બોલિવુડને પ્રથમ સુપરસ્ટાર આપનાર ખન્ના પરિવારની કહાણી
- ખન્ના ફેમિલી
- રાજેશ ખન્ના
- ડિમ્પલ કાપડીયા
- સિમ્પલ કાપડીયા
- ટ્વિંકલ ખન્ના
- રિંકી ખન્ના
- આરવકુમાર
- નાઓમિકા સરન
- કરણ કાપડિયા
ક હેવાય છે કે, દુનિયા જીતનાર એલેક્ઝાન્ડરે મૃત્યુ પહેલા ત્રણ ઇચ્છાઓ પ્રગટ કરી હતી. તેની પહેલી ઈચ્છા હતી કે, ડોક્ટરો જ તેના કોફિનને લઈને નીકળે. જેથી જનતાને સંદેશો મળે કે, સમયના કાળચક્રની સામે સર્વશ્રેષ્ઠ તબીબોનું પણ કંઈ ગજુ નથી. તેની બીજી ઈચ્છા હતી કે, જ્યારે તેના કોફિનને કબર સુધી લઈ જવામાં આવે ત્યારે રસ્તાઓને સોનામહોરોથી ભરી દેવામાં આવે. આ રીતે એ કહેવા માંગતો હતો કે, જીવન આખું જેને કમાવવામાં ગુમાવ્યું છેવટે તેને અહીં જ છોડીને જવાનું છે. તેની ત્રીજી અને છેલ્લી ઈચ્છા હતી કે, તેના બંને હાથને કોફિનની બહાર રાખવામાં આવે જેથી સંદેશો પહોંચી શકે કે, દુનિયાને જીતનારો એલેક્ઝાન્ડર મહાન પણ છેવટે ખાલી હાથે જ જાય છે.
આ તમામ પ્રસંગો ૧૮ જુલાઈ, ૨૦૧૨ના રોજ મુંબઈમાં તાજા થયા હતાં જ્યારે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટારે દુનિયાને અલવિદા કીધું હતું. કદાચ પહેલીવાર હતું કે જ્યારે કોઈ બોલિવુડ સુપરસ્ટારની અંતિમયાત્રામાં એક્ટર અને એકટ્રેસની નહીં, પરંતુ એક જમાનાના તેમના ચાહકોની ભીડ જામી હતી. એક રિપોર્ટ મુજબ, લગભગ ૧૦ લાખ ચાહકો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતાં. કોઈને તેમના ડાયલોગ, 'બાબુમોશાય જીંદગી બડી હોની ચાહિયે, લંબી નહીં..'એ કેન્સર સામેની જંગમાં લડવાની હિંમત આપી હતી, જ્યારે કોઈ મહિલા એવી કે જેણે તેમને જ સર્વસ્વ માની લીધા હતાં. તે દિવસે સાબિત થયું હતું કે, દુનિયાને જીતનાર એલેક્ઝાન્ડર તો ખાલી હાથે ગયો, પરંતુ બોલિવુડનો આ એલેકઝાન્ડર ભલે પોતાના જીવનના છેલ્લા વર્ષોમાં લાઈમલાઈટથી દૂર રહ્યો હોય પણ, જ્યારે તે આ દુનિયાને અલવિદા કહીને ગયો ત્યારે ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવીને ગયો હતો. તેણે સાબિત કર્યું હતું કે, દુનિયા તો ભલે ન જીતી શકાય, પરંતુ લોકોનો પ્રેમ અવશ્ય જીતી શકાય છે.
તેનું સાચા અર્થમાં કારણ બોલિવુડના કોઈપણ કલાકારે ન જોઈ હોય તેવી તેમની ફેન ફોલોઈંગ હતી. એક જમાનામાં આ કલાકારની સ્ટારડમ એવી હતી કે, દેશના ખૂણે ખૂણેથી છોકરીઓ તેમને લોહીથી લવલેટર લખતી, જ્યારે આ સ્ટારની કોઈ નવી ફિલ્મ થિયેટરમાં આવી હોય ત્યારે જાણે તેની સાથે ડેટ પર જવાનું હોય તેમ તૈયાર થઈને છોકરીઓ નીકળતી, ભૂલથી આ સ્ટારને મહિલા ચાહકો સ્પોટ કરી લેતી ત્યારે તો જોવા જેવી થતી હતી.
કહેવાય છે કે, તેમની કારની વિન્ડો ફિમેલ ફેન્સની લિપસ્ટિકના રંગથી રંગાઈ જતી હતી અને એવું નહોતું કે ફ્કત મહિલા વર્ગમાં જ આ સ્ટાર લોકપ્રિય હતાં. તે જમાનામાં દરજીઓને પણ એક જ ફરમાઈશ આવતી હતી કે, આ સ્ટારે ફિલ્મમાં જે કપડાં પહેર્યા છે.. બસ મારે તો તેવા જ કપડાં જોઈએ છે. તેમણે જ જીન્સ, કુર્તા અને મોજડીને સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનાવ્યા હતાં. આ સાથે જ તે જમાનામાં ઘરે ઘરે એક છોકરો એવો જોવા મળતો જે આ સ્ટારની હેરસ્ટાઈલની કોપી કરીને ફરતો. તેમની આ પ્રસિદ્ધિ એટલે ખાસ બની જાય છે કે, તે જમાનામાં સોશિયલ મીડિયા તો દૂર ટીવી ચેનલ્સ અને ૨૪ કલાકના રેડિયો પણ નહોતાં. પોતાના કરિશ્માના જોરે દુનિયાને નચાવનારા સુપરસ્ટાર હતો, જતીન ચુનીલાલ ખન્ના કે જેમને આપણે રાજેશ ખન્નાના નામે ઓળખીએ છીએ. રાજેશ ખન્નાના પરિવારે બોલિવુડને ત્રણ-ત્રણ સુપરસ્ટાર આપ્યા છે. રાજેશ ખન્ના, પત્ની ડિમ્પલ કાપડિયા અને જમાઈ અક્ષય કુમાર. આવો આ પરિવાર વિશે રસપ્રદ વાતો જાણીએ..
પહેલી પેઢી
રાજેશ ખન્ના
રાજેશ ખન્ના ઉર્ફે કાકાનો જન્મ ૨૯ ડિસેમ્બર, ૧૯૪૨ના રોજ અમૃતસર, પંજાબમાં લાલા હિરાનંદ ખન્ના અને ચંદ્રાની ખન્ના ઘરે થયો હતો, પરંતુ તેમનું લાલન-પાલન ચુનીલાલ ખન્ના અને લીલાવતી ખન્નાએ કર્યું હતું. વર્ષ ૧૯૩૫થી મુંબઈમાં વસવાટ કરતા ચુનીલાલ પરિવારે દત્તક બાળકની તમામ જીદ પૂરી કરી હતી. કાકા પોતાના સ્ટ્રગલના દિવસોમાં પણ સ્પોર્ટ્સ કાર લઈને ઓડિશન આપવા જતા હતા. કોલેજના પ્રથમ બે વર્ષ સિવાય મુંબઈમાં ભણતર પૂરું કરનાર કાકાના થિયેટર અને બોલિવુડ પ્રેમની કહાણી રોચક છે.
રાજેશ ખન્નાનો પહેલો પ્રેમ અને થિયેટર
કાકાની બિલ્ડિંગમાં રહેતી સુરેખા નામની છોકરી તેમનો 'બચપનનો પ્યાર' હતી. કાકા લગભગ ૧૧ વર્ષના હતા અને તેમની પ્રેમિકા ૧૬ વર્ષની હતી. કાકાના જીવનમાં સુરેખા એક એવી છોકરી હતી જેની સાથે તેઓ પોતાના દિલની તમામ વાતો શેર કરતા હતા. જીવનભર યાદગાર હોય તેવી પહેલી કિસ કાકાએ સુરેખાને કરી હોવાનું તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું. બંને વચ્ચે પ્રેમ એવો કે, કાકા સ્કૂલેથી છૂટીને સીધા સુરેખા સાથે વાતો કરવા પહોંચી જતા. એ જમાનામાં બંને મૂવી ડેટ પર પણ જતા હતા. ધીમે ધીમે સુરેખા તેમની સર્વસ્વ બની ગઈ હતી અને ત્યાં જ એક દિવસ એવી ઘટના બની કે જેણે તેમના હૃદય પર ઊંડો ઘા કર્યો હતો. નિયત ક્રમ મુજબ, કાકા સ્કૂલથી છૂટીને સુરેખાને મળવા તેના ઘરે પહોચ્યા અને ત્યાં તેમણે મોટું તાળું લાગેલું જોયું. એ દિવસ પછી એ નાનો છોકરો પોતાની પ્રેમિકાને કોઈ દિવસ જોઈ શક્યો નહોતો. એક રિપોર્ટ મુજબ, કાકા અને પોતાની દીકરીની પ્રેમ કહાણીથી ભયભીત પરિવારે ગામડે પહોંચીને સુરેખાના તાત્કાલિક ધોરણે લગ્ન કરાવી દીધાં હતાં. આ સમયગાળો કાકા માટે ખૂબ જ કપરો હતો. જાણે પોતાની પાસેથી કંઈક છીનવી લેવામાં આવ્યું હોય તેવી લાગણી કાકાને બેચેન કરવા લાગી હતી. આ દરમિયાન જ તેમણે રંગમંચમાં રસ પરોવ્યો હતો. જ્યારે નાટકના અંતે કલાકારોને દર્શકો તાળીઓના ગડગડાટથી વધાવી લેતા ત્યારે તેમને સુરેખાનો 'અનકંડિશનલ લવ' યાદ આવી જતો હતો. કાકાને થતું કે, આ જ તો પ્રેમ છે જે મને જોઈએ છે. બસ.. આ એ ક્ષણ હતી કે, જ્યારે તેમણે અભિનેતા બનવાનું નક્કી કર્યું હતું.
ફિલ્મી સફર
કાકાએ બોલિવુડ એન્ટ્રી પહેલાં ઘણાં નાટકોમાં અભિનય કર્યો હતો. 'મેરે દેશ કે ગાંવ' તેમનું પહેલું નાટક હતું. આ નાટકના લીડ એક્ટરના જણાવ્યા અનુસાર, આ નાટકમાં કાકાનો એક જ ડાયલોગ હતો. પરંતુ, સ્ટેજ પર ગભરાઈ ગયેલા કાકા આ ડાયલોગ પણ સીધો બોલી શક્યા નહોતા. આ ઘટના બાદ પણ તેમણે હિંમત હારી નહોતી. ઘણાં નાટકોમાં નાની-મોટી ભૂમિકાઓ નિભાવ્યા બાદ કાકાએ ૧૯૬૫માં ઓલ ઈન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. ૧૦,૦૦૦ પ્રતિયોગીઓને હરાવીને તેમણે આ પ્રતિયોગિતા જીતી હતી. આ સાથે જ કાકાએ પોતાની ફિલ્મી સફરની શરૂઆત ૧૯૬૬માં 'આખરી ખત' સાથે કરી હતી. આ ફિલ્મ વિશ્વવિખ્યાત એકેડમી એવોર્ડ્સમાં ભારતની પ્રથમ એન્ટ્રી હતી. આ ફિલ્મ બાદ ૧૯૬૭માં તેમની બીજી ફિલ્મ 'રાઝ' રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મો તેમને ઓલ ઈન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટના ઈનામ તરીકે મળી હતી. 'આરાધના' ફિલ્મે તેમને સુપરસ્ટાર બનાવ્યા હતાં. આ ફિલ્મ બાદ આવેલી 'દો રાસ્તે', 'બંધન' અને 'ડોલી' સાથે જ રાજેશ ખન્નાના યુગની શરૂઆત થઈ હતી. 'કટિ પતંગ', 'આનંદ', 'અંદાઝ', 'મર્યાદા', 'હાથી મેરે સાથી' અને 'અમર પ્રેમ' જેવી ફિલ્મો સાથે તેમણે ત્રણ વર્ષના ગાળામાં સળંગ ૧૫ હિટ ફિલ્મો આપી હતી. તેમનો આ રેકોર્ડ આજે પણ અકબંધ છે. દેશમાં વર્ષ ૧૯૭૫માં લાદવામાં આવેલી ઈમરજન્સી બાદ દેશનો મિજાજ બદલાયો હતો અને રોમેન્ટિક ફિલ્મોની જગ્યા ભ્રષ્ટાચાર સામે લડનાર એંગ્રી યંગ મેનની આજુબાજુ ફરતી કહાણીઓએ લીધી હતી. આ દરમિયાન તેમની ઘણી ફ્લોપ ફિલ્મો રહી હતી. જે બાદ ૧૯૭૭માં 'છલિયા બાબુ'થી શરૂ કરીને ૧૯૯૦માં 'સ્વર્ગ' સુધી તેમની ઘણી સુપરહિટ ફિલ્મો જોવા મળી હતી. રાજકારણમાં રસ ધરાવતા કાકા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતાં. તેઓ ૧૯૯૧માં લોકસભાના સાંસદ બન્યા હતાં. તેમણે ઘણી ટીવી સિરિયલમાં પણ કામ કર્યું હતું, જેમાં તેમને સફળતા મળી નહતી.
પર્સનલ લાઈફ
કાકાએ લગભગ સાત વર્ષ સુધી ફેશન ડિઝાઈનર અને અભિનેત્રી અંજુ મહેન્દ્રુને ડેટ કરી હતી. તેમના સંબંધોમાં અચાનક એવો વળાંક આવ્યો કે, ૧૯૭૩માં પૂર્વ ગર્લફ્રેન્ડ અંજુના ઘર પાસેથી તેમણે જાન પસાર કરાવીને ૧૬ વર્ષની છોકરી ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યાં હતાં. ડિમ્પલ અને કાકાને બે દીકરીઓ છે. ટ્વિંકલ અને રિંકી. પત્ની ડિમ્પલ જ્યારે ૧૭ વર્ષની હતી ત્યારે દીકરી ટ્વિંકલનો જન્મ થયો હતો. બીજી દીકરી રિંકીનો જન્મ તેનાં ત્રણ વર્ષ બાદ થયો હતો. પત્રકાર ઈન્ગ્રીડ અલ્બુકર્કના જણાવ્યા અનુસાર, કાકા દીકરો ઈચ્છતા હતા અને દીકરીનો જન્મ થતાં તેમણે મહિનાઓ સુધી રિંકીની મુલાકાત લીધી નહોતી. આ દરમિયાન પરિવારે ઘણા સમય સુધી રિંકીનું નામ પણ નહોતું રાખ્યું હોવાની વિગત પણ સામે આવી હતી. કાકા અને ડિમ્પલ અલગ રહેવા લાગ્યાં હતાં. આ દરમિયાન ડિમ્પલનું નામ તેના કો-સ્ટાર સની દેઓલ સાથે જોડવામાં આવતું હતું. બીજી તરફ, કાકાનું નામ પણ અનેક અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું હતું. અનેક ખટરાગ વચ્ચે પણ કાકા અને ડિમ્પલે ડિવોર્સ લીધા નહોતા. કાકાએ જીવનનો પાછલો ઘણો સમય પોતાની લિવ-ઈન પાર્ટનર અનીતા અડવાણી સાથે વિતાવ્યો હતો.
ડિમ્પલ કાપડિયા
ડિમ્પલ ચુનીભાઈ ચુનીભાઈ કાપડિયાનો જન્મ મુંબઈમાં થયો હતો. તે નાની ઉંમરે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાવા માંગતી હતી. ૧૩ વર્ષની નાની ઉંમરે તેને રાજ કપૂરે નોટિસ કરી હતી. તે પછી રાજ કપૂરે ૧૯૭૩માં ડિમ્પલ અને પુત્ર ષિ કપુરને લઈને ટીનેજ રોમેન્ટિક મૂવી 'બોબી' બનાવી હતી. આ ફિલ્મે તરખાટ સર્જી દીધો હતો. ડિમ્પલની લોકપ્રિયતા રાતોરાત વધી ગઈ હતી. આ ફિલ્મની રિલીઝના ત્રણ-ચાર મહિના પહેલા જ તેણે ૧૬ વર્ષની ઉંમરે બોલિવુડ સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતાં. રાજેશ ખન્ના ઈચ્છતા હતાં કે, પત્ની લગ્ન બાદ ફિલ્મોમાં કામ ન કરે. આ સાથે જ ડિમ્પલે દીકરીઓને ઉછેરવા માટે ૧૨ વર્ષનો લાંબો બ્રેક લીધો હતો. પછી તેણે ૧૯૮૪માં જીતેન્દ્રની સાથે ફિલ્મ 'ઝખ્મી શેર' માં કમબેક કર્યું હતું. ડિમ્પલે ભલે ઓછી ફિલ્મો કરી હોય પરંતુ, તેણે દરેક ફિલ્મ સાથે કમાલ કરી છે. વર્ષ ૧૯૮૦માં તેની ફિલ્મ 'સાગર' ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી હતી. ડિમ્પલને ફિલ્મ 'રૂદાલી' માં દમદાર અભિનય બદલ નેશનલ એવોર્ડ મળ્યો હતો. તે ઘણા સમયના બ્રેક બાદ 'દિલ ચાહતા હૈ' માં જોવા મળી ત્યારે પણ તેના ચાહકો ખુશખુશાલ થઈ ગયા હતાં. વર્ષ ૨૦૨૦માં ક્રિસ્ટોફર નોલાનની એક્શન થ્રિલર 'ટેનેટ' સાથે તેણે પોતાનું હોલિવુડ ડેબ્યુ કર્યું હતું.
સિમ્પલ કાપડિયા
પિતા ચુનીભાઈ અને માતા બેટ્ટી કાપડિયાનાં ચાર સંતાનોમાંની એક સિમ્પલનો જન્મ ૧૫ ઓગસ્ટ, ૧૯૫૮ના રોજ થયો હતો. સિમ્પલે ૧૯૭૭માં જીજાજી રાજેશ ખન્ના સાથે ફિલ્મ 'અનુરોધ'માં ડેબ્યુ કર્યું હતું. તે 'લૂંટમાર', 'ઝમાને કો દિખાના હૈ', 'જીવન ધારા'અને 'દુલ્હા બિકતા હૈ'માં સપોટગ રોલમાં નજર આવી હતી. તેણે ફિલ્મ ૧૯૮૭ 'પરખ' ફિલ્મમાં એક આઈટમ સોંગ પણ કર્યું હતું. આ ફિલ્મ બાદ તેણે કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ શરૂ કર્યું હતું. ફિલ્મ 'રુદાલી'માં તેને કોસ્ચ્યુમ ડિઝાઈન માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. સિમ્પલે ૧૯૯૨માં રાજીન્દર સિંહ શેટ્ટી સાથે લગ્ન કર્યા હતાં. પુત્ર કરણના જન્મના થોડા સમય બાદ જ તેમણે છૂટાછેડા લીધા હતાં. ૫૧ વર્ષની ઉંમરે કેન્સરના કારણે અવસાન થયું હતું.
બીજી પેઢી
ટ્વિંકલ ખન્ના
૨૯ ડિસેમ્બર, ૧૯૭૩ના રોજ જન્મેલી રાજેશ ખન્ના અને ડિમ્પલની દીકરી ટ્વિંકલ ઉર્ફે ટીનાને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હતું. પરિવારના આગ્રહ બાદ તેણે ૧૯૯૫માં બોબી દેઓલ સાથે બોલિવુડ ફિલ્મ 'બરસાત'માં ડેબ્યુ કર્યું હતું. એક ફોટો સેશન દરમિયાન તેની મુલાકાત અક્ષયકુમાર સાથે થઈ હતી. બંનેએ 'ઈન્ટરનેશનલ ખિલાડી' અને 'ઝૂલ્મી' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યા બાદ ૧૭ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો આરવ અને નિતારા છે. ટીનાની ફિલ્મો તો સુપરહિટ નહોતી રહી, પરંતુ તેની ૨૦૧૫માં રિલીઝ થયેલી બુક 'મિસિસ ફનીબોન્સ' બેસ્ટસેલર રહી હતી. તેની બીજી બુક 'ધ લેજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ'ની એત વાર્તા પરથી જ નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મ 'પેડ મેન' બનાવવામાં આવી હતી. ટીના જ આ ફિલ્મની પ્રોડયુસર હતી. તેની ૨૦૧૮માં રિલીઝ થયેલી ત્રીજી બુક 'પજામાઝ આર ફરગિવિંગ'એ તેને બેસ્ટ સેલિંગ મહિલા લેખિકા તરીકેની ખ્યાતિ અપાવી હતી. તેણે ૨૦૨૨માં ગોલ્ડસ્મિથ્સ યુનિવસટી ઓફ લંડનમાંથી ફિકશન રાઈટિંગમાં માસ્ટર્સની ડિગ્રી હાંસિલ કરી હતી.
અક્ષયકુમાર
અમૃતસરમાં હરિઓમ ભાટિયા અને અરુણા ભાટિયાના ઘરે ૯ સપ્ટેમ્બર, ૧૯૬૭ના રોજ પુત્ર રાજીવનો જન્મ થયો હતો. તેણે ડોન બોસ્કો સ્કૂલમાંથી શિક્ષણ બાદ ગુરુ નાનક ખાલસા કાલેજમાં એડમિશન લીધું હતું. કોલેજના એક વર્ષ બાદ તેણે શિક્ષણ છોડી દીધું હતું. તેના માર્શલ આર્ટ પ્રત્યેના પ્રેમે તેને બોલિવુડમાં એન્ટ્રી અપાવી હતી. ચાંદની ચોકથી બેંગકોકમાં રસોઈઆ બનવાથી લઈને બોલિવુડના સૌથી વધુ કમાણી કરતા સ્ટાર્સની લિસ્ટમાં સામેલ થવાની તેની સફર પ્રેરણાદાયક છે. અક્ષયે અભ્યાસ છોડીને બેંગકોક જવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન તેણે વેઈટરથી શરૂ કરીને રસોઈયા તરીકે નોકરી કરી હતી. બેંગકોકમાં નસીબ અજમાવ્યા બાદ તેણે ભારત પરત આવીને તેકવાન્ડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યો હતો. બોલિવુડ તો તેનાથી હજી ઘણું દુર હતું. આ વચ્ચે તેણે કોલકાતામાં પટાવાળા તરીકે, પછી ઢાકામાં સેલ્સમેન અને ત્યારબાદ દિલ્હીમાં વેપારી બનીને સફળ થવા માટે અથાગ મહેનત ચાલુ રાખી હતી. છેવટે, તેને મુંબઈમાં માર્શલ આર્ટ શિક્ષક તરીકે કામ મળ્યું હતું. મુંબઈમાં પગ મૂકવો રાજીવ હરિઓમ ભાટિયા માટે અક્ષયકુમાર બનવા તરફનું પહેલું પગલું હતું. અહીં જ અક્ષયકુમારની સફળતાની વાર્તાએ વળાંક લીધો હતો. તેણે પોતાનો પોર્ટફોલિયો બનાવવા માટે ફોટોગ્રાફરના ત્યાં ૧૮ મહિના સુધી ફ્રીમાં કામ કર્યું હતું. કહેવાય છે કે, એક દિવસ તે જાહેરાતના કોમશયલ શૂટ માટેની ફ્લાઇટ ચૂકી ગયો હતો. જે છેવટે તેના માટે લાભદાયી સાબિત થઈ હતી. આ દરમિયાન તે પોતાના પોર્ટફોલિયોને લઈને અનેક સ્ટુડિયોમાં ગયો હતો અને અંતે પ્રમોદ ચક્રવર્તીની ફિલ્મ 'દીદાર' માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. ખિલાડીકુમારના નામે ઓળખાતા સ્ટારે ૧૯૯૧માં ફિલ્મ 'સૌગંધ' સાથે ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બાદ રિલીઝ થયેલી 'ખિલાડી' સફળ રહી હતી. તેની ૧૮ જેટલી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી હતી. આજે તેણે ૧૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને રૂપિયા ૨,૦૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. ખિલાડી કુમારની ૧૬થી વધારે ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રૂપિયા ૧૦૦ કરોડનો આંક વટાવી ચૂકી છે.
રિંકી ખન્ના
રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની દીકરી રિન્કીનો જન્મ ૨૭ જુલાઈ, ૧૯૭૫ના રોજ થયો હતો. રિંકીએ પોતાનું બોલિવુડ ડેબ્યુ ૧૯૯૯માં ફિલ્મ 'પ્યાર મંે કભી કભી'માં ડિનો મોરિયા અને સંજય સુરી સાથે કર્યું હતું. આ ફિલ્મ સાથે જ બોલિવુડના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ફિલ્મના અભિનેતા અને ક્રૂના સભ્યોને ગણીને કુલ ૩૦૦ લોકોએ એકસાથે ડેબ્યુ કર્યું હતું. તેણે 'મુઝે કુછ કહેના હૈ' અને 'ચમેલી' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ ૨૦૦૧માં તેણે તમિલ ફિલ્મ 'મજનૂ'માં કામ કર્યું હતું. એક સમયે દીકરીને મળવા સમય ન કાઢનાર કાકા માટે રિંકી લાઈફલાઈન બની ગઈ હતી. રિંકીએ કેન્સર પીડિત પિતાની ખૂબ સેવા કરી હતી. તે ૨૦૦૩માં બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કરીને બ્રિટન શિફ્ટ થઈ ગઈ હતી. તેણે એક પુત્રી નાઓમિકાને જન્મ આપ્યો છે.
કરણ કાપડિયા
સિમ્પલ કાપડિયા અને રાજીન્દર સિંહ શેટ્ટીના ઘરે ૧૬ સપ્ટેમ્બર, ૧૯૯૩ના રોજ પુત્ર કરણનો જન્મ થયો હતો. કરણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ઘણી ફિલ્મો કરી છે. જેવી કે, 'તલાશ', 'બાર બાર દેખો', 'રા.વન' અને 'રાવણ'. કરણે ૨૦૧૯માં ફિલ્મ 'બ્લેન્ક' સાથે પોતાનું એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. 'દુર્ગામતિ' એક્ટર તરીકેની તેની બીજી ફિલ્મ હતી.
ત્રીજી પેઢી
નાઓમિકા સરન
રિંકી અને સમીર સરનની દીકરી નાઓમિકા સરનનો જન્મ ૧૯ ઓક્ટોબર, ૨૦૦૪ના રોજ લંડનમાં થયો હતો. તે હાલ ન્યુયોર્ક ટીશ સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરી રહી છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને આર્ટ્સમાં તેની રૂચિને જોતા નક્કી માનવામાં આવે છે કે, નાઓમિકા સરન બોલિવુડ ડેબ્યુ કરશે.
આરવ કુમાર
૧૫ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ જન્મેલો અક્ષય અને ટ્વિંકલનો પુત્ર આરવ કુમાર બોલિવુડમાં ડેબ્યુ કરવા માંગતો નથી. માર્શલ આર્ટ્સમાં મહારત હાંસિલ કરનાર આરવ કુમાર ફેશન ડિઝાઈનર બનવા માંગતો હોવાનું અક્ષય કુમારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, પરંતુ, જેમ તેની માતા સીએ બનવા માંગતી હતી અને પરિવારે તેનું બોલિવુડમાં ડેબ્યુ કરાવ્યું હતું. તેવું આરવ સાથે થાય તો નવાઈ નહીં. આરવની નાની બહેનનું નામ નિતારા છે.