મારા એક બાળકને મોટું કરવા માટે આખું ગામ કામે લાગ્યું છે : રિચા ચઢ્ઢા
- 'અમને ખબર નથી કે અમારી દીકરી મોટી થશે ત્યારે તેને કેવું લાગશે, માતા-પિતા તરીકે એ અમારૃં કેવું મૂલ્યાંકન કરશે. ક્યા પતા, હમેં હી ગાલિયા પડેગી...'
બો લિવુડમાં પોતાની પ્રતિભાને જોરે સફળ થનારી આંગળીને વેઢે ગણાય એવી અભિનેત્રીઓમાં રિચા ચઢ્ઢા સામેલ ન કરો તો એ યાદી અધૂરી ગણાય. નિર્માત્રી તરીકે તેની પહેલી ફિલ્મ 'ગર્લ વીલ બી ગર્લ્સ'ને જે રીતે આવકાર મળ્યો છે તેનાથી રિચા ખુશ છે. રિચા ચડ્ઢા અને અલી ફઝલ છ મહિનાની પુત્રી ઝુુનેયરાને ઉછેરવાનો આનંદ પણ માણી રહ્યાં છે. બંને જણાં તાજેતરમાં પહેલીવાર ઝુનેયરાને મુંબઇ મુકી દિલ્હી ગયા ત્યારે રિચાએ દિલ્હીની કુડી તરીકે તેની લાગણીઓને અભિવ્યક્ત કરી હતી.
રિચાએ ફોડ પાડીને જણાવે છે કે અમે તો ઝુનેયરાને સાથે લઇને દિલ્હી આવવા માગતાં હતા, પણ શહેરનું હવામાન અને પ્રદૂષણને કારણે અમારે એ નિર્ણય પડતો મુકવો પડયો. દિલ્હીવાસી તરીકે આજનો પ્રદૂષિત માહોલ જોઇ મારું દિલ તુટી જાય છે. જ્યારે હું અહીં ભણતી હતી ત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સનું નામ પણ કોઇએ સાંભળ્યું નહોતું. એ સમયે ચારેબાજુ હરિયાળી છવાયેલી હતી. હું જે લોધી રોડ પર થઇને સ્કૂલે જતી હતી તે રસ્તો તો એકદમ સરસ હતો. દિલ્હીવાસીઓએ હવે પ્રદૂષણને નાથવા નક્કર પગલાં ભરવાની જરૂર છે.
ઝુનેયરાને સાથે ન હોવા છતાં નવા નવા માતાપિતા બનેલાં રિચા અને અલી તેની વાતો કરતાં ધરાતાં નથી. રિચાએ જણાવ્યું હતું કે અમારા જીવનમાં એક નવી જ સૃષ્ટિ રચાઇ છે. તેને કારણે અમે જે રીતે સિનેમાને જોઇએ અને સમજીએ છીએ તેમાં પણ ફરક પડયો છે. ફઝલ ઉમેરે છે, કેટલો ફરક પડયો છે તે ખબર નથી પણ ફરક જરૂર પડ્યો છે.
રિચા નિરાંતે કહે છે, ઘરમાં હાલ તો એકદમ સરસ અને શાંતિપૂર્ણ વાતાવરણ છે. પણ એક કહેવત છે ક એક બાળકને ઉછેરવા માટે આખા ગામની જરૂર પડે તે હવે મને સમજાય છે. પણ આયા અને અલીના પિતા અને મારી માતા અમારા માટે આધારરૂપ બની રહ્યા છે. એ રીતે અમે નસીબદાર છીએ. રિચા કહે છે, 'ઘરમાં તો શાંતિ છે પણ જેવા અમે બહાર પગ મુકીએ કે પાપારાઝીઓ અમને ઘેરી વળે છે. અમે પાપારાઝીઓને ઝુનેરિયાની તસવીરો ન લેવાની વિનંતી કરી છે. હું ઇચ્છું છું કે તેની તસવીરો લેવામાં જ ન આવે.' અલી ફઝલ ઉમેરો કરતાં કહે છે, 'જ્યાં સુધી તેને પોતાને પસંદગી કરવાની સમજણ ન આવે ત્યાં સુધી તો તેની તસવીરો ન લેવી જોઇએ. અમને ખબર નથી કે તે મોટી થશે ત્યારે તેને કેવું લાગશે. ક્યા પતા હમેં હી ગાલિયા પડેગી...' કહી અલી હસી પડે છે.
બીજી તરફ અલીના ગુણગાન ગાતાં ન થાકતી રિચા કહે છે, 'અમારા બંનેના વ્યક્તિત્વો અલગ છે. તે ખરેખર ઝડપથી વિચારે છે જ્યારે હું ચૂપ રહું છું. તે તેના સમયના અડધા કલાક પહેલાં પહોંચી જાય છે જ્યારે હું હમેંશા પાંચ મિનિટ મોડી પડું છું. અમે બંને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવીએ છીએ અને અમે બંને શિક્ષિત અને ખૂબ મહેનતુ છીએ. અલીની એક ખોડ એ છે કે તેને ક્યાંય જવાનું હોય તો તે અગાઉથી જ ટેન્શનમાં આવી જાય છે. ઝૂમ કોલ કરવાનો હોય તો પણ તે અડધો કલાક પહેલાં તૈયાર થઇને બેસી જાય છે. હું તેની હાલત જોઇ હસતી હોઉં છું કે ઝૂમ કોલ તો તેનો સમય થાય ત્યારે જ શરૂ થશે. તેને રાંધવાનો શોખ છે. તે શાકભાજી અને વિવિધ પ્રકારના રાઇસ અને પાસ્તા બનાવી જાણે છે.'
રિચા ઉમેરે છે, 'અમારા માટે પેરેન્ટહૂડ સમાન ધોરણે બજાવવાની ફરજ છે. મને તો હાલ મોટી રાહતનો અનુભવ થાય છે. એક સમયે મેં જ્યારે ઝુનેરિયાને સ્તનપાન કરાવવાનું શરૂ કર્યું ત્યારે મને એવી લાગણી થતી કે, મૈૅ યે કમરે સે કભી બહાર નિકલુંગી કી નહીં. પણ અલી એક સરસ પિતા છે. તે તેની સાથે વાતો કરતો હોય કે તેને લાડ લડાવતો હોય તે એકદમ સરસ લાગે છે. યોગ્ય સહાય વિના બાળકને ઉછેરવાનું કામ સરળ નથી. મારા કિસ્સામાં મને સારી આયા મળી છે અને મારો વર પણ સારો ટેકો કરે છે. આમ, બંને રીતે હું નસીબદાર છું. હુ ધ્યાન રાખું છું કે જ્યારે ઝુનેરિયાને મારી જરૂર પડે ત્યારે હું આસપાસમાં જ હોઉં છું. હું મારા કામને ઘરને કેન્દ્રમાં રાખીને જ ગોઠવું છું. ટ્રેલર લોન્ચ હોય કે ઇન્ટરવ્યુ આપવાના હોય હું ધ્યાન રાખું છું કે જરૂર પડે હું વિના વિલંબે મારી પુત્રી પાસે પહોંચી શકું. આમ, આ એક નવો અનુભવ છે. એક્ટિંગ અને બીજાં કામો હું ફેબુ્રઆરીની આસપાસ હાથ ધરીશ તેમ મને લાગે છે.'