અબ તેરા ક્યા હોગા, પ્રભાસ? .
- પ્રભાસ નસીબનો બળિયો છે. એની ફિલ્મો ફ્લોપ થયા કરે છે તો પણ એને મહત્ત્વાકાંક્ષી બિગ બજેટ પ્રોજેક્ટ્સ મળ્યા જ કરે છે. જોઈએ, 'કલ્કિ 2989 એડી' એની નૈયાને તારે છે કે ડૂબાડે છે...
તમે પ્રભાસની આગામી ફિલ્મ 'કલ્કિ ૨૮૯૮ એડી'નું ટીઝર જોયું? કેવું લાગ્યું? ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી બન્ને તરફથી મિશ્ર પ્રતિભાવ મળી રહ્યા છે. એ જે હોય તે, પણ 'કલ્કી ૨૮૯૮ એડી' આ વર્ષની એક મોસ્ટ-અવેઇટેડ ફિલ્મ છે એ તો નક્કી. આ એક સાયન્સ ફિક્શન છે, જેમાં દીપિકા પદુકોણ, અમિતાભ બચ્ચન તેમજ કમલ હસન જેવાં સ્ટાર્સ પણ છે. પ્રભાસ કહે છે, 'આ એક ગ્રાઉન્ડ-બ્રેકિંગ ફિલ્મ બની રહેશે. અમે તે આંતરરાષ્ટ્રીય ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવી છે.'
આ ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટ્સની ભરમાર છે. દેખીતું છે કે ફિલ્મનું બજેટ તોતિંગ હોવાનું. પ્રભાસને આમેય પેન-ઇન્ડિયા (દેશવ્યાપી) ફિલ્મ કરતાં ઓછું કશું ખપતું નથી. 'પ્લીઝ, મને પેન-ઈન્ડિયન સ્ટાર ન કહો,' પ્રભાસ સહેજ સંકોચાઈને કહે છે, 'પર્સનલી મને આ પ્રકારનાં વિશેષણોથી કશો ફરક પડતો નથી. હા, આખા દેશની જનતા મને પસંદ કરે છે તે જાણીને મને ભારે આનંદ થાય છે.'
દૂરના ભાવિમાં સેટ થયેલી 'કલ્કી ૨૮૯૮ એડી' દંતકથાથી પ્રેરિત છે. થોડા દિવસો પહેલાં દિગ્દર્શક નાગ અશ્વિને ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારીત એક રોબોટ કાર પેશ કરી હતી. પ્રભાસનું પાત્ર આ બુજ્જી નામની અજબગજબની કારમાં સવારી કરે છે. આ વાહન બનાવતા આઇટી ટીમને ચાર વર્ષનો સમય લાગ્યો હતો. બુજ્જી કાર વિશે અમિતાભ બચ્ચને એક હૃદયસ્પર્શી પોસ્ટમાં લખી હતી કે, 'આવા પ્રોજેક્ટમાં કામ કરતી વખતે તમને પરિણામની જાણ હોતી નથી. તમને વિચાર આવે કે દિગ્દર્શકે આવી કલ્પના કેવી રીતે કરી હશે? ખરેખર, મને અવિરત આશ્ચર્ય અને પ્રશંસાની લાગણી થયા કરે છે.'
આ ફિલ્મની કહાણીનો સમયગાળો મહાભારતકાળથી શરૂ થાય છે અને ૨૮૯૮ એડીમાં સમાપ્ત થાય છે. આમ, ફિલ્મ છ હજાર વર્ષના સમયગાળાને આવરી લે છે. નાગ અશ્વિન કહે છે, 'અમે ભારતીયતાને ધ્યાનમાં રાખીને ભાવિમાં વિશ્વ કેવું હશે તેની કલ્પના કરી છે. ફિલ્મ હોલિવુડની 'બ્લેડ રનર' જેવી ન દેખાય તેવો પ્રયાસ કર્યો છે. ભાવિની કલ્પના અને ભારતીય સંસ્કૃતિના તત્ત્વોનું કોમ્બિનેશન 'કલ્કિ ૨૮૯૮ એડી'ને ટિપિકલ સાય-ફાયથી અલગ પાડશે.'
પ્રભાસ માટે સૌથી મોટી વાત એ છે કે અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવા બબ્બે લેજન્ડ્સ એના સહકલાકારો છે. એ કહે છે, 'આખો દેશ આ બંને કલાકારોને માનની નજરે જુએ છે. મને બંનેની સાથે કામ કરવાની તક મળી તે બદલ હું મને સદ્ભાગી માનું છું. મને યાદ છે, હું નાનો હતો ત્યારે કમલસરની હિટ તેલુગુ ફિલ્મ 'સાગર સંગમમ્'જોઈને એમના ડાન્સની અને સ્ટાઈલની નકલ કરવાનો પ્રયાસ કરતો.'
પ્રભાસ માને છે કે 'કલ્કિ ૨૮૯૮ એડી' ભારતીય સિનેમાના સૌથી મહત્ત્વાકાંક્ષી સાયન્સ ફિક્શન પ્રોજેક્ટ્સ પૈકીની એક છે. દંતકથા, ભાવિનાં તત્ત્વો અને આઈકોનિક કલાકારોને ચમકાવતી આ ફિલ્મ માત્ર ભારતીયોને નહીં, દુનિયાભરના ઓડિયન્સને આકર્ષશે એવી એને આશા છે.'
આશા રાખવામાં કશો વાંધો નથી. જો બધું સમુસૂતરું પાર પડે તો, શક્ય છે કે, 'કલ્કિ ૨૯૮૯ એડી' એક લેન્ડમાર્ક ફિલ્મ પૂરવાર થાય પણ ખરી. સાથે સાથે એવી પણ શક્યતા છે કે આ ફિલ્મ 'આદિપુરુષ' જેવો ધબડકો કરે. યુ નેવર નો! પ્રભાસ નસીબનો બળિયો છે. એની ફિલ્મો ફ્લોપ થયા કરે છે તો પણ એને બિગ બજેટ પ્રોજેક્ટ્સ મળ્યા જ કરે છે. જોઈએ, 'કલ્કિ...' એની
નૈયાને તારે છે કે ડૂબાડે છે...