ટેલર સ્વિફ્ટઃ સંગીત અને સમૃદ્ધિનો પાવરહાઉસ
- ફોર્બ્સ મેગેઝિને વિશ્વની સૌથી અમીર વ્યક્તિઓની જે યાદી બહાર પાડી છે તેમાં ટેલર સ્વિફ્ટનો પણ સમાવેશ થયો છે. આ અમેરિકન પોપ સેન્સેશન હવે એન્ત્રોપ્રિન્યોર ઇલોન મસ્ક જેવા માંધાતાઓની પંગતમાં શાનથી બિરાજમાન થઈ છે. ફોર્બ્સના અંદાજ પ્રમાણે ટેલર સ્વિફ્ટની નેટવર્થ અધધધ એક અબજ ડોલર કરતાંય વધારે છે.
ટેલર સ્વિફ્ટની ઓલરેડી ભરચક યશકલગીમાં એક ઔર પીછું ઉમેરાયું છે. ફોર્બ્સ મેગેઝિને વિશ્વની સૌથી અમીર વ્યક્તિઓની જે યાદી બહાર પાડી છે તેમાં ટેલર સ્વિફ્ટનો પણ સમાવેશ થયો છે. આ અમેરિકન પોપ સેન્સેશન હવે એન્ત્રોપ્રિન્યોર ઇલોન મસ્ક જેવા માંધાતાઓની પંગતમાં શાનથી બિરાજમાન થઈ છે. ફોર્બ્સના અંદાજ પ્રમાણે ટેલર સ્વિફ્ટની નેટ વર્થ અધધધ એક અબજ ડોલર કરતાંય વધારે છે.
આ અહેવાલે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ટેલર સ્વિફ્ટનું સ્થાન ઔર મજબૂત કરી દીધું છે. તેણે ચાર-ચાર વાર આલ્બમ ઓફ ધી યરનો ગ્રેમી એવોર્ડ મેળવ્યો છે તે પણ સંગીત ઉદ્યોગના ઈતિહાસની એક વિરલ સિદ્ધિ છે. ટેલરનો પ્રભાવ પરંપરાગત સરહદો ઓળંગી ગયો છે. એવું નથી કે ટેલર દિવસ-રાત માત્ર કામ, કામ અને કામ જ કરતી રહે છે. એની પર્સનલ લાઇફ પણ ખાસ્સી સંતોષકારક છે. હેન્ડસમ અમેરિકન ફૂટબોલ સ્ટાર ટ્રેવિસ કેલ્સ એનો બોયફ્રેન્ડ છે. ટ્રેવિસને ચીયર-અપ કરવા ટેલર કેટલીય વાર સ્ટેડિયમમાં હાજરી આપે છે. એની ઉપસ્થિતિ માત્રથી એનએફએલની વ્યુઅરશીપમાં જોરદાર ઉછાળો આવી જાય છે. આમ, ટેલર સ્વિફ્ટનું પ્રભાવક્ષેત્ર માત્ર મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પૂરતું સીમિત નથી, તે સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી પર પણ છવાયેલું છે!
તાજેતરમાં ટેલર સ્વિફ્ટે 'પોપ આર્ટિસ્ટ ઓફ ધી યર'નો એવોર્ડ એનાયત થયો. એ કહે છે કે કોઈ પણ કોન્સર્ટ કે મ્યુઝિકલ ટૂરની સફળતાનું ખરું શ્રેય તો ફેન્સને જ મળવું જોઈએ. તેઓ મારો શો જોવા આવે છે એટલે આ બધી ધૂમધામ છે. જો તેઓ મને ગાતી-નાચતી જોવા નહીં આવે તો બધું વ્યર્થ છે. વાત તો સાચી.