Get The App

ઓસરી ગયો ડબ કરેલી ફિલ્મો જોવાનો છોછ .

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
ઓસરી ગયો ડબ કરેલી ફિલ્મો જોવાનો છોછ                          . 1 - image


- એક બોક્સ ઓફિસ રિપોર્ટ અનુસાર ગયા વર્ષે હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસની કુલ કમાણીમાં ડબ કરેલી સાઉથ ઇન્ડિનય ફિલ્મોનો હિસ્સો 31 ટકા (1,464 કરોડ રૂપિયા) હતો. 

એ વાત સર્વવિદિત છે કે છેલ્લા કેટલાંક વર્ષથી હિન્દી ફિલ્મોના દર્શકોને હિન્દીમાં ડબ કરેલી દક્ષિણ ભારતીય ફિલ્મો ગમવા લાગી છે. એક બોક્સ ઓફિસ રિપોર્ટ અનુસાર ગયા વર્ષે હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસની કુલ કમાણીમાં ડબ કરેલી સાઉથ ઇન્ડિનય ફિલ્મોનો હિસ્સો ૩૧ ટકા (૧,૪૬૪ કરોડ રૂપિયા) હતો. આ બાબતે એક્ઝિબિટરો કહે છે કે હવે હિન્દી ફિલ્મોના દર્શકોને ડબ કરેલી દક્ષિણ ભારતીય ફિલ્મો જોવામાં કોઈ નાનપ નથી લાગતી. વળી હિન્દી ફિલ્મોદ્યોગમાં મૌલિક સિનેમાનો દુકાળ પડયો હોવાથી પણ દર્શકો ડબ કરેલી સાઉથ ઇન્ડિયન મૂવીઝ જોવા તરફ વળ્યાં છે.

વાસ્તવમાં વર્ષ ૨૦૨૪માં હિન્દી ફિલ્મોદ્યોગે ગણતરીની ફિલ્મો જ રજૂ કરી હતી. આવી સ્થિતિમાં સાઉથની 'હનુ-માન', 'દેવરા', 'કલ્કિ ૨૮૯૮ એડી', 'પુષ્પા-૨' જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ. તદુપરાંત હિન્દી સિનેમાના નબળા કન્ટેન્ટને પગલે દક્ષિણ ભારતીય ફિલ્મોનું ડબ વર્ઝન જોવા તરફ વળેલા દર્શકોએ તેને સરળતાથી સ્વીકારી લીધું. તેમને સારું કન્ટેન્ટ ધરાવતી ઉત્તમ ફિલ્મો જોવાથી મતલબ રહ્યો છે, સંબંધિત મૂવીઝ ડબ કરેલી છે કે મૌલિક તેનાથી તેમને ખાસ ફરક નથી પડતો. એ સમય વિતી ગયો જ્યારે દર્શકોને ડબ કરેલી ફિલ્મો જોવાનો છોછ હતો. હવે તેમને પોતાના નાણાં તેમ જ સમયના રોકાણનું પૂરેપૂરું વળતર મળે એવી ફિલ્મો જોવામાં જ રસ રહ્યો છે.

વર્ષ ૨૦૨૨ની જ વાત કરીએ તો તે વખતે 'કાંતારા', 'કેજીએફ ચેપ્ટર-૨' અને 'આરઆરઆર'એ પણ હિન્દી બોક્સ ઓફિસ પર ધૂ મચાવી હતી. દક્ષિણ ભારતની આ ડબ્ડ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર પોતાનો ૩૨ ટકા જેટલો ફાળો નોંધાવ્યો હતો. સમીક્ષકો અને ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલા વ્યાવસાયિકો કહે છે કે ડબ ફિલ્મોની લોકપ્રિયતા વધવા પાછળ ઘણાં કારણો છે, પરંતુ તેનું સૌથી મોટું કારણ છે ઓટીટી તરફ વધેલો દર્શકોનો ઝોક. ઓટીટી પ્લેટફોર્મ્સના વિકાસ સાથે દર્શકોને વિવિધ પ્રાદેશિક ફિલ્મો જોવાની તક સાંપડી. આ ફિલ્મોમાં બોક્સ ઓફિસ પર સફળતાને વરેલી ડબ ફિલ્મો પણ હતી. સ્વાભાવિક રીતે જ દર્શકોને ઓટીટી પર ડબ વર્ઝન જોવાની ટેવ પડવા લાગી અને આ આદત સિનેમાઘરોમાં પણ ખપ લાગી. તદુપરાંત દક્ષિણ ભારતની ખાસ કરીન તેલુગુ ફિલ્મોની કહાણીઓએ દર્શકો પર જબરદસ્ત પક્કડ જમાવી દીધી.

જોકે ફિલ્મ પ્રદર્શકો કબૂલે છે કે ડબ કરેલી ફિલ્મોની માગ મહાનગરોની તુલનામાં નાના શહેરોમાં વધારે છે. આનું કારણ સમજાવતા તેઓ કહે છે કે દક્ષિણ ભારતીય ફિલ્મોની કહાણીઓ દર્શકોના ચોક્કસ વર્ગને નહીં, બલ્કે વિશાળ વર્ગને લાગુ પડે, આકર્ષે એવી હોય છે. આ ફિલ્મો જોતી વખતે મબલખ લોકોને એવું લાગે જાણે તેઓ પોતાની કહાણી પડદા પર જોઈ રહ્યા છે. તેના સિવાય આ ફિલ્મોમાં ગ્રે શેડ ભાગ્યે જ જોવા મળે છે. કહેવાનો અર્થ એ છે કે તેમાં સ્પષ્ટપણે એક તરફ હીરો અને બીજી બાજુ વિલન હોય છે. હીરો પોતાની માતાને પ્રેમ કરે છે. આ ફિલ્મોમાં ભારતીય મૂલ્યો ચોકખાચણાંક દેખાઈ આવે છે. સ્વાભાવિક રીતે જ દર્શકોનો વિશાળ વર્ગ ખરા મનથી તેની સાથે સંકળાઈ જાય છે. 


Google NewsGoogle News