કૃષ્ણા ભારદ્વાજના દિલોદિમાગ પર છવાયો 'તેનાલી રામા'
ટીવી પર આવતી કેટલીક ધારાવાહિકોના ચોક્કસ પાત્રો દર્શકોના મન-મગજ પર કાયમી છાપ છોડી જતાં હોય છે. મહત્ત્વની વાત એ છે કે જે-તે કલાકારને પોતાની સંબંધિત ઈમેજ ઝાંખી પાડતાં વર્ષો લાગી જાય છે. 'તેનાલી રામા' સીરિયલમાં ટાઈટલ રોલ ભજવતા અભિનેતા કૃષ્ણ ભારદ્વાજ પણ આવો જ એક કલાકાર છે. ચાર વર્ષ અગાઉ આવતી આ ધારાવાહિકમાં માથે મુંડન અને ચોટી ધરાવતાં અત્યંત બુદ્ધિશાળી - ચતુર 'તેનાલી રામા'નું કિરદાર અદા કરતાં કૃષ્ણને દર્શકોએ આ રોલમાં બેહદ પસંદ કર્યો. અને હવે છેલ્લાં કેટલાક સમયથી આવી રહેલી તેની બીજી સીઝનમાં પણ આ જ પાત્રમાં આવેલા કૃષ્ણ ભારદ્વાજને એટલો જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
અભિનેતા સ્વયં પણ દર્શકોના પ્રેમથી ખુશ હોય તે સ્વાભાવિક છે. પરંતુ કેટલીક વખત પ્રશંસકો તેને આનંદનોે આંચકો આપતાં હોય છે. આવા જ એક કિસ્સા વિશે વાત કરતાં કૃષ્ણ કહે છે, 'અમે આ શોનું શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે જ અમારી સમક્ષ જાણે કે એક વધુ તેનાલી રામા પ્રગટ થયો. વાસ્તવમાં મારા એક ચાહકે તેનાલી રામા જેવો જ વેશ ધારણ કર્યો અને અમારી સામે આવીને ઊભો રહી ગયો. એટલું જ નહીં, તેણે શોમાંનો એક રમુજી સંવાદ પણ બખૂબી રજૂ કર્યો. આવા કિસ્સા કોઈપણ કલાકાર માટે સુખદ સંભારણા સમાન બની રહે.'
સીરિયલોના લોકપ્રિય પાત્રો માત્ર દર્શકો પર જ પ્રભાવ નથી પાડતા, બલ્કે જે તે કલાકારના દિલોદિમાગ પર પણ છવાઈ જાય છે. એવું લાગે છે કે તેનાલી રામાના કિરદારે કૃષ્ણના મન-મગજનો કબજો લઈ લીધો છે. અભિનેતા સ્વયં આ વાત કબૂલ કરતાં કહે છે કે, 'હું મુશ્કેલ ઘડીમાં તેનાલીની જેમ વિચારતો થઈ જાઉં છું અન તત્કાલીન સમસ્યાનો ઉકેલ શોધી કાઢું છું.' તે એક દાખલો આપતાં કહે છે, 'સેટ પર એક વખત નિર્માણ વિષયક સમસ્યા પેદા થઈ ત્યારે તે મારો વિષય ન હોવા છતાં મારું મગજ તેનો ઉકેલ શોધવા ઝડપથી દોડવા માંડયું. અને જ્યારે મેં આ ઉકેલ જાહેર કર્યો ત્યારે સેટ પર હાજર બધા લોકો સાગમટે હસી પડયાં હતાં. તેમણે મને કહ્યું હતું કે હંઠ પણ તેનાલીની જેમ વિચાર કરતો થઈ ગયો છું. તેમની આ વાત શતપ્રતિશત સાચી હતી. મારી અંદર પણ પરિસ્થિતિની જટિલતાનો શાંતિ અને સમજદારીથી સામનો કરવાના ગુણો વિકસ્યા છે. માત્ર બુદ્ધિથી નહીં, પરંતુ બુદ્ધિ સાથે મનમાં દયાભાવ રાખીને વિચારવાથી માનવતાવાદી અભિગમ વિકસે એ વાત હું આ પાત્ર પાસેથી શીખ્યો છું.'
જોકે કૃષ્ણને આ રોલ અદા કરવા બુદ્ધિબળ અને રમૂજનું સંતુલન સાધવું પડે છે. વિનોદ કરતી વખતે જાતે હસી પડવાને બદલે ચહેરા પર માત્ર સ્મિત રેલાવીને દ્રશ્ય આપવામાં પોતાની જાત પર સંયમ રાખવો પડે છે. પરંતુ અભિનેતાને એ વાતની ખુશી છે કે તે આ કામ બખૂબી કરી જાણે છે. કૃષ્ણ કહે છે, 'આવું ઐતિહાસિક પાત્ર ભજવવા આટલું તો કરવું જ રહ્યું. તેને માટે હું શોના દિગ્દર્શકની સૂચનાઓ ધ્યાનપૂર્વક સાંભળું છું. અને ઘણી વખત ક્રૂ સમક્ષ પંચલાઈનની પ્રેક્ટિસ કરીને તેમની પ્રતિક્રિયા ભાળી લઉં છું.'
લાંબા સમય સુધી એકસાથે કામ કરનારા કલાકાર-કસબીઓ એક પરિવાર સમાન બની જાયછે. અને પરિવારના આ સભ્યોમાંથી કોઈ એકાદ જણ દરેકને વધુ પસંદ હોય તે પણ સ્વાભાવિક છે. કૃષ્ણને તેમની ટીમમાંથી પંકજ બેરી સૌથી વધુ ગમે છે.
અભિનેતા કહે છે, 'જ્યારે અમારો શોટ ન હોય ત્યારે અમે પુષ્કળ મજાક-મસ્તી કરીએ છીએ. સેટ પર તેમની હાજરી સકારાત્મક ઊર્જા લાવે છે. અલબત્ત, મને સમગ્ર ટીમ સાથે ફાવે છે. પરંતુ કોઈ એક ખાસ કલાકાર વિશે પૂછવામાં આવે ત્યારે હું પંકજ બેરીનું નામ આપું છું.'