તાપસી પન્નુઃ આઉટસાઇડર હોવાનો મને તો ગર્વ છે
- 'શાહરૂખ કોઈ પણ વિષય પર બુદ્ધિગમ્ય રીતે ચર્ચા કરી શકે છે અને પોતાની વાતને તથ્યો, આંકડા અને ખરી જાણકારી સાથે રજૂ કરી શકે છે. શાહરૂખે ખૂબ વાંચ્યું છે. ફિલ્મો સિવાયના વિષયો વિશે પણ તે ખૂબ બધું જાણે છે. શાહરૂખના નોલેજથી હું ખરેખર પ્રભાવિત થઈ છું.'
ત મને ખબર છે, તાપસી પન્નુ હવે માત્ર એક્ટ્રેસ નથી, એ હવે પ્રોડયુસર પણ બની ગઈ છે? તમને ખબર છે, તાપસીએ પ્રોડયુસ કરેલી સૌથી પહેલી ફિલ્મનું ટાઇટલ 'બ્લર' (૨૦૨૨) હતું અને લેટેસ્ટ ફિલ્મનું નામ 'ધક ધક' (૨૦૨૩) છે? તમને એ પણ ખબર છે કે તાપસીએ પોતાના બેનરનું નામ ભારે રોફથી 'આઉટસાઇડર ફિલ્મ્સ' રાખ્યું છે?
'હા, હું બોલિવુડની આઉટસાઇડર છું અને મને એ વાતનું અભિમાન છે,' તાપસી કહે છે, 'આ ઇન્ડસ્ટ્રીમાં મારું કોઈ સગુંવહાલું નથી, ક્યારેય નહોતું. આઉટસાઇડર હોવા છતાં મેં આ ક્ષેત્રમાં ઠીક ઠીક હાંસલ કર્યું છે અને આ સઘળું માત્ર ને માત્ર મારી ટેલેન્ટના જોરે હાંસલ કર્યું છે. તેથી જ મેં મારા બેનરનું નામ પણ આઉટસાઇડર્સ ફિલ્મ્સ રાખ્યું છે.'
બોલિવુડમાં, કે ફોર ધેટ મેટર, દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ, બહારથી આવતી વ્યક્તિઓએ, કે જેમની પાસે કોઈની ઓળખાણ કે લાગવગ હોતી નથી, તેમણે ભારે સંઘર્ષ કરવો પડે છે તે હકીકત છે. તાપસી કહે છે, 'બોલિવુડના આઉટસાઇડર્સમાં એકતાનો અભાવ છે. ખરેખર તો બહારથી આવેલા કલાકારોએ એકમેકને સપોર્ટ કરવાનો હોય, એકબીજાનું સમર્થન કરવાનું હોય, પણ આવું બનતું નથી.'
તાપસીનો ઈશારો કદાચ કંગના રનૌત તરફ છે. તાપસી ક્યારેક કોણ જાણે કંગના વિશે શું બોલી હશે કે કંગનાએ તે ગણીને ગાંઠે બાંધી લીધું છે. એણે તાપસીને સતત પોતાની 'સસ્તી કોપી' કહીને કેટલીય વાર ઉતારી પાડી હતી. 'સસ્તી કોપી' કહેવા ઉપરાંત કંગનાએ તાપસીને ઘણી વાર લબડધક્કે લીધી છે. તાપસીએ જોકે ક્યારેય કંગનાને તીખી પ્રતિક્રિયા આપી નથી.
ખેર, તાપસી આજકાલ મોજમાં છે. શાહરૂખ 'સર' સાથે કામ કરવાનું વર્ષો જૂનુ સપનું 'ડંકી'એ સાકાર કર્યું એટલે એને દેખીતી રીતે જ એના આનંદનો પાર નથી. અસર એવી ઊભી થઈ છે કે ૨૦૨૩માં શાહરૂખની 'પઠાણ' અને 'જવાન' સરસ ચાલી, પણ રાજકુમાર હિરાણીના ડિરેક્શનમાં બનેલી 'ડંકી' ખાસ ન ચાલી. એવું નથી. ૧૨૦ કરોડના ખર્ચે બનેલી 'ડંકી'એ અત્યાર સુધીમાં લગભગ ચાર ગણો, ટુ બી પ્રિસાઇઝ, ૪૭૦.૬ કરોડનો બિઝનેસ કરી નાખ્યો છે. 'ડંકી' એક સફળ ફિલ્મ છે જ. હા, રાજકુમાર હિરાણીની અગાઉની ફિલ્મ જેવું યાદગારપણું એનામાં નથી. 'ડંકી'ને લવસ્ટોરી ગણવામાં કશું ખોટું નથી. ફિલ્મમાં શાહરૂખ જેટલું જ ફૂટેજ તાપસીને મળ્યું છે.
તાપસી કહે છે, 'રાજકુમાર હિરાણીએ મને 'ડન્કી'માં શાહરૂખની હિરોઈનનો રોલ ઓફર કર્યો ત્યારે શરૂઆતમાં તો મને માન્યામાં નહોતું આવ્યું. મારા મનમાં શાહરૂખની એક સુપરસ્ટાર તરીકેની એક નિશ્ચિત છબી હતી. તે છબીને ભૂંસતા મને બહુ વાર લાગી. અમે કામ શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં મને બહુ ખચકાટ થતો હતો. મારી અને શાહરૂખની અભિનય કરવાની પ્રોસેસ બહુ જુદી છે. શાહરૂખને રિહર્સલ્સ કરવાં ખૂબ ગમે, જ્યારે મને જરાય ન ગમે. ધીમે ધીમે હું શાહરૂખની શૈલી અપનાવતી ગઈ. શાહરૂખે મને ખૂબ મદદ કરી ને આ રીતે હું પાછી ફોર્મમાં આવતી ગઈ.'
'ડંકી'માં શાહરૂખ અને તાપસીની કેમિસ્ટ્રી સરસ લાગે છે. તાપસી કહે છે, 'શાહરૂખ કોઈ પણ વિષય પર બુદ્ધિગમ્ય રીતે ચર્ચા કરી શકે છે અને પોતાની વાતને તથ્યો, આંકડા અને ખરી જાણકારી સાથે રજૂ કરી શકે છે. શાહરૂખે ખૂબ વાંચ્યું છે. ફિલ્મો સિવાયના વિષયો વિશે પણ તે ખૂબ બધું જાણે છે. શાહરૂખના નોલેજથી હું ખરેખર પ્રભાવિત થઈ છું.'
'ડંકી'ની વાત અલગ છે, બાકી તાપસી માટે એવી છાપ પડી ગઈ છે કે એ માત્ર મહિલા-કેન્દ્રિત અને ગંભીર-ગંભીર ફિલ્મો જ સ્વીકારે છે. 'સાવ ખોટું છે આ... ' તાપસી ખુલાસો કરે છે, 'કેમ, મેં 'મિશન મંગલ', 'બેબી', 'સૂરમા' જેવી ફિલ્મો કરી જ છેને. એમાં મારો રોલ પણ નાનો હતો અથવા તેમાં બીજી હિરોઈનો પણ હતી.'
તાપસીની ચારેક ફિલ્મો હવે આવશે - પ્રતીક ગાંધી સાથે 'વો લડકી હૈ કહાં', 'ફિર આઈ હસીન દિલરૂબા', અક્ષયકુમાર સાથે 'ખેલ ખેલ મેં' અને 'એલિયન' નામની તમિળ ફિલ્મ... અને હા, પ્રોડયુસર તરીકે એ 'ધક ધક-ટુ' પણ બનાવશે તે વાત કન્ફર્મ થઈ ચૂકી છે. તાપસી વર્ષોથી ડેન્માર્કના પ્રોફેશનલ બેડમિન્ટન પ્લેયર મેથિયાસ બૉ સાથે રિલેશનશિપમાં છે. સો વાતની એક વાત. તાપસીની પ્રોફેશનલ અને પર્સનલ એમ બન્ને જીવન સ્થિર છે, સંતુલિત છે.
સરસ!