડયું હોય એમ લાગ્યું હતું. હું રણબીર કપૂરની જબરદસ્ત મોટી ફેન છું. એની સાથે સ્ક્રીન શેર કરવી એ મારી ફેન્ટસી હતી... અને મને આ ચાન્સ મળી ગયો.'  ...અને તૃપ્તિએ આ ચાન્સ પર એવો ડાન્સ કર્યો કે આજે આખો દેશ તેની પર ફીદા છે! વેલ ડન, તૃપ્તિ.  


Google NewsGoogle News