સમસ્યા ટેકનોલોજીમાં નહીં, આપણામાં છે: તમન્ના ભાટિયા
- 'મેં સ્પષ્ટ નિયમો બનાવ્યા છે, શું શું કરવું છે અને શું નથી જ કરવું તે વિશે સ્પષ્ટતા કેળવી છે. એક વાર સભાનપણે નિર્ણય લઈ લઉં પછી સંજોગોની પરવા કર્યા વિના તેને વળગી રહું છું.'
લો કપ્રિય અભિનેત્રી તમન્ના ભાટિયાએ અનેક ભાષાઓની ફિલ્મોમાં કામ કરીને પોતાની એક શાખ ઊભી કરી છે. ડેબ્યુ ફિલ્મથી લઈને હાલના સ્તર સુધી પહોંચવાની પોતાની સફર વર્ણવતા તમન્ના કહે છે, 'મેં બહુ જ સમજીવિચારીને ફિલ્મો પસંદ કરી છે. મેં મારા માટે સ્પષ્ટ નિયમો બનાવ્યા છે, શું શું કરવું છે અને શું નથી જ કરવું તે વિશે સ્પષ્ટતા કેળવી છે. એક વાર સભાનપણે નિર્ણય લઈ લઉં પછી સંજોગોની પરવા કર્યા વિના તેને વળગી રહું છું.'
તમન્નાએ ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો ત્યારે એના મનમાં કોઈ સ્ટ્રેટેજી નહોતી. તમન્નાએ સિનેમાના વ્યાપમાં મોટું પરિવર્તન જોયું છે. જી કહે છે, 'એક સમયે માત્ર થિયેટરો હતાં, હવે ઓટીટી પણ છે. આજે લોકોને ૧૫-૨૦ સેકન્ડની રીલ્સ જોવામાં મોજ પડે છે. ઓડિયન્સને બે-અઢી કલાક બેસાડી રાખવો તે એક પડકાર છે. ટેકનોલોજીને વખોડવાને બદલે તેનો સ્વીકાર કરીને તેનો અસરકારક ઉપયોગ કરવો જોઈએ. ટેકનોલોજી સમસ્યા નથી, પણ તેનો ખોટો ઉપયોગ સમસ્યા છે. ટેકનોલોજી આપણે બનાવી છે આથી તેના પર આપણું નિયંત્રણ હોવું જોઈએ, આપણા પર તેનું નહીં.' તમન્ના માટે માધ્યમ નહીં, પણ કામનું મહત્ત્વ છે.
ફિલ્મ હોય કે ઓટીટીનો શો, કોન્ટેન્ટ ઇઝ ધ કિંગ.
તમન્નાને ભાષાના સીમાડા ક્યારેય નડયા નથી. એક કલાકાર તરીકે નવી ભાષા કે લઢણ શીખવી ક્રિયેટિવ પ્રોસેસનો જ એક હિસ્સો છે. 'બબલી બાઉન્સર'નો અનુભવ વર્ણવતા તમન્ના કહે છે, 'મારે હરિયાણવી ઉચ્ચારણો માટે તાલીમ લેવી પડી હતી. અમે કલાકારો જરૂર પડયે તાલીમ લેતાં અચકાતા નથી. તેનાથી પાત્રમાં ઊંડા ઉતરવામાં મદદ મળે છે.'
તમન્ના લોકપ્રિયતાને બોજ નહીં, પણ તક તરીકે જુએ છે. એ કહે છે, 'લોકપ્રિયતા કંઈ ખરાબ બાબત નથી. એ તો કલાકારને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. લોકપ્રિયતાનો કેવો ઉપયોગ કરવો તેનો આધાર કલાકારના અભિગમ પર છે.'
તમન્ના હવે અતિ પ્રતિક્ષિત 'સ્ત્રી-ટુ' ઉપરાંત 'વેદા' નામની ફિલ્મમાં દેખાશે. નિખિલ અડવાણીના ડિરેક્શનમાં બની રહેલી 'વેદા'માં તમન્ના ઉપરાંત શર્વરી વાઘ પણ છે. આ ઉપરાંત તેની 'ઓડેલા-ટુ' નામની હિરોઈન-સેન્ટ્રિક તેલુગુ ફિલ્મ પણ નજીકના ભવિષ્યમાં રિલીઝ થશે.
ગુડ ગોઇંગ, ગર્લ.