Get The App

ધ પેશન ઓફ વિકી કૌશલ .

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
ધ પેશન ઓફ વિકી કૌશલ                                                  . 1 - image


- સિનેમા એક્સપ્રેસ- શિશિર રામાવત

- છાવા

- ધ પેશન ઓફ ધ ક્રાઇસ્ટ

વિકી કૌશલની લેટેસ્ટ 'છાવા' ફિલ્મની છેલ્લી અડધી કલાક એના ચાહકો ભૂલી શકવાના નથી એ તો નક્કી. છત્રપતિ સંભાજી મહારાજને ઔરંગઝેબના સૈન્યે પકડી લીધા છે. લશ્કરી છાવણીની વચ્ચોવચ્ચ એમને બાંધી દેવામાં આવ્યા છે... ને પછી શરૂ થાય છે ભયાનક ક્રૂરતાનો સિલસિલો. એમના ખુલ્લા લોહીલુહાણ શરીરના ઘા પર મીઠું ભભરાવવામાં આવે છે, એમના નખ ખેંચી લેવામાં આવે છે, લોખંડના રાતાચોળ સળિયા ઘોંચીને એમની આંખો ફોડી નાખવામાં આવે છે, ચીપિયાથી એમની જીભ ખેંચી લેવામાં આવે છે... પણ ઘાયલ સિંહ જેવા આ મર્દાના યોદ્ધાના મોંમાંથી એક ઊંહકારો નીકળતો નથી. 'છાવા' ફિલ્મની આ સિકવન્સ એટલી અસરકારક બની છે કે સંભાજી મહારાજ પર ગુજારવામાં આવતા અત્યાચાર જોઈને દર્શકો રડી પડે છે. કેટલાય દર્શકોની આંખો ફિલ્મ પૂરી થયા બાદ ઓડિટોરિયમની બહાર નીકળતી વખતે પણ વરસતી રહે છે. વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજના પાત્રને જીવી ગયો છે. 

પડદા પર અમાનુષી અત્યાચારનાં દ્રશ્યો જોતી વખતે સંભવ છે કે તમારા મનમાં પણ 'ધ પેશન ઓફ ધ ક્રાઇસ્ટ' ફિલ્મનું સ્મરણ સળવળવા માંડે. ૨૦૦૪માં રિલીઝ થયેલી આ ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફી, મ્યુઝિક અને મેકઅપ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં હતાં. જિસસ ક્રાઇસ્ટના જીવનના અંતિમ બાર કલાકનું આઘાતજનક ચિત્રણ આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. ક્રોસ પર જડેલા ઈશુના અસંખ્ય ચિત્રો અને શિલ્પો આપણે નાનપણથી સતત જોયાં છે. આ ઈમેજીસ એટલી બધી 'સુંદર' હોય છે અને તે જોઈજોઈને આપણા મનનું એટલી હદે કંડીશનીંગ થઈ ગયું છે કે જિસસના અંતકાળ સાથે સંકળાયેલું ઘાતકીપણું આપણને સમજાતું જ નથી... પણ 'ધ પેશન ઓફ ક્રાઈસ્ટ' ફિલ્મ ઈશુના વધસ્તંભની સુુ સુુ ઈમેજના ભાંગીને ભુક્કા કરી નાખે છે. આ ફિલ્મ જોતી વખતે દર્શકોને ભયાનક ધક્કો લાગ્યો હતો. એમની અરેરાટી છૂટી ગઈ હતી. તેઓ રડી પડતા હતા. સ્ક્રીન પર દેખાડાતી હિંસા એમનાથી સહન થઈ શકતી નહોતી. કેટલાય દર્શકો ફિલ્મ પૂરી થયા પહેલાં જ ઊભા થઈને થિયેટરમાંથી બહાર નીકળી જતા હતા. 

એક જમાનામાં 'મેડ મેક્સ' જેવી માઈન્ડલેસ એક્શન ફિલ્મોમાં કામ કરનારો ટિપિકલ હોલિવુડ હીરો મેલ ગિબ્સન આગળ જતાં 'ધ પેશન ઓફ ક્રાઈસ્ટ' જેવી ફિલ્મ લખશે, પ્રોડયુસ કરશે અને ડિરેક્ટ સુદ્ધાં કરશે તેવું કોણે કલ્પ્યું હતું!  'ધ પેશન ઓફ ધ ક્રાઇસ્ટ' ફિલ્મનો ઉદ્દેશ સ્પષ્ટ હતો: જિસસ ક્રોસે જડાયા ત્યારે એક્ઝેટલી જે બન્યું હતું તે બને એટલા  રિયલિસ્ટિક સ્તરે  દેખાડવું. જિસસનું વધે ચડવું કંઈ પ્રતીકાત્મક ઘટના નહોતી. આ કોઈ રૂપક પણ નથી. આ એક તંતોતંત શારીરિક ઘટના હતી. જિસસ વિશેની ઘણી ફિલ્મો બની છે. વધસ્તંભવાળા સીન પર શૂટ થયા છે, પણ એમાં ક્રોસે ચડેલા ઈશુ 'સુંદર' દેખાય તે માટે તેમની છાતી તેમજ બગલના વાળ શવ કરી નાખવામાં આવતા. મેલ ગિબ્સનને આ પ્રકારના રંગરોગાન અને ઢાંકપિંછોડા સામે જ વિરોધ કરવો હતો. 

ટેકનોલોજી અને ટોર્ચર 

જિસસના ખુલ્લા ડિલ પર કોરડા વિંઝવાની સિકવન્સમાં ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થયો છે. શૂટિંગ દરમિયાન પાંત્રીસ વર્ષીય એકટર જિમ કેવીઝેલે ચાબૂક ખાધા વગર માત્ર એક્સપ્રેશન આપવાના હતા, જ્યારે સૈનિક બનતા એકટરે હંટર જિમને અડે નહીં તે રીતે ફક્ત વીંઝવાની એક્ટિંગ કરવાની હતી. ચાબૂક પાછળથી પોસ્ટ પ્રોડક્શન દરમિયાન ડિજિટલી ફિટ કરવામાં આવ્યું. શરીર પર સોળ ઉઠવાની અને લોહીના ટશિયા ફૂટવાની ઈફેક્ટ પણ ડિજિટલી ક્રિએટ કરવામાં આવી છે. કમ્યુટરનો ભરપૂર ઉપયોગ થયો હોવા છતાં આ સીનના શૂટિંગ દરમિયાન જિમને ઈન્જરી થઈ હતી. બે વખતે એને ખરેખર ચાબૂક લાગી ગયું હતું જેના લીધે એની પીઠ પર ૧૪ ઈંચ લાંબો ઘા પડી ગયો હતો. 

ઈશુ જેરુસલેમની ગલીઓમાં વજનદાર ક્રોસ લઈને ચાલે છે તે સિકવન્સના શૂટિંગ વખતે જિમના ખભા પર પહેલી વાર ૧૫૦ પાઉન્ડ વજનનો ક્રોસ મૂકાતાં જ તે ડિસ-લોકેટ થઈ ગયો હોત એટલે કે ખડી ગયો હતો. શૂટિંગ રોમમાં કરવામાં આવ્યું છે. ખુલ્લા મેદાનમાં ક્રોસ પર જ જડી દેવાનો સીન શૂટ થયો ત્યારે ઈટાલીમાં જોરદાર શિયાળો જામ્યો હતો. કાતિલ ઠંડકમાં જિમે ખુલ્લા શરીરે ક્યાંય સુધી ક્રોસ પર લટકી રહેવાનું હતું. અમુક શોટ્સમાં આબેહૂબ જિમ જેવું દેખાતું ને શ્વાસોચ્છવાસ જેવી મુવમેન્ટ કરતું રબરનું પૂતળું વપરાયું છે. એક શોટમાં ક્રોસ જિસસ સહિત વળીને આડું થઈ જાય છે. આ જોખમી શોટમાં તમે જિમને નહીં, એનાં પૂતળાને જુઓ છો.  

આ ફિલ્મ જોતી વખતે આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ તેનો બહુ મોટો જશ ફિલ્મના મેકઅપ આટસ્ટ કીથ વેન્ડ્રલને આપવો પડે. અત્યંત જટિલ હતો લોહીલુહાણ થઈ ગયેલા શરીરનો મેકઅપ કરવો. ક્યારેક નવ-દસ કલાક માત્ર મેકઅપમાં જ જતા રહેતા. સમય બચાવવા જિમ સાંજે શૂટિંગ પૂરું થાય પછી મેકઅપ કાઢયા વગર જ સૂઈ જતો. ફિલ્મની ટીમમાં કલાકાર-કસબીઓ ઉપરાંત એક ખ્રિસ્તી પાદરી પણ હતા. શૂટિંગ શરુ કરતાં પહેલાં પાદરી રીતસર સેટ પર રોજ પૂજાપાઠ કરતા. આટલું જ એમનું કામ.  

ફિલ્મ રિલીઝ થતાં જ સુપરહિટ થઈ. ૪૫ મિલિયનના ખર્ચે બનેલી ફિલ્મ ૬૦૦ મિલિયન કરતાં વધારે કમાણી કરી. ફિલ્મ ન ચાલી હોત તો મેલ ગિબ્સન રસ્તા પર આવી ગયા હોત, પણ એમનો જુગાર ફળ્યો. કહો કે એમને જિસસ ક્રાઈસ્ટ ફળ્યા! વિવાદો પણ ખૂબ થયા. નેચરલી. ફિલ્મ રિવ્યુઅર્સ બે અંતિમો પર વહેંચાઈ ગયા. અમુકને આ ફિલ્મ જરાય ન ગમી. એમનું કહેવું હતું કે આવી ભયાનક હિંસા દેખાડીને ડિરેક્ટર આખરે કહેવા શું માગે છે? ફિલ્મમાં ધામકતા કે આધ્યાત્મિકતા ક્યાં છે? પણ રોજર ઈબર્ટ જેવા કેટલાય ક્રિટિક્સ ફિલ્મ પર ઓવારી ગયા. રોજરે લખ્યું કે આટલી હિંસક ફિલ્મ મેં મારી જિંદગીમાં ક્યારેય જોઈ નથી. ધામક પિક્ચર જોવાના મૂડ સાથે ફિલ્મ જોવા બેઠેલા દર્શકો જોકે હેબતાઈ જતા હતા. કુવૈત અને બહેરીનમાં આ ફિલ્મ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કેમ કે ઈસ્લામિક ફિલોસોફી પ્રમાણે જિસસ કેવળ એક અવતાર છે, સન ઓફ ગોડ (ઈશ્વરના પુત્ર) નહીં. આ ફિલ્મ યહૂદી-વિરોધી ગણાઈ ગઈ. 

જો હજુ સુધી જોઈ ન હોય તો કાળજું કઠણ કરીને 'ધ પેશન ઓફ ધ ક્રાઇસ્ટ' જોજો ને આઘાતથી મૂઢ થવાની માનસિક તૈયારી રાખજો. 

'ધ પેશન ઓફ ધ ક્રાઇસ્ટ'ની તુલનામાં 'છાવા'માં દેખાડવામાં આવેલી ક્રૂરતા ક્યાંય ઓછી છે, તો પણ દર્શકોને તે અસહ્ય લાગે છે. આપણાં પૂજનીય વ્યક્તિત્વોને થતી પીડા આપણાથી સહન થતી નથી. આ પીડા સ્ક્રીન પર થઈ રહી હોય તો પણ નહીં! 


Google NewsGoogle News