ટેલર સ્વિફ્ટ - જસ્ટિન બેલ્ડોની વિવાદ: પણ એમાં મારો શું વાંક?
- બેલ્ડોનીને એની ટેલન્ટ એજન્સીએ પડતો મૂક્યો છે. એનો મહિલા એકતા એવોર્ડ પાછો લઈ લેવામાં આવ્યો છે. એક પોડકાસ્ટનું સંચાલનનું કામ પણ તેની પાસેથી છીનવી લેવાયું છે!
પોતાના સંગીત માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ ટેલર સ્વિફ્ટ, એક્ટર જસ્ટિન બેલ્ડોની સામે કાનૂની સંઘર્ષમાં ફસાઈ જતાં સહેજમાં બચી ગઈ છે. આ બધું એની પાક્કી બહેનપણી બ્લેક લાઇવલીને કારણે થયું. લાઇવલી અને બેલ્ડોનીએ 'ઈટ એન્ડ્સ વિથ અસ' ફિલ્મમાં સાથે કામ કર્યું છે. લાઇવલીએ પોતાના આ હીરો સામે જાતીય સતામણી અને બદનક્ષીના આરોપો મૂક્યા હતા. સ્વિફ્ટ આ સમગ્ર વિવાદમાં અજાણતા જોડાઈ ગઈ ને આખા પ્રકરણમાં આશ્ચર્યજનક વળાંક આવ્યો.
તાજેતરમાં દાખલ કરાયેલા કેસમાં બેલ્ડોની અને તેની ટીમ પર આરોપ થયો હતો કે તેઓ બ્લેક લાઈવલીને ટાર્ગેટ કરીને એને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા હતા. આ આરોપો પર પ્રકાશ પાડતો એક અખબારમાં એક દસ્તાવેજ છપાયો છે, જેેને કથિત રીતે બેલ્ડોનીની પીઆર ટીમે બનાવ્યો છે. આ દસ્તાવેજમાં ટેલર સ્વિફ્ટનો ઉલ્લેખ પણ છે. ટેલર સ્વિફ્ટનો વાંક ફક્ત એટલો છે કે એ લાઇવલીની બહેનપણી છે!
દસ્તાવેજમાં બેલ્ડોનીની પીઆર મેનેજર મેલિસા નેથનને ટાંકવામાં આવી છે. પેલા દસ્તાવેજમાં મેનેજર બેલ્ડોનીને સોશિયલ મીડિયાની તાકાત વિશે માહિતીગાર કરી રહી છે અને એને ચેતવણી આપી રહી છે કે સંભાળજે... ટેલર સ્વિફ્ટના ચાહકો કરોડોની સંખ્યામાં છે, એટલે નાનો અમથો મુદ્દો પણ એના વિશાળ ચાહકવર્ગને કારણે મોટા બની શકે છે.
આ તમામ પુરાવા છતાં બેલ્ડોની ટીમે આ દાવાનું જોરદાર ખંડન કર્યું હતું અને આ કેસને શરમજનક ગણાવીને આરોપો સદંતર ખોટા હોવાનું જણાવ્યું હતું. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં ટેલર સ્વિફ્ટની ફસામણી હોલિવુડમાં જાહેર સંબંધો કેટલા જટિલ હોઈ શકે છે તેનું ઉદાહરણ છે. સેલિબ્રિટીઓનો પ્રભાવ ઘણીવાર કાનૂની દાવપેચમાં નવી ગૂંચ પેદા કરતો હોય છે. જોકે સ્વિફ્ટ પ્રત્યક્ષ સંડોવણી નિવારવામાં સફળ રહી છે. દસ્તાવેજમાં તેનો ઉલ્લેખ દર્શાવે છે કે કેવી રીતે પ્રભાવી વ્યક્તિઓને વિવાદોમાં તેમની જાણ બહાર ઘસડવામાં આવે છે.
દરમ્યાન જસ્ટિન બેલ્ડોની હવે લાઈવલી સામે વળતી ગંભીર ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરી રહ્યો છે. કાનૂની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થઈ જાય તેવી સંભાવના છે. બેલ્ડોની કહે છે કે હું મારી ફરિયાદ તમામ પૂરાવા સાથે રજૂ કરીશ. આ પૂરાવા જોઈને લાઈવલીના ચાહકોને જબ્બર આંચકો લાગશે.
ગરબડની શરૂઆત 'ઇટ એન્ડ્સ વિથ અસ'ના પ્રમોશન દરમિયાન થઈ હતી. લાઇવલીનું કહેવું છે કે પ્રમોશન દરમિયાન બેલ્ડોની મારા વિશે ખરાબ બોલ્યો જેને લીધે મારી ઇમેજને ધક્કો પહોંચ્યો છે. ફિલ્મના હીરો-હિરોઇને અલગ અલગ પ્રમોશન કરવાનું શરૂ કરી દીધું હતું.
બ્લેક લાઈવલીની હિંમત પછી હોલિવુડની અનેક અભિનેત્રીઓ તેના સમર્થનમાં આગળ આવી છે. બીજી તરફ, બેલ્ડોનીને એની ટેલન્ટ એજન્સીએ પડતો મૂક્યો છે. એને આપવામાં આવેલો મહિલા એકતા એવોર્ડ પાછો લઈ લેવામાં આવ્યો છે. આટલું જ નહીં, એક પોડકાસ્ટમાં સંચાલનનું કામ પણ તેની પાસેથી છીનવી લેવાયું છે!