તમન્ના ભાટિયાના બન્ને હાથમાં લાડવા છે
- 'હું ફિલ્મજગતમાં 20 વર્ષથી કામ કરું છું છતાં હજુ સુધી મહાનાયક અભિતાભ બચ્ચનને રૂબરૂ મળી શકી નથી. અરે, કોઇ ઇવેન્ટમાં પણ અમિતજીને દૂરથી જોયા નથી. બસ, મને આ જ વાતનો ભારે રંજ છે...'
તમન્ના ભાટિયા એવી અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મ જગત અને દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંનેમાં અભિનય કરે છે. એટલે જ તો એમ કહેવાય છે કે તમન્ના ભાટિયા બોલિવુડ અને સાઉથ ફિલ્મ જગત વચ્ચે સેતુરૂપ છે. બહુ ઓછાં કલાકારો એવાં છે જેઓ હિન્દી ફિલ્મો સાથોસાથ તમિળ અને તેલુગુ ફિલ્મોમાં પણ બહુ સરળતાથી કામ કરે છે ને દર્શકોનો બહોળો આવકાર પણ પામે છે.
મુંબઇના સિંધી પરિવારમાં જન્મેલી અને આ જ મહાનગરમાં ઉછરેલી તમન્ના ભાટિયા કહે છે, 'એક ફિલ્મ કલાકારને દર્શકોનો બહોળો પ્રતિસાદ, પ્રેમ અને આવકાર મળે ત્યારે જ તેને ખરા અર્થમાં સ્વીકૃતિ મળી કહેવાય. હા, દર્શકો અભિનેતા કે અભિનેત્રીની પ્રતિભા જરૂર પારખે છે. વળી, કલાકારે પોતાના ચાહકો સાથે સંપર્કમાં પણ રહેવું જરૂરી છે. હું થોડા સમય પહેલાં મારા પિતાજીના જન્મસ્થળ લખનૌ ગઇ હતી ત્યારે મને ત્યાંનાં ફિલ્મપ્રેમીઓને મળવાનો અને તેમની સાથે પ્રેમાળ વાતચીત કરવાની યાદગાર તક મળી હતી. મને ખૂબ આનંદ અને સંતોષ થયો હતો.'
બાળપણથી જ નાટકો સહિત જુદી જુદી સાંસ્કૃતિક બાબતોનો શોખ ધરાવતી તમન્ના બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, 'ભારતમાં નારીપ્રધાન ફિલ્મોને બહોળો આવકાર મળે છે. આમ પણ આપણા દેશની સંસ્કૃતિમાં નારી સન્માનની સુંદર પરંપરા છે. મધર ઇન્ડિયા, સ્ત્રી, સાહિબ બીબી ઔર ગુલામ, બંદિની, બેન્ડિટ ક્વીન, લજ્જા, મિર્ચ મસાલા, અર્થ, તપસ્યા, અસ્તિત્વ, કહાની, મર્દાની, જુદાઇ, ઇંગ્લીશ -વિંગ્લીશ વગેરે ફિલ્મો તેના નારી પાત્ર ફરતે ફરે છે. મીનાકુમારી, વહીદા રહેમાન, તનુજા, રાખી, રેખા, શ્રીદેવી વગેરે અભિનેત્રીઓએ આ બધી ફિલ્મોમાં તેમની ભૂમિકાને ભારોભાર સંવેદનશીલતા સાથે રજૂ કર્યાં છે. દર્શકોએ પણ આ બધી સુંદર --માણવાલાયક ફિલ્મોને ભરપૂર પ્રેમ કર્યો છે.'
આટલું કહીને તમન્ના ઉમેરે છે, 'આજે પણ ઓટીટી પર અમુક સિરીયલ અને ફિલ્મોમાં અભિનેત્રીની ભૂમિકા વધુ મજબૂત અને મહત્ત્વની હોય છે. આજની નવી-ઉગતી પેઢીના નિર્માતાઓ અને દિગ્દર્શકો પ્રયોગશીલ અને વિચારશીલ મુદ્દા પર સરસ મજાની સિરીઝ અને ફિલ્મો બનાવે છે. એટલે જ તો ઓટીટી માધ્યમ દરેક વર્ગના દર્શકોને ગમે છે.'
ફક્ત ૧૩ વર્ષની નાની ઉંમરે મુંબઇના પ્રસિદ્ધ પૃથ્વી થિયેટર સાથે જોડાઇને નાટકોમાં વિવિધ પાત્રો ભજવનારી તમન્ના ભાટિયા કહે છે, 'હું બહુ નસીબદાર છું કે મને રંગમંચ પર કામ કરવાની તક મળી છે. નાટકોમાં દર્શકો સાથેનો સીધો સેતુ હોવાથી કલાકારનો અભિનય જીવંત બને છે. મેં ચાંદ સા રોશન ચહેરા(૨૦૦૫) ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં પા પા પગલી ભરી. સમય જતાં મેં હિંમતવાલા, માએસ્ટ્રો, એન્ટરટેનમેન્ટ, પ્લાન એ પ્લાન બી, બબલી બાઉન્સર વગેરે હિન્દી ફિલ્મોમાં પણ વિવધ ભૂમિકાઆ ભજવી છે. સાથોસાથ, મને પહેલી તમિળ ફિલ્મ શ્રી(૨૦૦૫) સહિત હેપ્પી ડેઝ, ૧૦૦ %, લવ ઉસારવેલી, દેવી, જેલર, આરનમનઇ-૪, બાહુબલી વગેરે તેલુગુ ફિલ્મોમાં પણ જુદી જુદી ભૂમિકાઓ ભજવવાની ઉમદા તક મળી છે. હાલ હું જે કોઇ તમિળ કે તેલુગુ ફિલ્મમાં કામ કરું છું તેના પાત્ર અને કથા-પટકથા વિશે ખાસ વિચાર કરું છું. સાથોસાથ, હું આ ભૂમિકા માટે યોગ્ય છું ? મારા પાત્રને પૂરતો ન્યાય આપી શકીશ ? વગેરે બાબતો વિશે પણ મારી જાત સાથે વાત કરું છું. ખરું કહું તો હું સમયના પ્રવાહ સાથે એક અભિનેત્રી તરીકે વધુ ને વધુ ધીર ગંભીર બની છું.
મોહક દેખાવ અને આકર્ષક હાસ્યનું કુદરતી વરદાન મેળવનારી તમન્ના ભાટિયા થોડી સંવેદનશીલ બનીને કહે છે, 'હું ફિલ્મ જગતમાં ૨૦ વર્ષથી હોવા છતાં હજી સુધી મહાનાયક અભિતાભ બચ્ચનને રૂબરૂ મળી શકી નથી. કે પછી કોઇ સમારોહમાં પણ અમિતજીને દૂરથી નથી જોયા. બસ, મને આ જ વાતનો ભારે રંજ છે. મને આપણા સહુના બીગ બી ને રૂબરૂ મળવાની અને તેમની સાથે મન ભરીને વાતો કરવાની બહુ બહુ ઇચ્છા છે. મને બોલિવુડના આલા દરજ્જાના નિર્માતા-દિગ્દર્શકો સંજય લીલા ભણસાલી અને ઇમ્તિયાઝ અલી સાથે કામ કરવાની પણ અદમ્ય ઇચ્છા છે.'
ઓલ ધ બેસ્ટ, તમન્ના.