ભૂતિયા પાત્રોવાળી ડરામણી ફિલ્મ કાલમાં સંગીત તો ગતિશીલ હતું, પણ...
- 'ઓ માહિયા ઓ માહિયા...' ડાન્સ ગીત જાણ્યે અજાણ્યે શાસ્ત્રીય રાગ આધારિત બની ગયું છે. મધમાઢ સારંગ અને મેઘ રાગની ઝલક દેખાડતું આ ગીત સોનુ નિગમ, સુનિધિ ચૌહાણ, કુણાલ ગાંજાવાલા અને રીચા શર્માના કંઠમાં છે.
ઉ ત્તરાખંડમા આવેલા જગવિખ્યાત જીમ કોર્બેટ નેશનલ પાર્કનો ખ્યાલ આપે એવા એક કાલ્પનિક ઓર્બેટ નેશનલ પાર્કમાં પર્યટકો રહસ્યમય રીતે ગૂમ થતાં રહે છે. ત્યારબાદ એમનાં ક્ષતવિક્ષત મૃતદેહો મળે છે. એની તપાસ કરવા નેશનલ જ્યોગ્રાફિક સામયિક એક બાયોલોજિસ્ટને મોકલે છે. પત્ની સાથે આ પાર્કમાં આવેલા એ બાયોલોજિસ્ટને પણ ચિત્રવિચિત્ર અનુભવ થાય છે. રહસ્યમય ગણાતી હત્યાઓ કરવા કે કરાવવામાં એક ભૂત નિમિત્ત બને છે એવી વાહિયાત કથા ધરાવતી ફિલ્મ 'કાલ' (૨૦૦૫)ની એક માત્ર ખૂબી એનું સંગીત હતું એેમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય.
ટોચના ફિલ્મ સર્જક કરણ જોહર અને શાહરૂખ ખાન નિર્મિત આ ફિલ્મ આમ તો મલ્ટિસ્ટાર કહી શકાય એવી હતી. અજય દેવગણ, જ્હોન અબ્રાહમ, વિવેક ઓબેરોય, લારા દત્તા, ઇશા દેઓલ અને મહેમાન ભૂમિકામાં ખુદ શાહરુખ ખાન. પરંતુ પટકથા એટલી નબળી હતી કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કશું ઉકાળી શકી નહીં. એટલે આપણે ફક્ત સંગીતની વાત કરવી રહી. નિર્માતાઓએ આ ફિલ્મમાં એક કરતાં વધુ સંગીતકાર રાખ્યા હતા- સલીમ સુલેમાન અને આનંદ રાજ આનંદ. બબ્બે સંગીતકાર હોવા છતાં એક વાત ખૂંચે એવી છે. તમામ ગીતોમાં લય એકસરખો (એ. આર. રહેમાન ટાઇપ)નો વિદેશી શૈલીનો ફાસ્ટ કહેરવો છે. જો કે ભૂતકથા હોવાથી કદાચ અન્ય તાલનો ઉપયોગ સંગીતકારો કરી નહીં હોય એવી કલ્પના કરી શકાય.
આ ફિલ્મમાં સલીમ સુલેમાન અને આનંદ રાજ આનંદ એમ બે સંગીતકાર હતા. આમ છતાં કરણ જોહરે ફિલ્મને રસપ્રદ બનાવવા પોતાની અગાઉની હિટ ફિલ્મો 'કુછ કુછ હોતા હૈ' અને 'કભી ખુશી કભી ગમ' જેવી ફિલ્મોનાં ગીતોની મેડલી વચ્ચે ઘુસાડી છે. અને તો પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકી નહીં.
એક સિવાયનાં ગીતો શબ્બીર અહમદનાં હતાં. એક ગીત ગાયક કૈલાસ ખેરની રચના હતી. એ ગીતથી વાતનો ઉપાડ કરીએ. આ ગીત ખુદ કૈલાસ અને કેરેલીના મોન્ટેરોનાં કંઠમાં છે.'અખિયાં ટેરિયા વે, ટેરિયા વે ફૂલ કમલ દે, મીઠી મીઠી ગલ્લા દા છેડ ગઝલ દે...' પંજાબી શબ્દોથી ભરપુર આ ગીતના વિડીયોમાં કોરિયોગ્રાફી મસ્ત છે. ધમાકેદાર વેસ્ટર્ન લય અને કોરસનો સરસ ઉપયોગ અહીઁ સંગીતકારે કર્યો છે.
'જંગલ મિક્સ'માં ગાયકો વિજય પ્રકાશ અને કેરેલીસાએ જમાવટ કરી છે.
'કાલ ધમાલ' તરીકે ઓળખાવાયેલું ગીત મહેમાન કલાકાર શાહરુખ ખાન અને મલાઈકા અરોરા પર ફિલ્માવાયેલું દિલધડક ડાન્સ સોંગ છે. આ ગીત રિમિક્સ તરીકે ફરી રજૂ થાય છે. કુણાલ ગાંજાવાલા, સંગીતકાર સલીમ મર્ચંટ અને કેરેલીસાના કંઠે ગવાયેલા આ ગીતના શબ્દો ફિલ્મની કથાને અનુરૂપ લખાયા છે- 'શેરની યહ આંખેં તુમ્હારી ક્યા ગજબ હૈ પ્યારી, મખમલી યહ રુપ તુમ્હારા...' આ ગીતના ડાન્સમાં કેટલાક સ્ટેપ્સ એક્રોબેટિક્સ જેવાં છે છતાં ઓડિયન્સને જકડી રાખે છે, એ માટે કોરિયોગ્રાફરને યશ ઘટે છે.
સંગીતકાર આનંદ રાજ આનંદ, સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણના કંઠે રજૂ થતું ગીત 'જિંદગી દૌડ હૈ, દૌડ હૈ જિંદગી, દુનિયા કે મેલે મેં હર દિલ અકેલા હૈ... નાસા નાસા...' પણ ડાન્સ સોંગ છે. કથાનકને ધક્કો મારીને આગળ ચલાવવા આવા ડાન્સ ગીત મૂકાયાની છાપ પડે છે.
એક સરસ ફાસ્ટ ડાન્સ ગીત જાણ્યે અજાણ્યે શાસ્ત્રીય રાગ આધારિત બની ગયું છે. મધમાઢ સારંગ અને મેઘ રાગની ઝલક દેખાડતું આ ગીત સોનુ નિગમ, સુનિધિ ચૌહાણ, કુણાલ ગાંજાવાલા અને રીચા શર્માના કંઠમાં છે. 'ઓ માહિયા ઓ માહિયા...' પછી શબ્દો હિંગ્લીશ (અર્થાત હિન્દી વત્તા અંગ્રેજી)માં ફેરવાઇ જાય છે. 'ફીલ ધ ફાયર, માય ડિઝાયર, ટેક મી હાયર સોણિયે, યુ આર માય પ્લેઝર, ઓનલી ટ્રેઝર, યૂથ ફોર એવર સોણિયે...' આ ગીતનો ડાન્સ પણ ટીનેજર્સને જકડી રાખે એવો છે.
સોહમ શાહે 'કભી ખુશી કભી ગમ' વખતે કરણ જોહરના સહાયક નિર્દેશકની જવાબદારી સંભાળેલી. એમણે આ ફિલ્મની કથા લખી છે, પરંતુ પ્લોટ નબળો અને પટકથા પણ નબળી એટલે ટીનેજર્સને નચાવે એવું ધમાકેદાર સંગીત પણ ઓડિયન્સને આકર્ષી શક્યું નહીં. ફિલ્મ ચાલી નહીં. જોકે 'ડાન્સ ધમાલ' ગીત આજ પણ ક્યાંક ક્યાંક કાને કે આંખે પડી જાય છે.