mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

તનિષા મુખર્જીને જોઈએ છે મિસ્ટર રાઇટ

Updated: Jun 27th, 2024

તનિષા મુખર્જીને જોઈએ છે મિસ્ટર રાઇટ 1 - image


- 'કોઈપણ સામાન્ય યુવતીની જેમ મારે પણ લગ્ન કરીને સંસાર માંડવો છે, મા બનવું છે. મેં મારા સ્ત્રીઅંડ પણ ફ્રીઝ કરાવી રાખ્યાં છે. બસ, મિસ્ટર રાઇટ મળે એટલી વાર છે.' 

થોડા મહિનાઓ અગાઉ તનિષા મુખર્જીએ ટચૂકડા પડદાના ડાન્સ રીઆલિટી શો 'ઝલક દિખલા જા'માં ભાગ લઈને લોકોને એ વાતની યાદ અપાવી કે તેને માત્ર કાજોલની બહેન કે તનુજાની પુત્રી તરીકે ઓળખવાની જરૂર નથી. તેની પોતાની આગવી ઓળખ છે. અલબત્ત, તનિષાને આ રીઆલિટી શોમાં જોનારાઓને તેની વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બૉસ'ની જર્ની સાંભરી આવી હતી. આમ છતાં બંને શોમાં આભ-જમીનનું છેટું હોવાથી તનિષાનો ડાન્સ રીઆલિટી શોની યાત્રાનો અનુભવ પણ તદ્દન વેગળો હતો.

અભિનેત્રી કહે છે કે મને પરફોર્મન્સ દરમિયાન પુષ્કળ લિફટ્સ અને ટ્રિક્સ કરવાની રહેતી. સ્વાભાવિક રીતે જ મને તેને માટે પુષ્કળ રીહર્સલ કરવાની જરૂર પડી હતી. પરંતુ મારા માટે લાંબા કલાકો સુધી રીહર્સલ કરવાનું સહેલું નહોતું. હું ચાર કલાકથી વધુ સમય સુધી રીહર્સલ ન કરી શકતી. પ્રેક્ટિસ કરવાને પગલે મારું અંગેઅંગ તૂટતું. છેવટે મેં આયંગર યોગ કરવાનું શરૂ કર્યું. મને મારા જીવનમાં કોઈ પ્રકારના બંધનો નહોતા જોઈતા. મેં 'ઝલક દિખલા જા'માં ભાગ લેવાનું સ્વીકાર્યું તેનું કારણ પણ એ જ કે હું પોતાના માટે એમ વિચારવા નહોતી માગતી કે મારાથી ચોક્કસ કામ નહીં થઈ શકે.

એ વાત સર્વવિદિત છે કે તનિષા હજી સુધી સિંગલ છે અને માતા તનુજા સાથે રહે છે. જોકે છેલ્લા કેટલાંક વર્ષથી તનુજાનું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે છે. પરિણામે તનિષા હમેશાં માતા માટે ચિંતિત રહે છે. તે કહે છે કે જ્યારે હું 'બિગ બૉસ'ના ઘરમાં હતી ત્યારે મારી મમ્મી ડાઇવર્ટિક્યુલિટિસ નામના રોગના સપાટામાં આવી હતી. ૨૦૧૮માં તેનું ઓપરેશન થયું ત્યાર પછી તેની તબિયત સારી હતી. પણ ધીમે ધીમે તે વયને લગતી વ્યાધિઓમાં સપડાવા લાગી. મેં મારા પિતા અગાઉથી જ ગુમાવી દીધાં છે તેથી મારી માતાની તબિયત બગડે તો મને ધ્રાસ્કો પડે છે. તનિષા વધુમાં કહે છે કે હું 'ઝલક...' માં જ્યારે મારા પપ્પા માટે એક્ટ કરી રહી હતી ત્યારે મારી મમ્મી હોસ્પિટલમાં હતી. તે વખતે હું દુ:ખી દુ:ખી થઈ ગઈ હતી. પરંતુ અધ્યાત્મ પ્રત્યેના મારા જોડાણે મને માનસિક રાહત આપી.

કાજોલ અને તનિષા સહોદરા હોવા છતાં બંનેના સ્વભાવ તદ્દન વિરોધાભાસી છે. સ્વાભાવિક રીતે બેઉ વચ્ચે અવારનવાર જીભાજોડી થતી રહે છે. થોડા સમય પહેલા બંને બહેનો લડી રહી હતી અને તનુજા તેમને શાંત પાડી રહી હતી એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ બાબતે તનિષા કહે છે કે મારો અને કાજોલનો સંબંધ ટૉમ એન્ડ જેરી જેવો છે. અને કાજોલ હમેશાંથી ટૉમ જેવી છે. આમ છતાં અમને એકબીજા વિના ચાલતું નથી. કાજોલ મારા માટે મા જેવી છે અને અજય દેવગણ પિતા જેવા. કાજોલે જ મને અડગ બનીને આપ્તજનોની પડખે ઊભા રહેતાં શીખવ્યું છે.

કોઈપણ સામાન્ય યુવતીની જેમ તનિષાને પણ લગ્ન કરીને પોતાનો સંસાર માંડવો છે, તેને મમ્મી બનવું છે. તેને માટે અદાકારાએ પોતાના સ્ત્રીઅંડ પણ ફ્રીઝ કરાવી રાખ્યાં છે. તનિષા કહે છે કે અન્ય મહિલાઓની જેમ મને પણ મારા પોતિકા પરિવારના અરમાન છે. મારી બંને બહેનોને તેમના સંતાનો સહિતના સુખી પરિવારમાં જોઉઁ છું ત્યારે મારી આ ઇચ્છા બળવત્તર બને છે. આ કારણે જ મેં મારા સ્ત્રીઅંડ જાળવી રાખ્યાં છે. જ્યારે મને મારા મનનો માણીગાર મળી જશે ત્યારે હું મારો સંસાર માંડી લઈશ.   

Gujarat