ફિર આઈ તાપસી દિલરૂબા .
- 'બે વ્યક્તિ એકમેકની સાથે રહેવાનું નક્કી કરે ત્યારે સૌથી પહેલાં તો બન્નેને એકબીજા માટે ભરપૂર આદર હોય તે અત્યંત જરૂરી છે. પ્રેમ તો પછી આવે છે. '
'ત મે જ કહો, બોલિવુડની કેટલી હિરોઈનોનાં નામે કોઈ પણ ફિલ્મની ફ્રેન્ચાઇઝી બોલે છે?' તાપસી પન્નુ આવો સવાલ કરે એટલે એકાદ મિનિટ વિચારવું પડે. તમને સમજાય કે હા યાર, એક રાની મુખર્જી અને બીજી તાપસી પન્નુ સિવાય બીજી એક પણ હિંદી ફિલ્મની હિરોઈનની ફ્રેન્ચાઇઝી નથી. દેશના ટોચના પ્રોડક્શન હાઉસની માલકિન એવી રાની મુખર્જીએ 'મર્દાની' અને 'મર્દાની-ટુ' નામની ફિલ્મો કરી, જ્યારે તાપસી પન્નુએ 'હસીન દિલરૂબા' અને પછી 'ફિર આઇ હસીન દિલરૂબા' કરી. આ એક સોશિયલ થ્રિલરની શૃંખલા છે. પહેલા ભાગમાં વિક્રમ મેસી અને હર્ષવર્ધન રાણે હીરો હતા, જ્યારે સિક્વલમાં, કે જેનું ટૂંક સમયમાં સીધું નેટફ્લિક્સ પર પ્રીમિયર થવાનું છે, એમાં તાપસી અને વિક્રમ મેસીની સાથે સની કૌશલ પણ દેખાશે.
તાપસી કહે છે, 'હું 'દિલરૂબા' સિરીઝને મારું મોસ્ટ ઇન્ટેલિજન્ટ લોંગ-ટર્મ ગૉલ યા તો લોંગ-ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ગણું છું. તમે જાણો છો, 'હસીન દિલરૂબા' ઘણી હિરોઈનોએ રિજેક્ટ કરી નાખી હતી એટલે ફરતી ફરતી આખરે મારી પાસે આવી હતી? કોઈ હિરોઈનને લાગ્યું કે આમાં હિરોઈનનું પાત્ર વધારે પડતું ડાર્ક છે, જ્યારે કોઈને વિક્રમ મેસી જેવા નાના એક્ટર સામે કામ કરવામાં રસ નહોતો. ફિલ્મના પ્રોડયુસર આનંદ એલ. રાય અને લેખિકા મારી પાસે એટલા માટે આવ્યાં હતાં કે એમને ખબર હતી કે ફિલ્મો પસંદ કરતી વખતે હું આવી બધી બાબતોનો છોછ રાખતી નથી.'
પહેલી નજરે 'હસીન દિલરૂબા'માં એક સીધાસાદા યુવાન અને એની ભેદી, લફરેબાજ પત્નીની વાર્તા છે. 'ફિર આઇ હસીન દિલરૂબા' પણ સંભવત: આ જ દિશામાં આગળ વધશે... વિથ અ ટ્વિસ્ટ, અફ કોર્સ. તાપસી સ્ક્રીન પર ભલે લફરેબાજ પત્નીની ભૂમિકાઓ ભજવે, પણ અસલી જીવનમાં એ પત્ની તરીકે વિશ્વાસ અને સન્માનના ગુણને પ્રેમસંબંધની પૂર્વશરત ગણાવે છે. તાપસી પન્નુ પરણી ગઈ છે એ તો તમે જાણો છોને? 'હાઇલ્લા... તાપસીનાં લગ્ન વળી ક્યારે થઈ ગયાં?' એવો સવાલ તમારા મનમાં જાગે તો એમાં તમારો કોઈ વાંક નથી. તાપસીએ સહેજ પણ શોરશરાબા કર્યા વિના ૨૩ માર્ચે ઉદયપુરમાં ચુપચાપ પોતાનાં યુરોપિયન પ્રેમી સાથે સ્વજનો અને ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં.
મેથિયાસ બૉ - આ છે તાપસીના હસબન્ડનું નામ. એ ડેન્માર્કનો વતની છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બેડમિન્ટન પ્લેયર છે. ૨૦૧૨માં એ મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીતી લાવ્યો હતો. ૨૦૧૫માં યુરોપિયન ગેમ્સમાં એણે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તાપસી અને મેથિયાસની પહેલી મુલાકાત ૨૦૧૩માં ઇન્ડિયન બેડમિન્ટન લીગ દરમિયાન થઈ હતી. બન્ને દસ વર્ષથી રિલેશનશિપમાં છે.
'પુરુષને પસંદ કરવાની આવે ત્યારે મારા માટે આ બે બાબત સૌથી મહત્ત્વની છે,' તાપસી કહે છે, 'એક, એ સેલ્ફ-મેઇડ હોવો જોઈએ. એ ખાનદાનના જોરે નહીં, પણ પોતાની પ્રતિભાના જોરે આગળ આવેલો હોવો જોઈએ... અને બીજું, એ વાંચતો-વિચારતો હોવો જોઈએ. બે વ્યક્તિ એકમેકની સાથે રહેવાનું નક્કી કરે ત્યારે સૌથી પહેલાં તો બન્નેને એકબીજા માટે ભરપૂર આદર હોય તે અત્યંત જરૂરી છે. પ્રેમ તો પછી આવે છે. બન્ને સાથે સાથે વિકસે તે પણ અતિ આવશ્યક છે - કપલ તરીકે અને વ્યક્તિગત સ્તરે, બન્ને રીતે. રિલેશનશિપમાં રહેલી વ્યક્તિ માટે એકમેકના સહવાસ જેટલું જ મહત્ત્વ પોતાના આગવા વ્યક્તિત્ત્વનું, ઇન્ડિવિઝ્યુઅલ લાઇફનું હોવું જોઈએ. તો જ સબંધ હળવોફૂલ અને ઇન્ટરેસ્ટિંગ રહી શકે.'
વાત તો સાવ સાચી!