તાપસી પન્નુ: મેં 'એનિમલ' ફિલ્મ સ્વીકારી હોત, પણ...
- તમિલ ફિલ્મોમાં ગ્લેમરસ ભૂમિકાઓ કરવી પણ અઘરી છે. મુંબઇમાં આવ્યા બાદ મેં જોયું કે ગ્લેમરસ ભૂમિકાઓ તો ઘણી હિરોઇનો કરે છે. મને સમજાયું કે મારે હિન્દી ફિલ્મોમાં જો સ્થાન બનાવવું હશે તો તેમનાથી અલગ રસ્તો લેવો પડશે.
- પ્રત્યેક અનુભવ, પછી તે સારો હોય કે નરસો, એ માણસ તરીકેના આપણા વિકાસને વેગ આપે છે. જીવનમાં બનતી પ્રત્યેક ઘટના આપણને બહેતર અને મજબૂત બનાવવા માટે જ ઘટતી હોય છે.
હિ ન્દી ફિલ્મોમાં બોલ્ડ એન્ડ બ્યુટિફુલ હિરોઇન તાપસી પન્નુ વિવિધ મુદ્દે બેધડક અભિપ્રાય આપવા માટે જાણીતી છે. આ 'હસીન દિલરૂબા' કહે છે, 'જે યોગ્ય લાગે તે બેધડક કહેવાની મને ટેવ છે. અને તેનો મને ગર્વ છે. કાણાને કાણો કહેવા બદલ મેં આકરી કિંમત પણ ચૂકવી છે. મને ઘણીવાર 'કેન્સલ' કરવામાં આવી છે, પણ હું જ્યારે બોલું ત્યારે કોઇને નિશાન બનાવીને બોલતી નથી. હું જે પ્રકારની વ્યક્તિ છું તેની મારે આકરી કિંમત ચૂકવવી પડે છે, પણ મને તેનો કશો વાંધો નથી.'
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવાહો પલટાઇ રહ્યા છે. ઘણી ફિલ્મોને ધારી સફળતા મળી નથી તો ઘણી ફિલ્મો સીધી ઓટીટી પર રજૂ થાય છે. છે. આ મામલે પોતાના વિચારો વ્યક્ત કરતાં તાપસી કહે છે, 'દર પાંચ-છ વર્ષે ટ્રેન્ડ બદલાતા હોય છે. આનું કારણ એવું છે કે તમે જે ફોર્મ્યુલાઓ વાપરતા હો છો તે એક તબક્કે કામ કરવાનું બંધ કરી દે છે. ત્યારે બધાને લાગે છે કે ફિલ્મ ઉદ્યોગમાં મંદી આવી ગઇ છે.'
ઉભડક દ્રષ્ટિએ એવંુ લાગે કે અત્યારે મોટા સુપરસ્ટારો ધરાવતી ભવ્ય ફિલ્મો થિયેટરમાં જોવાનો અને બાકીની ફિલ્મો ઓટીટી પર જોવાનો ટ્રેન્ડ થઈ ગયો છે. શું આ નિરીક્ષણ સાચું છે? આ સવાલના જવાબમાં નિર્માત્રી તરીકેનો અનુભવ સુધ્ધાં ધરાવતી તાપસી કહે છે, 'આ બાબતે મારી સરળ સમજ એટલી જ છે કે કેટલીક ફિલ્મો સમૂહમાં જોવા જેવી હોય છે, તો કેટલીક ફિલ્મો સોફા પર લાંબા થઈને, ટીવી પર કે મોબાઇલ પર એકલા એકલા જોવાની પણ મજા આવે છે. હવે ફિલ્મોનું માર્કેટિંગ પણ આ પ્રકારે થવા માંડયુ છે.'
જેના વિશે ઘણી હો-હા થઇ છે તે 'એનિમલ' ફિલ્મમાં તમને ભૂમિકા ઓફર થઇ હોત તો તમે સ્વીકારી હોત ખરા? તાપસી એક પળ વિચારીને કહે છે, 'જો મેં 'એનિમલ' ફિલ્મની પટકથા સાંભળી હોત તો મેં આ ફિલ્મ કરવાની હા પાડી હોત. એક એક્ટર તરીકે રણબીર કપૂરની પત્નીની ભૂમિકા પડકારજનક હતી, પણ મેં જે સ્ક્રીન પર જોયું તે વિચિત્ર હતું. અમુક વાંધાજનક દ્રશ્યોમાં દર્શકો સિસોટીઓ મારતા હતા તે મને ગમ્યું નથી. અમુક જગ્યાએ બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો જે રીતે ઉપયોગ થયો છે તે પણ મને બહુ પસંદ પડયું નથી.'
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એકતા નથી તે વાત સાચી? તાપસી શું કહે છે? 'ફિલ્મ ઉદ્યોગમાં એકતા નથી તે વાત સાચી છે, પણ એક્ટર્સ ભણેલા હોતા નથી અને તેમની પાસે કોઇ વિકલ્પ ન હોવાથી તેઓ ફિલ્મોમાં કામ કરવા લાગે છે તે વાત સાવ ખોટી. આજકાલના યુવા કલાકારો ભણેલાગણેલા હોય છે અને તેઓ પસંદગીપૂર્વક ફિલ્મલાઇનમાં કારકિર્દી બનાવવા આવે છે.'
આજે હિન્દી ફિલ્મની હિરોઈનો સાઉથની ફિલ્મોમાં કામ કરવા ઘાંઘી થાય છે, જ્યારે તાપસીએ તો શરૂઆત જ સાઉથથી કરી હતી. એણે તમિલ ફિલ્મોમાં ગ્લેમરસ ભૂમિકાઓ ભજવી છે, પણ મુંબઇમાં આવ્યા બાદ એની ભૂમિકાઓની પસંદગીમાં ફરક પડી ગયો. તેનું કારણ શુંં? તાપસી કહે છે, 'હા, મેં તમિલ ફિલ્મોથી કારકિર્દી શરૂ કરી હતી. મને ભાષાની મુશ્કેલી પડતી હોવાથી તમિલ સંવાદો સાચી રીતે બોલવા ઘણી વાર ૨૦થી ૨૫ રીટેક્સ આપવા પડતા. તમિલ ફિલ્મોમાં ગ્લેમરસ ભૂમિકાઓ કરવી પણ અઘરી છે. મુંબઇમાં આવ્યા બાદ મેં જોયું કે ગ્લેમરસ ભૂમિકાઓ તો ઘણી હિરોઇનો કરે છે. મને સમજાયું કે મારે હિન્દી ફિલ્મોમાં જો સ્થાન બનાવવું હશે તો તેમનાથી અલગ રસ્તો લેવો પડશે. આમ, મેં એવી ભૂમિકાઓ પસંદ કરવા માંડી જેમાં અભિનય કરવાનો અવકાશ હોય. પરિણામ તમારી સામે છે. એ વાત અલગ છે કે એક પરફેક્શનિસ્ટ હોવાના નાતે મને મારી બધી ફિલ્મોમાં ખામીઓ જ દેખાયા કરે છે!'
તાપસીની 'ખેલ ખેલ મેં' તાજેતરમાં રિલીઝ થઈ અને મોટે ભાગે હવે એ 'વો લડકી હૈ કહાં?'માં દેખાશે.