'તારક મહેતા...' સિરીયલ અભિનેત્રી અને નિર્માતા વચ્ચેના આરોપ-પ્રત્યારોપમાં અટવાઈ
- ચૌદ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહેલો અને જનતાનો ભરપૂર પ્રેમ મેળવી ચૂકેલા આ શો એકાએક નેગેટિવિટીમાં ઘેરાઈ ગયો છે. શું તેની અસર શોના ટીઆરપી પર થશે?
ટીવી અદાકારા જેનિફર મિસ્ત્રી બંસીવાલ, જે 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ની મિસિસ રોશન સોઢી તરીકે વધુ જાણીતી છે, તે શોના પ્રોડક્શન હાઉસ સાથે વિવાદમાં ઉતરી છે. તેણે નિર્માતા આસિતકુમાર મોદી, કાર્યકારી નિર્માતા જતિન બજાજ અને ઓપરેશન્સ હેડ સોહિલ રામાણી પર સતામણીનો આરોપ લગાવ્યો છે. જેનિફરે ઈમેલ દ્વારા જોઈન્ટ કમિશનર અને ડીસીપીને મહિના અગાઉ ફરિયાદ મોકલી છે, જેમાં તેણે કાર્યસ્થળે માનસિક અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
એક દાયકા કરતા વધુ સમયથી 'તારક મહેતા...' શોનો હિસ્સો રહેલી જેનિફર કહે છે, '૨૦૦૮માં હું શોમાં સામેલ થઈ હતી. પછી જ્યારે હું સગર્ભા હતી ત્યારે ૨૦૧૩માં મેં ત્રણ વર્ષનો બ્રેક લીધો. ફરી હું ૨૦૧૬માં શોમાં સામેલ થઈ, જેના પછી ફી સંબંધિત અને માનસિક સતામણીના મુદ્દા ઉપસ્થિત થયા, પણ હું ચૂપ રહી. મેં નિર્માતા આસિત મોદીને વળતરની ચુકવણી ન થઈ હોવા બાબતે તેમજ ખોટી રીતે પૈસા કપાઈ ગયા બાબતે ઘણી વાર ફરિયાદ કરી, પણ તેમણે મને સોહિલ રામાણી સાથે વાત કરવા કહ્યું.'
જેનિફરે ૨૦૧૯માં તેની સાથે જાતીય સતામણી વિશેની પણ ફરિયાદ કરી હતી. જેનિફરના કહેવા મુજબ તેઓ જ્યારે સિંગાપોરમાં શૂટ માટે ગયા હતા ત્યારે આસિત મોદીએ તેના હોઠ વિશે ટિપ્પણી કરતા કહ્યું કે તને કિસ કરી લેવાનું મન થાય છે. પછી મને તેની રૂમમાં આવવા કહ્યું હતું. હું ત્યારે ગભરાઈ ગયેલી. એ વખતે મારા બે સહયોગીઓએ મને મદદ કરી હતી. આસિતજી જ્યારે પણ મારી અતિશય નજીક આવતા ત્યારે તેઓ વચ્ચે આવી જતા. સેટ પર પણ તે મારા ગાલ ખેંચતા અને હું સેક્સી લાગું છું તેવી કમેન્ટ કરતા.
જેનિફર કહે છે, 'હદ તો ત્યારે થઈ જ્યારે મેં હોળી માટે રજા માગી. તેમણે રજા તો ન આપી, પણ મને સેટ પરથી જતા પણ અટકાવી. જોકે તે જેમતેમ કરીને જતી રહી. આ ઘટના ૭મી માર્ચે બની હતી. ૨૪ માર્ચે તેમણે મને ઈમેલ મોકલ્યો કે તારે કારણે અમને ઘણો ખોટો ખર્ચ થયો છે. આટલાં વર્ષો દરમિયાન મેં કેટલીય વાર મારાં ખુદનાં આભૂષણ, પગરખાં અને મેક-અપ વાપર્યા હતા, એના ખર્ચાનું શું? મેં પણ તેમને ઈમેલ દ્વારા જવાબ આપ્યો અને આટલા વર્ષ દરમ્યાન ઉપસ્થિત થયેલા મુદ્દા વિશે તેમને જણાવ્યું. પણ તેમણે સામી ફરિયાદ કરી કે હું પૈસા પડાવવા માટે આ બધું કરી રહી છું. આથી ૮ એપ્રિલે મેં પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી અને તેમને પણ નોટિસ મોકલી.'
બીજી તરફ આસિત મોદીએ જેનિફર પર વળતા આરોપ કરતા કહ્યું કે અમે તેને કાઢી મુકી એટલે તે પાયાવિહોણા આરોપો કરી રહી છે. આસિત મોદી કહે છે કે તે અમને બદનામ કરવાની કોશિશ કરી રહી છે માટે અમે તેના પર માનહાનિનો દાવો કરીશું.
દિગ્દર્શનની ટીમના સભ્યો હર્ષદ જોશી, ઋષભ દવે અને અરમાન ધાનેશાએ પણ સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું કે સેટ પર જેનિફરમાં મૂળભૂત શિસ્તનો અભાવ હતો અને તે કામ પર ધ્યાન કેન્દ્રિત નહોતી કરતી. અમારે પ્રોડક્શન ચીફને વારંવાર તેના વિશે ફરિયાદ કરવી પડતી હતી. ૭મી માર્ચે, તેના અંતિમ દિવસે તેણે આખા યુનિટની સામે ગાળો દીધી હતી અને પોતાનું કામ પુરું કર્યા વિના જ જતી રહી હતી. જતી વખતે તો પોતાની કાર ખૂબ જ ઝડપથી ચલાવીને ગઈ અને સેટની મિલકતને પણ નુકસાન પહોંચાડયું હતું. શૂટ દરમ્યાન તેના ખરાબ વર્તન અને અશિસ્તને કારણે અમારે તેનો કરાર રદ કરવો પડયો હતો. આ બનાવ વખતે આસિત મોદી અમેરિકામાં હતા. હવે જેનિફર આધારહીન આક્ષેપો કરીને અમને અને શોને બદનામ કરવાની કોશિશ કરી રહી છે.
દરમ્યાન હવે પવઈ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. ડીસીપીએ જણાવ્યું કે અમને જેનિફર તરફથી ફરિયાદ મળી છે અને અમે આ બાબતમાં વધુ તપાસ કરી રહ્યા છીએ.